કામરેજ: કામરેજ (Kamrej) ગામ પાસે નીલકંઠ રેસિન્ડસીમાં રહેતા યુવાનને યુએસએમાં (USA) બિઝનેસના ગ્રીનકાર્ડ (Green card) વિઝા (visa) આપવાના બહાને દંપતીએ 20 લાખ ખંખેરી લીધા બાદ ફોન બંધ કરી દેતાં કામરેજ પોલીસમથકમાં છેતરપિંડીની (fraud) ફરિયાદ નોંધાવી હતી.
કામરેજ તાલુકાના કામરેજ ગામની હદમાં આવેલી નીલકંઠ રેસિડન્સીમાં ગીતા નરસિંહ રાશમીયા બે સંતાન સાથે રહે છે. વર્ષ-2012માં અમદાવાદ ખાતે પર્સનલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતાં ત્યારે પારૂલ રાજેન્દ્ર રાઠોડ (રહે.,41,42, કમલ સોસાયટી, સ્વામીનારાયણ બંગલો પાસે, મેમનગર, અમદાવાદ) સાથે પરિચય થયો હતો. પારૂલબેને જણાવ્યું કે, મારા પતિ બિઝનેસ વિઝા અને ગ્રીનકાર્ડનું કામ કરે છે. કોઈને કામ હોય તો જણાવજો. ગીતાબેનના પુત્ર મયંકનો બિઝનેસ ગ્રીન કાર્ડ કઢાવવાનો હોવાથી પારૂલબેનના પતિ દીપક નરસિંહ દાસ (રહે.,એ-3, બીજો માળ, સેગુલ એપાર્ટમેન્ટ, બી દેસાઈ રોડ, મુંબઈ)નો સંપર્ક કરતાં પાનકાર્ડ, આધારકાર્ડ સહિતનાં ડોક્યુમેન્ટ મંગાવીને એલિમેન્ટલ કંપનીનો લોગો, એડ્રેસ અને નામ મોકલ્યું હતું.
બિઝનેસ કાર્ડ બનાવવા માટે 50 લાખ રૂપિયા આપવા પડશે. હમણા અડધા અને બાકીના વિદેશમાં પહોંચ્યા પછી આપવાના તેમ જણાવતાં 1000 રૂપિયા ઓનલાઈન દીપકભાઈના શાહ એન્ટરપ્રાઈઝમાં મોકલ્યા હતા. 10 લાખ મોકલ્યા હતા. 10 લાખ રૂપિયા મુંબઈ કાર લઈને સુરત ખાતે તા.28-10-21ના રોજ લીધા હતા. સિક્યુરિટી પેટે 20 લાખનો ચેક દીપકભાઈએ ગીતાબેનને આપ્યો હતો. બરોડા ખાતે ગ્રીનકાર્ડની મીટિંગ લેવાની હોવાથી ગીતાબેન પણ લઈ ગયાં હતાં.
ત્યાં દીપકભાઈએ જણાવ્યું કે, તમે ચેન્નઈથી યુ.એસ.એ. તા.25-12-21ના રોજ હશો. બાદ દીપકભાઈને ફોન કરીને વિદેશ જવા બાબતે તારીખ માંગતાં અલગ અલગ જવાબ આપી ફોન પણ બંધ કરી દેતાં પત્ની પારૂલબેને આ બાબતે જણાવતાં તેમણે પણ અલગ અલગ જવાબ આપવાનું કહી ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં 20 લાખનો ચેક બેંકમાં નાંખતાં બાઉન્સ થયો હતો. જે અંગે કામરેજ પોલીસમથકમાં પારૂલબેન અને તેમના પતિ દીપકભાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.