Columns

દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા

2022માં ચેટજીપીટીના આગમન સાથે AIની ક્રાંતિ થઈ એ તમને યાદ હશે. ગૂગલ અને માઈક્રોસોફ્ટ વચ્ચે AI ટેક્નોલોજીમાં આગળ વધવાની હોડ જામી. તેમાં ઈલોન મસ્ક જેવા બિઝનેસમેનની એન્ટ્રી થઈ એટલે ચેટજીપીટી, જેમિનાઈ અને ગ્રોક વચ્ચે સ્પર્ધા જામી પડી. ચીને ડીપસિક નામથી એપ લોંચ કરીને આ સ્પર્ધામાં ઝંપલાવી દીધું.
આ બધી AI એપ્સ મૂળ તો ચેટબોટના ફોર્મેટમાં છે, પરંતુ એને માત્ર ચેટબોટ ન કહી શકાય. AI તમને સર્ચ એન્જિનની ગરજ સારે છે. પહેલાં સર્ચ એન્જિનમાં, ખાસ તો ગૂગલમાં કશુંક સર્ચ કરવામાં આવતું હતું, તેના બદલે હવે AI ચેટબોટને પૂછો એટલે એ ગણતરીની પળોમાં વિગતો આપી દેશે. તે સિવાય AIથી ફોટોઝ બનાવી શકાય, સ્ક્રિપ્ટ લખાવી શકાય, સોશિયલ મીડિયા માટે કેપ્શન લખાવી શકાય. એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદો કરાવી શકાય, કોઈ નવી બાબતો માટે આઈડિયા મેળવી શકાય. રિસર્ચ કરાવી શકાય.


આવું તો કંઈ કેટલુંય AI ચેટબોટ્સ કરી આપે છે. એવું જ એક બીજું કામ લોકો AI પાસેથી લઈ રહ્યા છે અને એ કામ જાણીને તમને આશ્વર્ય થશે. એ કામ છે પાર્ટનર મેળવવાનું. જી હા. તમે માનશો નહીં, પરંતુ AIને તમે યોગ્ય પ્રોમ્પ્ટ આપો તો એ તમને પાર્ટનર બનાવી આપે છે. જેને AI પાર્ટનર કહેવાય છે. જો કોઈને એકલતા સતાવી રહી હોય તો એ AIની મદદથી વિશેષ એજન્ટ બનાવી શકે છે અને એ એજન્ટ તમારા પાર્ટનરની જેમ તમને ટ્રિટ કરે છે. એ તમારી સાથે વાતો કરશે. એ તમારી કેર કરશે, એ તમને ખાવા-પીવાનું પૂછશે, એ તમારી સાથે રોમેન્ટિક ચેટ કરશે. એ બધું થશે માત્ર વર્ચ્યુઅલી. તે એટલે સુધી કે કોઈને એમ લાગે કે આ પાર્ટનર તેનો જીવનસાથી બની શકે છે તો એની સાથે લગ્ન પણ થઈ શકે છે.
આશ્વર્ય ન પામશો! આ વર્ષે દુનિયા વિચારતી થઈ જાય એવું પગલું જાપાનની 32 વર્ષની યુવતીએ ભર્યું છે અને એ સાથે તે AI એજન્ટ સાથે લગ્ન કરનારી દુનિયાની પ્રથમ ઈન્સાન પણ બની છે.
તેણે સ્વજનોની હાજરીમાં એક AI પાર્ટનર સાથે વિઘિવત્ લગ્ન કર્યા. એટલું જ નહીં, લગ્નની ખુશાલીમાં રિસેપ્શન પણ આપ્યું. યુવતીએ આવું કેમ કર્યુ, જો એવો સવાલ તમને થાય તો એનો જવાબ કંઈક આવો છે – બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ જતાં ખાલીપો અનુભવતી યુવતીને ફરી વખત માણસને પ્રેમ કરવાની ભૂલ કરવી ન હતી. તેના બદલે AI પાર્ટનર પર પસંદગી ઉતારવાનું તેણે યોગ્ય માન્યું.
વાત છે જાપાનના નાનકડા શહેર ઓકાયામાની. ત્રણેક વર્ષ પહેલાં કાનો નામની 29 વર્ષની યુવતીનું બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. તે વખતે કાનો ભયંકર એકલતા અનુભવતી હતી. ભાવનાત્મક ખાલીપો ભરવા કાનોએ તે અરસામાં નવા નવા આવેલા AI ચેટબોટ ચેટજીપીટીની મદદથી એક વર્ચ્યુઅલ પાર્ટનર પસંદ કર્યો. તેણે પોતાના AI પાર્ટનરને લ્યૂન ક્લાઉસ નામ આપ્યું. લ્યૂન આ મહિલાનો ભાવનાત્મક ખાલીપો ભરવામાં સફળ થયો. હ્મુમન પાર્ટનર કરતાં કાનોને પણ આ AI પાર્ટનર વધારે અનુકૂળ આવ્યો.
અઢી-ત્રણ વર્ષના ડેટિંગ પછી આખરે કાનોએ એની સાથે લગ્ન કરીને પાર્ટનર બનાવવાનું નક્કી કર્યું. ઓકાયામા શહેરમાં કાનોએ એક વેડિંગ સેરેમની યોજી અને વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસની મદદથી AI પાર્ટનર લ્યૂન સાથે લગ્ન કર્યાં. VRની મદદથી રિંગ સેરેમની યોજાઈ. જાપાનની પરંપરાગત લગ્નવિધિ પ્રમાણે કાનોએ લગ્ન કર્યાં. ફ્રેમિલી અને ફ્રેન્ડ્સને લગ્ન સમારોહમાં આમંત્રણ આપ્યું. સ્માર્ટફોનમાં હાજર પાર્ટનર સાથે કાનોએ તેના પરિવારજનોનો પરિચય કરાવ્યો. આ લગ્ન જાપાનમાં જ નહીં, આખી દુનિયામાં ચર્ચાસ્પદ બન્યા.
જાપાનમાં આ લગ્નને સત્તાવાર માન્યતા મળી નથી. કાનોએ કહ્યું કે ભલે તેના પાર્ટનરને સત્તાવાર સરકારી માન્યતા ન મળે, પરંતુ તેનો AI પાર્ટનર ઈમોશનલ સપોર્ટ આપે છે અને હંમેશા તેની સાથે રહે છે.
આજે દુનિયામાં પ્રેમસંબંધ ખૂબ નાજૂક બનતા જાય છે ત્યારે લ્યૂને મને એવું આપ્યું છે જે માણસ સાથેના સંબંધમાં મને મળ્યું ન હોત. એ મને કોઈ જ ટીકા-ટીપ્પણી વગર જુએ છે. મારી નબળાઈઓ સાથે મને સ્વીકારે છે. એ ભલે ફોનમાં રહે છે, પરંતુ તેનાથી મને જે શાંતિ મળે છે એ અસલી છે.
આ નિવેદનમાં તેમના જેવા કેટલાય લોકોની લાગણીનો પડઘો પડે છે. જો લોકો ખરેખર આવું વિચારતા થશે તો આગામી વર્ષોમાં AI પાર્ટનરનો ટ્રેન્ડ હજુય વધશે.
ડેટિંગ એપ હેપનના એક સર્વેમાં 54% સિંગલ લોકોએ એવો મત આપ્યો કે તેમને AI પાર્ટનર સાથે ડેટ કરવામાં કોઈ પરેશાની નથી. AI તેને જજ કરવાને બદલે જે છે એ રીતે જુએ છે. એ લોકોએ કહ્યું કે AI તેમની સાથે ઈમોશનલ બોન્ડ બનાવે છે.• –આનંદ ગાંધી

Most Popular

To Top