પગારથી વંચિત કોન્ટ્રાક્ટ વર્કરોને પરત નોકરી પર લેવા અને બાકી ચૂકવણી કરવા માંગ તેજ
પરપ્રાંતીયોને બદલે સ્થાનિકોને નોકરીમાં પ્રાથમિકતા આપવા ભાર

વડોદરા સ્થિત GSFC ગેટ આગળ કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પરિવારજનો, ખાસ કરીને મહિલાઓએ આજે ધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા આઠથી નવ મહીનાથી પગાર વગર અને નોકરીથી વંચિત રાખેલા કર્મચારીઓ માટે આંદોલન હાથ ધરવામાં આવ્યું છે.

સ્થળ પર મોટી સંખ્યામાં મહિલાઓએ GSFC ના ગેટ પાસે જઈ ધૂન બોલાવી હતી. વિરોધ નોંધાવતા પરિવારોનું કહેવું છે કે, લાંબા સમયથી પગાર ન મળતા ઘર ચલાવવા, બાળકોનો ભણતર અને દૈનિક ખર્ચા માં ભારે મુશ્કેલી ઉભી થઈ છે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી કે તેમના પરિવારજનોને તરત નોકરી પર પરત લઈ બાકી પગાર તરત જ આપવો જોઈએ.



મળતી માહિતી મુજબ 120 જેટલા કોન્ટ્રાક્ટ વર્કરો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે વિરોધ કરતા રહે છે. કોરોના કાળ દરમિયાન ભલે કામ બંધ રહેલું હોય છતાં GSFC તરફથી પગાર ચૂકવવામાં આવતો હતો, પરંતુ ત્યારબાદ આ કર્મચારીઓને પરત કામ પર રાખવામાં આવ્યા નથી. પરિણામે અનેક પરિવારો છેલ્લા કેટલા મહિનાઓથી આવક વગર જીવી રહ્યા છે. કર્મચારીઓ તરફથી કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. છૂટા કરાયેલા કેટલાક કોન્ટ્રાક્ટરના કર્મચારીની ફરિયાદ મુજબ સ્થાનિક કર્મચારીઓને પરત ન લેવા બદલે પરપ્રાંતીય લોકોને નોકરી ઉપર રાખવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે સ્થાનિકોને હકનો રોજગાર મળવો જોઈએ. આ બાબતે વિવિધ સંગઠનો તથા લોકોએ પણ વર્કરોને સહકાર આપવા આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સ્થળ પર કાફલો મોકલી તકેદારી રાખી હતી. વાતાવરણ તણાવમુક્ત રહ્યું પરંતુ આંદોલનકારીઓએ તાત્કાલિક માંગણીઓ પૂરી નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી.
GSFC ગેટ સામે વિરોધ દર્શાવતા મહિલાઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે હવે ધીરજ ખૂટી ગઈ છે, અને જો માંગણીઓનું તરત નિરાકરણ કરવામાં નહીં આવે તો તેઓ લોક આંદોલન વધુ કડક બનાવશે.
છૂટા કરેલ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
છેલ્લા 8 થી 9 મહીનાથી બાકી પગાર ચૂકવવો.
છૂટા કરાયેલા 120 કોન્ટ્રાક્ટ વર્કરોને નોકરી પર પરત લેવા.
પરપ્રાંતીયોને બદલે સ્થાનિકોને પ્રાથમિકતા આપવી.
પગાર વિના જીવી રહેલા પરિવારોને ન્યાય આપવો.