Vadodara

GSFC બ્રિજ નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ, વૃદ્ધનું મોત

પુરઝડપે દોડી રહેલી કારના ચાલકને માર્ગદર્શક બોર્ડ નહિ દેખાતા સ્ટેયરિંગ પર કાબુ ગુમાવ્યો :

છાણી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી :

(પ્રતિનિધિ), વડોદરા.તા.24

વડોદરા નજીક GSFC બ્રિજ ઉતરતા પૂરઝડપે જઈ રહેલી કારના ચાલકને રસ્તા પરનું સાઈન બોર્ડ ન દેખાતા અચાનક કાર બેકાબૂ બની રોડ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં પાછળની સીટ પર સૂતેલા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા શહેર જિલ્લામાં અકસ્માતોના બનાવોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે, વધુ એક અકસ્માતની ઘટના બની હતી. GSFC સર્વિસ રોડ પરથી એક કાર પસાર થઈ રહી હતી. દરમિયાન કારના ચાલકને રસ્તા પરનું માર્ગદર્શક બોર્ડ દેખાયું નહોતું. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી રોડની બાજુમાં આવેલા ઝાડમાં ઘૂસી ગઈ હતી.

અકસ્માત સમયે કારની પાછળની સીટ પર સૂતેલા સાવરકુંડલા, અમરેલીના 72 વર્ષીય ધીરુભાઈ વલ્લભભાઈ નાકરાણીનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ચાલક કાંતિભાઈ શ્યામજીભાઈ રાઠોડ જેઓ રહે શિવાજીનગર, સાવરકુંડલા, અમરેલીને બન્ને પગનાં ઘુંટણમાં, ખભામાં અને જમણા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top