Dakshin Gujarat

લગ્નના દિવસે વરરાજા જેલમાં: લગ્નના એક દિવસ પહેલા દુલ્હને નોંધાવી હતી બળત્કારની ફરિયાદ

ધરમપુર : ધરમપુર (dharampur)ના ઓઝરપાડાની યુવતીએ બળાત્કાર કર્યાની ફરિયાદ (fir of rape) નોંધાવતા લગ્નના દિવસે વરરાજાએ જેલ (groom in jail)માં જવું પડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. વરરાજા જાન લઇને આવે તેની આગલી રાત્રે યુવતીના ફોનથી વરરાજાને ધમકી મળતાં મામલો બિચક્યો હતો. વર પક્ષના લોકો સાચી હકીકત જાણવા સવારે યુવતીના ઘરે ગયા ત્યારે અપમાનિત થઇ પાછા ફરવું પડ્યું હતું. યુવતીએ યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધાવતા વરરાજાએ જેલભેગા થવું પડ્યું હતું.

વલસાડ તાલુકાના અટગામ ગામના પાટલાવાળી ફળિયાના યુવક સતીષ પટેલનો ધરમપુરના ઓઝારપાડા ગામની ધોધ ફળિયાની 19 વર્ષીય પ્રેમીલા (નામ બદલેલ છે) નામની યુવતી સાથે પ્રેમ સંબંધ થતાં એકબીજાની પસંદગી બાદ વડીલોએ ઉત્સાહ સાથે લગ્ન નક્કી કર્યા હતા. જે બાદ ચાંદલો થયો હતો. ચાંદલો થતા જ બન્ને એકબીજાની નજીક આવ્યા હતા અને બંને પ્રેમના મીઠા ગીત ગાતા થયા હતા. 25 /5/2021 ના રોજ લગ્ન થવાના હતાં. લગ્નને એક જ દિવસ બાકી હતો કે વિવાદ ઉભો થયો હતો. વરપક્ષના લોકોએ જણાવેલી વિગત પ્રમાણે લગ્નની આગલી રાત્રે ભાવિ વર-વધુ ફોન પર મીઠીમીઠી વાતો કરી રહ્યા હતા. તે સમયે કોઈક વ્યક્તિએ પ્રેમીલાનો ફોન ખેંચી લઈ સતીષને ‘તમે જાન લઈને આવશો તો તમારા હાથ પગ ભાંગી નાંખીશું’ એવી ધમકી આપી હતી.

ધમકી મળતા સતીષ ગભરાયો હતો અને ફોનની વાત માતાપિતાને કરી હતી. સવારે જાન લઈને જવાના હતા. પરંતુ ફોન પર ધમકી મળતા વરપક્ષના આગેવાનોએ સવારે યુવતીના ઘરે જઇ સાચી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સત્યતાની વાત સમજવાની વાત દૂર રહી સતીષ સામે પ્રેમીલાએ દહેજ માંગવાની સાથે સાથે બળાત્કાર કર્યાની ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરી દીધી હતી. પ્રેમીલાની ફરિયાદ બાદ પોલીસે સતર્ક બની મામલાની તપાસ કરવા બંને પક્ષોની પુછપરછ શરૂ કરી હતી. મંગેતર સતીષે અનેકવાર સંભોગ કર્યા બાદ લગ્નના દિવસે જાન લઈને આવ્યો ન હતો.

લગ્ન કરવાથી ઇન્કાર કરી દેતા પ્રેમીલાએ ફરિયાદ નોંધાવી હતી. તેવું તેની ફરિયાદમાં નોંધ્યું છે. પરંતુ સતીષને જાન નહીં લાવવા માટે જેણે ધમકી આપી એ બાબતે પ્રેમીલા સારી રીતે જાણે છે. એમ વરપક્ષના લોકો જણાવી રહ્યા છે. ત્યારે પોલીસે આ બાબતે પણ તપાસ કરવાની જરૂર હતી. પોલીસે સતીષની વિરુદ્ધ 376ની કલમ લગાડી તેને જેલભેગો કરી દીધો હતો. તેમજ પોલીસે યુવાન અને યુવતીના મેડિકલ રિપોર્ટની કાર્યવાહી હાથ ધરી હતી.

બળાત્કારના આરોપો ખોટા હોવાનું જણાવતો યુવાનનો પરિવાર

આ બનાવમાં પોલીસે ઉતાવળ કરી હોવાનો સતીષના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસે સતીષ પર લગાવેલા બળાત્કારનો આરોપની વાત ખોટી છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે કોઈકના દબાણમાં આવી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધવામાં ઉતાવળ કરી છે. ચાંદલો થઈ ગયા બાદ પ્રેમીલા સતીષની સાથે એની મરજીથી હરતી ફરતી હતી અને અટગામ સતીષના ઘરે પણ આવીને રહેતી હતી. ત્યારે બળાત્કારનો પ્રશ્ન ઉઠતો જ નથી. લગ્નનો ઇન્કાર પણ કર્યો નથી. આ વાતની પણ તપાસ થવી જોઇએ.

Most Popular

To Top