૨૦૧૨માં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત થયેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને પંડિત નેહરુના એક કાર્ટૂન બદલ સંસદમાં દેશની માફી માગી હતી અને તે કાર્ટૂનને પુસ્તકમાંથી દૂર કરાવ્યું હતું. કાર્ટૂન ૧૯૪૯નું હતું અને તેને શંકર નામથી જાણીતા કાર્ટૂનિસ્ટ કેશવ શંકરન પિલ્લાઇએ દોર્યું હતું.
કાર્ટૂનમાં, તે વખતની બંધારણીય સભામાં બંધારણની રચનાને લઈને જે લાંબી ચર્ચા-વિચારણાઓ અને વિરોધો-વિવાદો થઇ રહ્યાં હતાં અને પરિણામે બંધારણ સતત પાછું ઠેલાઈ રહ્યું હતું તેના પર વ્યંગ હતો. શંકરે તેમાં ‘બંધારણ’ નામની ગોકળગાયનું ચિત્ર દોર્યું હતું. તેની પર એક હાથમાં ચાબૂક અને બીજા હાથમાં ગાયના ગળાની દોરી પકડીને આંબેડકર બેઠા હતા અને બાજુમાં લોકોનાં ટોળાં સાથે પંડિતજી ઊભા હતા. તેમના હાથમાં પણ ચાબૂક હતી. પંડિતજી બાજુમાં ઊભા રહીને ગોકળ ગાયને દોડવા માટે ચાબૂક મારતા હતા અને આંબેડકર તેની પીઠ પર બેસીને ચાબૂક મારતા હતા.
કાર્ટૂનમાં બે વ્યંગ હતા; એક તો, બંધારણ ગોકળગાયની જેમ ટસનું મસ થતું નથી અને સ્વતંત્ર ભારતની વિકાસયાત્રા બિનજરૂરી લંબાઈ રહી છે. બીજું, આંબેડકર ઉપર બેઠા છે એટલે ગાય કેવી રીતે તેજ દોડે. આ કાર્ટૂન શંકરના સામાયિક ‘શંકર્સ વીકલી’માં છપાયું હતું. વ્યંગ નિર્દોષ હતો અને તેમાં તે વખતની રાજકીય સ્થિતિનું અદ્દલ ચિત્રણ હતું, જેનાથી સ્કૂલનાં છોકરાં અભ્યસ્ત થાય તો કંઈ ખોટું ન હતું પણ છેક ૨૦૧૨માં સંસદસભ્યોને તેમાં ડૉ. આંબેડકરનું અપમાન નજર આવ્યું અને દેશભરમાં અને સંસદમાં એટલો હંગામો કર્યો કે NCERTની પાઠ્યપુસ્તક કમિટીના બે સલાહકાર ડૉ. યોગેન્દ્ર યાદવ અને ડૉ. પલશીકર કાયસ્થને રાજીનામું આપવું પડ્યું, તેમ જ માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે સંસદની માફી માગવી પડી.
ભારતમાં અને દુનિયાભરમાં કાર્ટૂન પત્રકારત્વનું એક અગત્યનું અંગ રહ્યું છે. જે કામ એક આખું સમાચારપત્ર ન કરી શકે, ઘણી વાર એ કામ એક ટચૂકડું કાર્ટૂન કરી શકે છે પણ દેશના રાજકારણમાં કાર્ટૂનના વ્યંગ સામે અસહિષ્ણુતા વધતી જાય છે અને તેનો તાજો દાખલો લોકપ્રિય કાર્ટૂનિસ્ટ મંજુલનો છે. દેશનાં વિવિધ પ્રકાશનોમાં રાજકીય કાર્ટૂન દોરતા મંજુલનાં, કોરોનાની મહામારીને લઈને સરકારના મેનેજમેન્ટ અંગેનાં અમુક કાર્ટૂનો ઘણાં લોકપ્રિય અને વાઈરલ થયાં છે. મંજુલ ટ્વીટર પર તેમનાં કાર્ટૂન મૂકે છે.
તાજેતરમાં, કેન્દ્ર સરકારના માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે ટ્વીટરને નોટિસ પાઠવી હતી કે મંજુલના એકાઉન્ટ પરની સામગ્રી ભારતના કાનૂનનો ભંગ કરે છે. ટ્વીટરે ‘ચેતવણી’ના સૂરમાં આ નોટિસની જાણ મંજુલને કરી છે. એનો અર્થ એ થાય કે મંજુલ જો કાનૂનનો ભંગ કરશે તો પગલાં ભરવામાં આવશે. આ નોટિસના પાંચ દિવસ પછી, એક કોર્પોરેટ મીડિયામાંથી મંજુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિડમ્બના એ છે કે આ જ મંત્રાલયના મંત્રી રવિશંકર પ્રસાદે ૨૦૧૬માં એક અંગ્રેજી સમાચારપત્રના કાર્યક્રમમાં કહ્યું હતું કે, “જે લોકો સાર્વજનિક જીવનમાં છે, તેમને હાસ્ય-વ્યંગ અને કાર્ટૂનને જીરવતાં આવડવું જોઈએ.’’૨૦૧૮માં, પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણ પરના પુસ્તક ‘ટાઈમલેસ લક્ષ્મણ’ના વિમોચનમાં પ્રધાન મંત્રી મોદીએ ખુદ કહ્યું હતું કે, “કાર્ટૂનિસ્ટો ભગવાનની નજીક હોય છે. તેઓ મનુષ્યોની વિવિધ લાક્ષણિકતાઓનું ગહન નિરીક્ષણ કરે છે. કાર્ટૂન દુઃખી નથી કરતું, દવા કરે છે.”
મંજુલના કિસ્સામાં સરકારને દુઃખ થયું છે કારણ કે તેને એમના કાર્ટૂનમાં વ્યંગ ઓછો અને વ્યંગબાણ વધુ લાગ્યાં છે. કાર્ટૂનની આ મુસીબત છે. એ હસાવે તો છે, પરંતુ સાથે તે લાચાર અને ગુસ્સે પણ કરે છે. કાર્ટૂન કટાક્ષનું જ સ્વરૂપ છે. કટાક્ષ માટે અંગ્રેજીમાં ‘સાર્કઝમ’ શબ્દ છે. સાર્કઝમ ગ્રીક શબ્દ ‘સાર્કઝીન’ પરથી આવે છે, જેનો મતલબ થાય છે ‘માંસ ચીરવું.” એટલા માટે જ કટાક્ષ અથવા વ્યંગની આગળ ‘કાતિલ’ શબ્દ લાગે છે. શાબ્દિક વ્યંગમાં ખાલી શબ્દો હોય છે, પરંતુ કાર્ટૂનમાં શબ્દો અને ચિત્ર બંને ભેગા થઇને તેને કાતિલ બનાવી દે છે.
કટાક્ષ અને રમૂજમાં ફર્ક છે. રમૂજ સહિયારું હાસ્ય છે. કટાક્ષ સામેવાળી વ્યક્તિના ભોગે હોય છે. રમૂજનો હેતુ રિલેક્સ થવાનો અને લગાવ પેદા કરવાનો હોય છે. કટાક્ષનો ઉદેશ્ય બીજી વ્યક્તિને શરમજનક અને સ્ટુપીડ સાબિત કરવાનો હોય છે. રમૂજ વિચારલક્ષી હોય. કટાક્ષ વ્યક્તિલક્ષી હોય. રમૂજ કટાક્ષ કર્યા વગર પણ થઈ શકે. કટાક્ષ રમૂજ વગર અસરકારક ન હોય. સિગમંડ ફ્રોઇડે કહ્યું હતું કે જોક્સમાં માણસની દબાયેલી હિંસા વ્યક્ત થાય છે. એટલા માટે પોલિટિકલ કાર્ટૂનને સહન કરવાનું સૌના ગજામાં નથી હોતું.
એક વાર દિલ્હીમાં સુધીર નાથ નામના કાર્ટૂનિસ્ટનાં કાર્ટૂનોના પ્રદર્શનમાં, તત્કાલીન મુખ્ય મંત્રી શીલા દીક્ષિતને સુધીરે તેમની પરનું એક કાર્ટૂન ભેટ ધર્યું હતું, જેમાં તેમને ઊડતી ચકલી તરીકે ચિતરવામાં આવ્યાં હતાં. તેઓ બહાર નીકળતાં હતાં, તો એક પત્રકારે તેમને પૂછ્યું કે કાર્ટૂનમાં તમારી હાંસી ઉડાવવામાં આવે તો તમને કેવું લાગે? શીલાજીએ જવાબ આપ્યો હતો, “મને જોઇને હસવું આવે. લોકો તમને કેવી રીતે જુવે છે એ પણ ખબર પડે. મને મજા પડે છે.” તમારું મન ક્યારેય દુભાય? બીજો પ્રશ્ન પૂછાયો. “કાર્ટૂનિંગ એક કળા છે. કળાથી મન કેવી રીતે દુભાય?” મુખ્ય મંત્રી હસતાં-હસતાં જવાબ આપીને નીકળી ગયાં.
૧૯૩૯માં, જિન્હા પરના એક કાર્ટૂનને લઈને મહાત્મા ગાંધીએ શંકર પિલ્લાઇને એક કાગળ લખ્યો હતો, “તમારાં કાર્ટૂન સરસ હોય છે પણ અપમાન કર્યા વગર જો રમૂજ નહીં કરો તો આગળ નહીં વધી શકો. વિષયનો બરાબર અભ્યાસ કરજો, અને બીભત્સ ન બનતા.”શંકર પંડિત નહેરુના સારા મિત્ર હતા, અને કાર્ટૂન માટે નહેરુ તેમનો ગમતો વિષય હતા. શંકરે પંડિતજી પર લગભગ ૪,૦૦૦ કાર્ટૂન દોર્યાં હતાં. નહેરુ ઇન્દિરા પરના પત્રોમાં એ કાર્ટૂનને મોકલતા હતા. બંને એકબીજાનો એટલો આદર કરતા હતા કે ‘શંકર્સ વીકલી’ના ઉદઘાટન પ્રસંગે પ્રવચનમાં નહેરુએ શંકરને પાનો ચઢાવેલો, “ડોન્ટ સ્પેર મી, શંકર!” (શંકર, મને પણ કાર્ટૂનમાં ન છોડતાં). પાછળથી એ કાર્ટૂનોનું એક પુસ્તક પ્રગટ થયું ત્યારે તેનું શીર્ષક ‘ડોન્ટ સ્પેર મી, શંકર!’ રાખવામાં આવ્યું હતું.
પણ, સ્થિતિ બદલાઈ રહી છે. ભારતમાં રાજકારણીઓ કાર્ટૂન પ્રત્યે અસહિષ્ણુ થઇ રહ્યા છે. મમતા બેનર્જીએ એક વાર ઈમેલમાં ગ્રાફિક મોકલવા બદલ એક કાર્ટૂનિસ્ટની ધરપકડ કરાવી હતી. નિલભ બેનર્જી નામના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટે ૨૦૧૨માં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “ભારતમાં કાર્ટૂનિંગનું તાલિબાનીકરણ થઇ રહ્યું છે. ભવિષ્યમાં તમામ કાર્ટૂનિસ્ટને જેલમાં બંધ કરી દેવાશે.”