National

ઉત્તરાખંડમાં હવે બહારના વાહનો પર લાગશે ‘ગ્રીન સેસ’, ફાસ્ટેગ મારફતે કપાશે ચાર્જ

જો તમે ડિસેમ્બરમાં ઋષિકેશ કે હરિદ્વાર ફરવા જવાના વિચારો છો?. તો તમારા માટે એક નવી માહિતી મહત્વપૂર્ણ છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ‘ગ્રીન સેસ’ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ડિસેમ્બર 2025થી અમલમાં આવશે.

ઉત્તરાખંડ પરિવહન વિભાગે જણાવ્યું છે કે 2025ના ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં પ્રવેશતા તમામ બાહ્ય વાહનો પાસેથી ગ્રીન સેસ વસૂલવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને માર્ગ સુરક્ષા માટે નાણાં એકત્ર કરવાનો છે. આ ચાર્જ ફાસ્ટેગ મારફતે ઓટોમેટિક રીતે કપાશે એટલે કોઈ અલગ ચુકવણી કરવાની જરૂર નહીં રહે.

પરિવહન વિભાગના ઉચ્ચ આયુક્ત એસ.કે. સિંહે જણાવ્યું કે ગ્રીન સેસની વસૂલાતની દેખરેખ માટે 16 બોર્ડર પોઈન્ટ્સ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા કોઈપણ વાહન રાજ્યની સરહદ પાર કરે ત્યારે તેની નંબર પ્લેટ સ્કેન થશે અને સેસ આપમેળે કપાઈ જશે.

રાજ્યને મળશે 150 કરોડની આવક
આ નવા નિયમથી દર વર્ષે રાજ્યના ખજાનામાં આશરે રૂ 100થી રૂ 150 કરોડ સુધીની આવક થવાની આશા છે. વસૂલાત પ્રક્રિયા પારદર્શક રહે તે માટે સરકારે ખાનગી કંપની સાથે કરાર કર્યો છે. ગઢવાલ અને કુમાઉ મંડળની સરહદો પર કુલ્હાલ, આશારોડી, નારસન, કાશીપુર, રૂદ્રપુર, ખટીમા અને જસપુર જેવા વિસ્તારોમાં કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ વાહનોને મળશે છૂટ
સરકારે જણાવ્યું છે કે ટુવ્હિલર, ઈલેક્ટ્રિક અને CNG વાહન, સરકારી વાહન, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ગાડીઓને આ સેસમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ વાહન 24 કલાકની અંદર ફરી ઉત્તરાખંડમાંથી બહાર નીકળી જાય તો તેને ફરી સેસ ચૂકવવો પડશે નહીં.

કાર પર રૂ. 80, ટ્રક પર રૂ. 700 સુધી સેસ
વાહનના પ્રકાર પ્રમાણે અલગ-અલગ દર નક્કી કરાયા છે. કાર માટે રૂ. 80, ડિલિવરી વાન માટે રૂ. 250, ભારે વાહનો માટે રૂ. 120, બસ માટે રૂ. 140 અને ટ્રક જેવી મોટી ગાડીઓ માટે રૂ. 700 સુધીનો સેસ વસૂલાશે.

આ આવકનો ઉપયોગ એર પોલ્યુશન કંટ્રોલ, માર્ગ સુરક્ષા સુધારણા અને શહેરી પરિવહન વિકાસ માટે કરવામાં આવશે.
ગયા વર્ષે સરકારે આ યોજના લાવવાની જાહેરાત કરી હતી પરંતુ દર નક્કી ન થતાં અમલ ટાળવામાં આવ્યો હતો. હવે આ વ્યવસ્થા આખરે ડિસેમ્બરથી અમલમાં આવશે.

Most Popular

To Top