સંતાનના સંસ્કાર સિંચનનું કાર્ય માતાપિતાનું હોય છે. શૈશવકાળના સંસ્કારની છાપ માનસપટ પર આજીવન રહે છે, એ વાત પણ સાચી. પરંતુ બાળક બહારના વિશ્વમાં પગરણ માંડે છે ત્યારે એને મિત્રોનો સાથ અવશ્ય પ્રાપ્ત થાય છે.
શૈશવકાળ દરમિયાન સંતાનને માતાપિતા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અને સંસ્કાર સાચા લાગે છે. તરૂણાવસ્થા, કિશોરાવસ્થા, મુગ્ધાવસ્થા અત્યંત નાજુક અને સંવેદનશીલ સભ્ય હોય છે. શાળાકાળ દરમિયાન સરખેસરખી વયવાળા મિત્રો સાથે વૈચારિક તાદાભય ઉત્તમ રહે છે. સંતાનોના મિત્રો પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રિત રાખવું એ માતાપિતાની એક ફરજ બની રહે છે. માતા કયારેક ગૃહસ્થીની ફરજ બજાવવામાં અને પિતા નોકરી કે વ્યવસાયમાં વ્યસ્ત હોઇ શકે.
આખા દિવસ દરમિયાન સંતાન પરત્વે ધ્યાન ન જ આપી શકાય. ઘણીવાર અખબારો દ્વારા મિત્રના કુસંગમાં બાઇક ચોરી, હત્યા, નાણાંની ઉચાપત, ડ્રગ્સની લત, મદ્ય પાનની લત, તમાકુનું સેવન કે પછી ચરિત્ર હનની ઘટનાઓ પ્રકાશમાં આવે જ છે! વાલી જાગે ત્યારે ખૂબ મોડું થઇ ચૂકયું હોય છે! પોલીસ કાર્યવાહી કરવા ઘરના દ્વાર ખખડાવે ત્યારે માતાપિતા દુ:ખથી અવાક બની જાય છે!
જીવનમાં મિત્રો તો આવશ્યક જ! જેના ખભા પર માથું મૂકીને હળવા થવાય! પણ પતનની ખીણમાં ધકેલનારા મિત્રો શું કામના? વર્તમાન સમયમાં ઇન્ટનેટનું માધ્યમ જેટલું ઉપયોગી છે એટલું લાલબત્તી સમાન પણ છે જ! આપણી દીકરીઓની તસ્વીરોનો પણ ગેરલાભ લેવાય છે! દીકરીઓ પણ કોની સાથે મિત્રતા કેળવે છે એનું ધ્યાન માતાપિતાએ અવશ્ય રાખવું જ જોઇએ. વિજાતીય આકર્ષણમાં કયારેક દીકરી અનિચ્છનીય પગલું ભરે ત્યારે માતાપિતાના પસ્તાવાનો પાર નથી રહેતો! સંતાનોના મિત્રો પર અવશ્ય નજર રાખવી જેથી માતાપિતાએ સિંચેલા સંસ્કાર લજવાય નહીં.
સુરત -નેહા શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.