Gujarat

સુરત અને અમદાવાદમાં GSTની 10 ટીમના દરોડા, આદિત્ય-જીગરદાન ગઢવીના ગરબામાં પડી રેડ

નવરાત્રિના તહેવારની ધૂમ વચ્ચે આઠમા નોરતે ગુજરાતના ગરબા આયોજકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત અને અમદાવાદમાં મોટા ગરબા આયોજકો પર GST વિભાગે અચાનક દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ગરબા ગાયક આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી ઉપરાંત ઉમેશ બારોટ, પૂર્વા મંત્રીને ત્યાં પણ જીએસટી વિભાગે દરોડા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 8થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.

ગુજરાતમાં જાણીતા ગરબા આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે મોટા પાયે દરોડા પાડ્યા છે. અમદાવાદ અને સુરતના ગરબા આયોજકો પર મંગળવારે GSTની 10 ટીમો દ્વારા રેડ પાડવામાં આવી છે. આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી, ઉમેશ બારોટ અને પૂર્વા મંત્રીના ગરબામાં રેડ પાડવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સુરતની સુવર્ણ નવરાત્રિમાં પણ રેડ કરવામાં આવી છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે GST વિભાગને આ મોટા આયોજકો દ્વારા પાસના વેચાણની આવક પર પૂરતો ટેક્સ ન ચૂકવવામાં આવ્યો હોવાની કે ટેક્સ ચોરીની શંકાના આધારે આ રેડ કરવામાં આવી છે.

અમદાવાદના મોટા ગરબા સ્થળો જેમ કે રંગ મોરલો, સુવર્ણ નગરી અને સ્વર્ણિમ નગરી પર પણ GSTની ટીમોએ રેડ કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે નિયત ભાવ કરતાં વધારે ભાવે પાસ વેચવામાં આવી રહ્યા હતા. પાસ બ્લેકમાં વેચાતા હોવાની પણ ચર્ચા છે. આ બાબતે અનેક ફરિયાદો મળ્યા પછી GST વિભાગે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top