ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં મોટો ફેરફાર કરતાં GST 2.0 આજથી અમલમાં મૂકી દીધો છે. નવા દરો લાગુ થતા ઘણી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે તો બીજી તરફ કેટલીક સેવાઓ પર કરનો ભાર પણ વધશે. જીવન અને આરોગ્ય વીમા પર હવે GST લાગશે નહીં જ્યારે દવાઓને 5% સ્લેબમાં મુકવામાં આવી છે. ડેરી દૂધ મુક્ત રહેશે, પરંતુ વનસ્પતિ દૂધ પર 5% કર લાગશે. ચાલો જાણીએ આ નવા સુધારાના 10 મુખ્ય મુદા
- જીવન વીમા પોલિસીઓ GSTમાંથી મુક્ત
હવે વ્યક્તિગત જીવન વીમા પોલિસીઓ પર કોઈ GST લાગશે નહીં. આથી પ્રીમિયમ સસ્તું થશે અને લોકોના ખિસ્સામાં બચત થશે.
- આરોગ્ય વીમા પર પણ GST નથી
વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીઓ પર પણ GSTનો બોજ દૂર કરવામાં આવ્યો છે. આ પગલું સામાન્ય જનતાને સીધી રાહત આપશે.
- દવાઓ પર 5% GST
દવાઓને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી નથી પરંતુ હવે તે 5% સ્લેબમાં આવશે. નાણાં મંત્રાલયનું માનવું છે કે આના થી ઉત્પાદકો ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લઈ શકશે.
- ડેરી દૂધ GST મુક્ત, વનસ્પતિ દૂધ પર 5%
ડેરી સ્ત્રોતમાંથી મળતું દૂધ (જેમ કે UHT મિલ્ક) પર GST લાગશે નહીં. પરંતુ સોયા, બદામ જેવા પ્લાન્ટ-બેઝ્ડ દૂધ પર 5% GST લાગશે.
- કોસ્મેટિક્સ સસ્તા
ફેસ પાવડર અને શેમ્પૂ જેવા પ્રોડક્ટ પર GST દર ઘટાડવામાં આવતા હવે તે સસ્તા થશે.
- ભાડા પર GSTનો સમાન દર
ઓપરેટર વિના ભાડે લેવાતા માલ પર પણ વેચાણ જેટલો જ GST લાગશે. ઉદાહરણ તરીકે કારના વેચાણ પર 18% GST છે તો ડ્રાઇવર વિના કાર ભાડે લેશો તો પણ 18% જ લાગશે.
- આયાત પર પણ નવા દર
તા. 22 સપ્ટેમ્બરથી આયાત પર પણ નવા દરો લાગુ થશે. IGST લાગુ રહેશે જ્યાં સુધી ખાસ મુક્તિ જાહેર કરવામાં ન આવે.
- મુસાફરી સેવાઓ પર ફેરફાર
માર્ગ દ્વારા મુસાફરોના પરિવહન પર ITC વિના 5% GST લાગશે. હવાઈ મુસાફરીમાં ઈકોનોમી ક્લાસ પર 5% અને બિઝનેસ ક્લાસ પર 18% GST લાગશે.
- સ્થાનિક ડિલિવરી સેવાઓ પર અસર
હવે ઈ-કોમર્સ ઓપરેટર મારફતે પૂરી પાડવામાં આવતી અનરજિસ્ટર્ડ ડિલિવરી સેવાઓ પર GST ચૂકવવાની જવાબદારી ઓપરેટર પર રહેશે.
- રોજિંદા વસ્તુઓ સસ્તી
GST 2.0ના કારણે ઘણી જરૂરી ચીજો હવે સસ્તી થશે. જે સીધી રીતે સામાન્ય લોકોના ખર્ચમાં રાહત લાવશે.
કુલ મળીને, GST 2.0 સાથે ટેક્સ માળખું વધુ સરળ અને પારદર્શક બનશે. વીમા, દૂધ અને દવાઓ જેવી જરૂરી સેવાઓમાં રાહત મળશે. જ્યારે કેટલાક ક્ષેત્રોમાં સમાન કર લાગવાથી સરકારની આવક સ્થિર થશે.