SURAT

વીડિયો ઉતારનારે કેમ ગ્રીષ્માને બચાવી નહીં? શું હતી ત્યારે સ્થિતિ? જાણો..

સુરત: ગ્રીષ્માનું ગળું કાપી હત્યાનો વીડિયો વાયરલ થયો ત્યારથી લોકો એવો રોષ વ્યક્ત કરી રહ્યાં છે કે ગ્રીષ્માને બચાવવાના બદલે બેશરમ લોકોએ વીડિયો ઉતાર્યો, પરંતુ તેની પાછળની હકીકત અલગ છે. ખરેખર તો વીડિયો ઉતારનાર યુવાન ગ્રીષ્માને બચાવવા જ દોડ્યો હતો, પરંતુ ઝનૂની ફેનિલની ચુંગાલમાંથી તેને બચાવી શકાય તેમ નહીં લાગતા પુરાવો ઉભો કરવાના હેતુથી વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો યુવાને પોલીસને સોંપ્યો છે અને પોલીસને તપાસમાં પૂરતો સહકાર આપી રહ્યો છે.

તે દિવસે શું બન્યું હતું, ફેનિલે શું કર્યું અને લોકોએ ગ્રીષ્માને બચાવવા શું પ્રયાસ કર્યા?
12મી ફેબ્રુઆરીની બપોરે ફેનિલ તેના પિતાની બાઈક લઈ ગ્રીષ્માને મારવાના ઈરાદે ઘરની બહાર નીકળ્યો હતો. કોલેજમાં ગયો પરંતુ ત્યાં ગ્રીષ્મા તેને જોઈ જતાં આન્ટીને બોલાવી તેમની સાથે ઘરે જતી રહી હતી, જેથી ત્યાં બચી ગઈ. ગ્રીષ્માની રાહ જોવા માટે ફેનિલ બે કલાક કાફેમાં બેસી રહ્યો હતો. ત્યાર બાદ તે ગ્રીષ્માની સોસાયટીમાં ગયો હતો. ગ્રીષ્મા તેને જોઈ જતા તે ઘરે જઈને માતાને વાત કરી હતી. ભાઈ ધ્રુવ તરત જ મોટા પપ્પાને લઈ ફેનિલને સમજાવવા ગયો, ત્યારે ફેનિલે આડેધડ ચપ્પુ વિંઝ્યા હતા. ચપ્પુ ગ્રીષ્માના મોટા પપ્પાના પેટમાં મારી દીધું હતું. મોટા પપ્પાના આંતરડા બહાર આવી ગયા હતા. આ જોઈ લોકટોળું ભેગું થયું હતું. ગ્રીષ્મા અને તેની મા ધ્રુવ પાસે દોડ્યા ત્યારે ફેનિલે ગ્રીષ્માને પકડી લીધી હતી. આ સમયે એક યુવક ત્યાં પહોંચી ગયો હતો અને તે ગ્રીષ્માને ફેનિલની ચુંગાલમાંથી છોડાવવા દોડ્યો હતો, પરંતુ ફેનિલે ગ્રીષ્માના ગળાં પર ચપ્પું મુકી દીધું હતું. તેને બચાવી શકાય તેવી કોઈ શક્યતા નહોતી. યુવક સિવાય ત્યારે ત્યાં મોટા ભાગની મહિલાઓ હતી અને ફેનિલથી ઘણી દૂર હતી. ગ્રીષ્માને બચાવી શકાય તેમ નહીં જણાતા યુવકે મોબાઈલ કાઢી વીડિયો ઉતાર્યો હતો, જેથી ફેનિલ સામે મજબૂત પુરાવો મળી રહે. આ વીડિયો યુવકે પોલીસને સોંપ્યો છે અને નામ બહાર નહીં આવે તે શરતે પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યો છે.

હવે શું?
ડીવાયએસપી બી.કે. વનારે કહ્યું કે, 95 ટકા તપાસ પૂરી થઈ છે. કાફે, કોલેજ, ગ્રીષ્માના ઘર આસપાસના સીસીટીવી ફૂટેજ લેવાયા છે. ફેનિલના મિત્રોના નિવેદનો લેવાયા છે. કોલેજ પર જે યુવતીને ગ્રીષ્માને બોલાવવા કહ્યું હતું તેનું પણ નિવેદન લેવાયું છે. હવે ડિજીટલ અને ફોરેન્સીક પુરાવા ભેગા કરી કેસ મજબૂત કરવા પ્રયાસ થઈ રહ્યાં છે. વીડિયો પુરાવો છે એટલે એમ રાતોરાત સજા આપી નહીં દેવાય. પોલીસનું કામ છે કાગળ પર કેસ મજબૂત કરવાનો. તે હાલ પોલીસ કરી રહી છે. આરોપીને આકરી સજા મળે તેવા પ્રયાસ પોલીસના છે.

Most Popular

To Top