Comments

બેન્કિંગ સેવાઓને જી.એસ.ટી. માંથી બાકાત રાખી શકાય કે નહિ?

હવે તમે બેન્કમાંથી રૂપિયા ઉપાડવા જશો કે રૂપિયા મૂકવા જશો ત્યારે તમારે બેન્કને રૂપિયાની નોટ ગણવાનો પણ ચાર્જ ચૂકવવો પડે છે. નવાઈ લાગે તેવી કે હસવું આવે તેવી વાત છે પણ આ વાત સાચી છે. ગુજરાતમાં ઘણી સહકારી અને ખાનગી બેંકમાં બોર્ડ લાગી ગયું છે કે રૂપિયા ૨૦૦૦૦ થી વધારેની રોકડ ઉપાડવા પર કે મૂકાવ પર દર ૧૦૦૦૦ રૂપિયા દીઠ ૬ રૂપિયા હેન્ડલિંગ ચાર્જ થશે ! ભારતમાં ઉદારીકરણના દસ વર્ષના અનુભવ પરથી એક કટાક્ષ નાટિકા તૈયાર થઇ હતી. નામ હતું ઉધારીકરણ, જ્યાં માણસ સરનામું બતાવવાનો પણ ચાર્જ લેતો હતો ત્યારે હસવું આવતું હતું પણ આ વખતે દુ:ખ થયું.

આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? હમણાં નવી રચાયેલી જી. એસ. ટી. કાઉન્સીલે તમામ બેંકોને આદેશ કર્યો છે કે તમે તમારા ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસુલ કરો અને જી. એસ. ટી. ચૂકવો. વળી એવું માને છે કે તમે ગ્રાહકને મફત સર્વિસ આપો તો પણ અમને સર્વિસ ચાર્જ તો મળવો જ જોઈએ .જેમકે નવા જી. એસ. ટી ના નિયમ મુજબ નાટકોની ૨૫૦ રૂ થી વધુની ટીકીટ પર હવે જી. એસ. ટી. ચૂકવવો પડે. હવે જો કોઈ નાટ્યનિર્માતા પોતાના નાટકના શો વખતે મહેમાનોને આમન્ત્રણ આપે અને ૨૫૦ રૂપિયાની ટીકીટ વાળી ખુરસીમાં મફત બેસાડે તો નિર્માતાએ આ ટીકીટો પર જી.એસ.ટી. તો ચૂકવવો જ પડશે. અધિકારીઓનું માનવું છે કે તમે રકમ જતી કરો છો પણ સરકાર ટેક્ષ જતો નથી કરતી. ભારતમાં જે રીતે પ્રજા અને નેતાઓ પ્રવચનોમાં મસ્ત છે અને ચેનલો મનગમતા વિષયો પર ચર્ચા કરે છે ત્યારે આ રોજિંદી જિંદગીને હેરાન કરતા મુદ્દા પર કોણ ધ્યાન આપશે તે પ્રશ્ન છે.

ભારતની આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે ચર્ચિલ ભારતને આઝાદી આપવાના વિરુદ્ધમાં હતા. તેમનાં બે વાક્યો “ભારતને આઝાદ કરીને તમે લુંટારા અને પિંઢારાના હાથમાં સોંપી રહ્યા છો”આ લોકો હવા અને પાણી પર પણ ટેક્ષ લેશે”.આજે સાચા પડી રહ્યા છે. આપણે પાણી માટે, સારા રસ્તા માટે, સારા શિક્ષણ માટે ટેક્ષ ચૂકવી રહ્યા છીએ. હવે આ જી. એસ. ટી. કાઉન્સિલ આવી છે જ્યાં નેતાઓ માત્ર મીટીંગ પૂરતા હાજર રહે છે અને નિર્ણયો અધિકારીઓ કરે છે. આ સમાંતર સરકાર ઊભી થઈ રહી છે જેની લોકશાહીના પ્રહરીઓને હજુ ખબર જ નથી પડતી.

કોઈ બોલવું જોઈએ કે ભાઈ જી. એસ.ટી. કાઉન્સિલ ચંદ્રના ગ્રહ પરથી નથી ચાલતી. જેમ શિક્ષણ અને આરોગ્યમાં જી. એસ. ટી. લાગુ નથી પડ્યો તેમ બેન્કિંગ પણ પાયાની સેવા છે ત્યાં જી. એસ. ટી. લાગુ ના પડે. વળી સરકારી બેન્કિંગમાં તો ના જ પડે. તમે ખાનગી બેન્કિંગ પાસેથી વધારાની સેવાઓ પર ચાર્જ વસુલો ત્યાં સુધી બરોબર છે ,પણ ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ પર પણ સર્વિસ ચાર્જ લગાડો તો તમારામાં અને લૂંટારામાં ફેર શું? ઉદારીકરણ વખતે વિરોધમાં આંદોલન કરતી ભાજપા સરકાર એક પછી એક બાબતો પર ટેક્ષ લઈ રહી છે અને કોંગ્રેસ માટે ભારતના મુખ્ય પ્રશ્નો બાજુમાં અને રાજકુંવરને ગાદીએ બેસાડવાનો પ્રશ્ન એક તરફ. ભાજપને સત્તામાં આવ્યા પછી આપણે એક સારો વિપક્ષ ગુમાવ્યો છે.

મૂળ પ્રશ્ન કોંગ્રેસનો આ જ છે. તેને પ્રજાના રોજિંદા પ્રશ્નો દેખાતા જ નથી. પછી એ વિરોધ ક્યાંથી કરે? અને પ્રજાના ઉપરના વર્ગને આ બધા મુદ્દામાં સમજ જ નથી પડતી. મરો તો નાના વર્ગનો છે.દેશના મોટા વર્ગ એવા યુવાનો સ્માર્ટ ફોનમાં માથું નાખીને બેઠા છે અને અર્થશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રીઓ રહ્યા છે કે કેમ એ પ્રશ્ન છે ત્યારે મધ્યમ વર્ગે પોતે જ પોતાના રોજિંદા જીવન માટે સતર્ક બનવાની જરૂર છે. આઈપીએલ ની મેચના સ્કોર જોવાની સાથે રોજ દસ મિનીટ રોજિંદા જીવનની આર્થિક બાબતો માટે વિચાર કરશો તો પણ કૈંક બદલાવ જરૂર આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top