નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુરમાં આર્મીના હેલિકોપ્ટર ક્રેશમાં (Tamilnaduhelicoptercrash) ઘાયલ થયેલા અને તે સમયે બચી ગયેલા એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું (Group captain varun sinh) પણ આજે મોત થયું છે. વરૂણ સિંહ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તમને જણાવી દઈએ કે ગઈ તા. 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં CDS બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બિપીન રાવત તેમના પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં એકમાત્ર વરૂણ સિંહ બચી ગયા હતા. તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. બુધવારે તેઓએ પણ દમ તોડી દીધો છે. ઈન્ડિયન એરફોર્સે (Indian Airforce) ટ્વીટ કરી આ માહિતી આપી છે.
ઈન્ડીયન એરફોર્સે ટ્વીટ કરી માહિતી આપી
ઈન્ડીયન એરફોર્સે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે, ભારતીય એરફોર્સને આ માહિતી આપતા ખૂબ જ દુ:ખ થઈ રહ્યું છે કે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું સારવાર દરમિયાન આજે મોત થુયં છે. તેઓ 8 ડિસેમ્બર 2021ના રોજ હેલિકોપ્ટર ક્રેશના અકસ્માતમાં એકમાત્ર જીવિત બચ્યા હતા. એરફોર્સના અધિકારીના નિધન પર અમે દુ:ખ અને સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમના પરિવાર સાથે મજબૂતી સાથે ઉભા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) એ ટ્વીટ કરી ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને લખ્યું કે, દેશ ગર્વ સાથે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સેવાને હંમેશા યાદ રાખશે.
યુપીના દેવરિયાના વતની હતા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ, પિતા પણ આર્મીમાં હતા
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ યુપીના દેવરિયા ખોરમા કનહોલી ગામના રહેવાસી હતા. બેંગ્લોરની આર્મી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. વરૂણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનના બેચમેટ હતા. અભિનંદન વર્ધમાને 27 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતની સરહદમાં પ્રવેશેલા પાકિસ્તાની વિમાનોને ભગાડ્યા હતા. કેપ્ટન વરૂણ સિંહનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા પણ લશ્કરમાં સેવા આપી ચૂક્યા છે. વરૂણ સિંહની ઉંમર 42 વર્ષ હતી. તેમના પિતા કૃષ્ણ પ્રતાપ સિંહ સેનામાં કર્નલના પદ પર રિટાયર થયા હતા. વરૂણના નાના ભાઈ તનુજ સિંહ મુંબઈ નેવીમાં છે. તેમની પત્ની ગીતાંજલિ અને એક દીકરો રિદ રમન અને દીકરી આરાધ્યા છે.
8 ડિસેમ્બરે હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપીન રાવત સહિત 13ના મોત થયા હતા
નોધનીય છે કે ગઈ તા. 8 ડિસેમ્બરના રોજ જનરલ બિપિન રાવત તેમના પૂર્વનિર્ધારિત સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. સુલુરથી સવારે 11:48 વાગ્યે ઉપડયા બાદ તે 12:15 વાગ્યે વેલિંગ્ટનમાં ઉતરવાનું હતું, પરંતુ 12:08 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળીને તરત જ સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જનરલ બિપિન રાવત ડિફેન્સ કોલેજ, વેલિંગ્ટનના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે તેમના નિર્ધારિત કાર્યક્રમમાં હતા.