SURAT

ગારમેન્ટનું રોકડમાં વેચાણ કરતાં સુરતના 5 વેપારીઓ પર GSTના દરોડા

સુરત : સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગે સુરત સહિત રાજ્યનાં જુદા જુદા શહેરોમાં ગારમેન્ટ વેપારીને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સુરતનાં પાંચ ગારમેન્ટ વેપારીને ત્યાં સર્ચ કાર્યવાહી ચાલી રહી છે. વેપારીઓને ત્યાં થઈ રહેલી તપાસનો રેલો સચિન, પલસાણા એપરલ પાર્કનાં યુનિટ સુધી પહોંચ્યો છે.

  • વરાછા રોડ, રાંદેરરોડ અને ભાગળ પર રેડિમેડ ગારમેન્ટ્સના વેપારીઓને ત્યાં ચોક્કસ બાતમીના આધારે દરોડા
  • વેપારીઓએ મોટાભાગનો માલ પાકા બિલ વિના રોકડમાં વેચ્યો હોવાની શંકા
  • અધિકારીઓએ લેપટોપ, કોમ્પ્યુટર અને ડાયરીઓ જપ્ત કર્યા

બુધવારે સાંજથી શરૂ થયેલું સર્ચ ઓપરેશન આવતીકાલ સુધી ચાલે એવી શક્યતા છે. વેચાણ કિંમત રૂ.1000 થી વધુ ન હોય તેવા તૈયાર વસ્ત્રો, 1000 પ્રતિ નંગ પર 5% GST લાગે છે. 1000 રૂ.થી વધુ વેચાણ મૂલ્યના તૈયાર વસ્ત્રો, 1000 પ્રતિ નંગ પર 12% GST લાગે છે. પણ વેપારીઓ પોતાના શોરૂમમાં પાકું બિલ બનાવ્યા વિના રોકડેથી જથ્થાબંધ માલ વેચી કાચી એન્ટ્રી પાડતાં હતાં અને મોટો જથ્થો રીટર્ન ગુડ્ઝ તરીકે દર્શાવી ક્રેડિટ નોટ રજૂ કરી દેતા હતા.

હાલમાં વરાછારોડ, રાંદેરરોડ અને ભાગળ પર રેડિમેડ ગારમેન્ટ્સના વેપારીઓને ત્યાં ચોક્કસ બાતમીના આધારે તપાસ ચાલી રહી છે. SGST એન્ફોર્સમેન્ટ વિંગને બાતમી મળી હતી કે, મોટાભાગનો માલ રેડીમેડ ગારમેન્ટના વેપારીઓ શો-રૂમમાંથી બિલ વિના જ માલ કાઢી રહ્યા છે. બુધવાર સાંજથી ચાલતી બે દિવસની તપાસ દરમિયાન SGST એન્ફોર્સમેન્ટ વિંગના અધિકારીઓએ લેપટોપ, કોમ્પ્યુટર, રોજમેળ અને ડાયરીઓ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ સર્ચ ઓપરેશનમાં મોટા પાયે કરચોરી પકડાઈ શકે છે.

પાંચ ચોકપોસ્ટ પર GST ટેક્સચોરી રોકવા બે ડેપ્યુટી કમિશનરો ફરજ પર, છતાં ટેક્સચોરી અટકી નથી
એસજીએસટી એન્ફોર્સમેન્ટ વિંગે સુરત સહિત રાજ્યના મોટા વેપારીઓ પર લાંબા સમયથી વોચ ગોઠવી હતી. રેડિમેડ ગારમેન્ટ્સ પર જીએસટી દર વધારવાની હિલચાલને પગલે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરથી ટ્રકો ભરી મુંબઈ, દિલ્હી, લુધિયાણાથી રેડીમેડ ગારમેન્ટનો જથ્થો ઘુસાડવામાં આવ્યો છે. પાંચ ચેકપોસ્ટ પર પણ GST ચોરી કરી ઘુસાડવામાં આવતી ટ્રકોને અટકાવી ટેક્સચોરી રોકવા બે ડેપ્યુટી કમિશનરો ફરજ બજાવતા હોવા છતાં ટેક્સ ચોરી અટકી નથી કે નથી કોઈ મોટો જથ્થો પકડવામાં આવ્યો છે.

Most Popular

To Top