દક્ષિણ ગુજરાત શૂરવીર સ્ત્રીપુરુષોની ભૂમિ છે. તે સાહિત્યકારો અને સાહિત્યરસિયાઓની ભૂમિ છે. વીર નર્મદ આ ભૂમિમાં થઇ ગયા. દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર મોહનદાસ ગાંધીને એમની રંગભેદની નીતિ સામેની લડતમાં મદદ કરનાર મનસુખલાલ નાઝર, પ્રાગજી ખંડુભાઇ દેસાઇ, સોરાબજી અડાજણીયા અને એ. એમ. કાછડીયા દક્ષિણ ગુજરાતના હતા. ગાંધીયુગ દરમિયાન બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ જેવી વિરલ ઘટનાઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું હતું. દક્ષિણ ગુજરાતનાં સ્ત્રીપુરુષો ત્યારના સ્વાતંત્રય સંગ્રામમાં મોખરે હતા. ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ આ તપોભૂમિમાં જન્મ્યા અને ઉછર્યા હતા.
ઝીણાભાઇ આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સમરોલી ગામમાં અનાવિલ બ્રાહ્મણનાતમાં જન્મ્યા હતા. અનાવિલો મૂળભૂત રીતે ખેતી સાથે સંકળાયેલા જમીનદારો અને ખેડૂતો હતા. બ્રિટિશ શાસન દરમિયાન તેઓ વકીલ, ડૉકટર, શિક્ષક, સ્વાતંત્ર્ય સેનાની, સાહિત્યકાર અને કેળવણીકાર તરીકે ઝળકયા. જેમ કે ઝીણાભાઇના દાદા ભગુભાઇ અને પિતા રતનજી ખેતી કરતા હતા તથા નરસિંહ અને મીરાંનાં ભજનો ગાતા ભગત તરીકે ઓળખાતા. ઝીણાભાઇએ બાળપણમાં પોતાના કુટુંબ અને ચીખલી તાલુકાના સંસ્કારો ઝીલ્યા હતા. કાવેરી નદી અને આસપાસના બાગબગીચા અને ટેકરીઓનું સૌંદર્ય માણ્યું હતું. પણ 16-17 વર્ષની વયે ગાંધીજીના પરિચયમાં આવ્યા બાદ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું હતું અને ત્યાર બાદ શિક્ષક, કેળવણીકાર, કવિ અને ઇતિહાસકાર તરીકે ખ્યાતનામ થયા હતા. આ લેખમાં એક ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની તરીકે ઝીણાભાઇને ઉપસાવવામાં આવ્યા છે.
ઝીણાભાઇનો વિદ્યાર્થીકાળ: અસહકારનું આંદોલન 1920-1921
17 વર્ષના ઝીણાભાઇએ સમરોલીને આંદોલનનું કેન્દ્ર બનાવ્યું હતું. ઝીણાભાઇ જે ગામમાં જન્મ્યા, તે સમરોલી ચીખલી તાલુકાનું નાનું અને સુંદર ગામ હતું. ગામમાં અનાવિલ અને પાટીદાર ખેડૂતો ઉપરાંત સુથાર, લુહાર, સોની, કુંભાર, ઘાંચી અને વણકરોની વસ્તી હતી. ઝીણાભાઇ શાળામાં ભણતા ભણતા મિત્રો સાથે ખેલકૂદ કરતા અને ડુંગરો અને નદીઓ ખૂંદી વળતા. ત્યાર બાદ ઝીણાભાઇ એંગ્લોવર્નાક્યુલર શાળામાં ભણીને ગુજરાતી અને સંસ્કૃતની સાથે અંગ્રેજી ભાષા શીખ્યા. વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા અને શિક્ષણ ઉપરાંત પોશાકનો પણ શોખ લાગ્યો.
ત્યાર બાદ 1919માં તેઓ મુંબઇની ટયુટોરિયલ હાઇસ્કૂલમાં દાખલ થતા મુંબઇના પરિચયમાં આવ્યા પણ મુંબઇમાં કેટલાક ગાંધીવાદીઓનો પરિચય થતા તેઓ ભરૂચમાં વ્યાયામવીરો છોટુભાઇ અને અંબુભાઇ પુરાણીએ સ્થાપેલી ભરૂચની રાષ્ટ્રીય શાળામાં દાખલ થયા. અહીંથી મેટ્રીક થવાને બદલે તેમણે આ શાળા છોડી અને 1920માં ગાંધીજીએ બ્રિટિશ સરકાર સામે ઉપાડેલી અસહકારની લડતમાં જોડાયા. જયારે ગાંધીજી તેનો પ્રચાર કરવા 1920માં સુરત ગયા ત્યારે પાટીદાર આશ્રમમાં ગાંધીજીનું ભાષણ સાંભળવા 17 વર્ષનો આ વિદ્યાર્થી પણ ગયો અને તેની સાથે તેણે ભરૂચ અને સુરત વચ્ચે આવેલાં ગામડાંઓમાં સત્યાગ્રહ ઉપરાંત ખાદી, રેંટિયો અને સ્વદેશીનો પણ પ્રચાર કરવો શરૂ કર્યો. પોતાના વતન ચીખલીમાં પણ પ્રચાર કર્યો.
સમરોલી ગામમાં આવેલું ઝીણાભાઇનું ઘર તો જાણે સત્યાગ્રહની છાવણી બની ગયું. તેની સાથે ઝીણાભાઇનો પરિચય કલ્યાણજી મહેતા, કુંવરજી મહેતા અને દયાળજી દેસાઇ જેવા યુવા ગાંધીવાદી રાષ્ટ્રવાદીઓ સાથે થતા તેમનો ઉત્સાહ વધ્યો ઝીણાભાઇના શબ્દોમાં: ‘’અસહકારના પંચવિધ બહિષ્કારના કાર્યક્રમ પૈકી શાળા-મહાશાળાઓના બહિષ્કારના આહ્વાને મને અસહકારના રંગથી રંગ્યો એમાં ગાંધીજીના વ્યકિતત્વનું આકર્ષણ સૌથી મોટું હતું.’’
જો કે એક તરફ ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા હોવા છતાં યુવા ઝીણાભાઇની જીભના રસના ચટાકા ઓછા થયા નહોતા તેઓ ખાદીનાં કપડાંમાં સજ્જ થતા થતા સુરતની હોટેલમાં આઇસ્ક્રીમની લિજ્જત માણતા અને અમદાવાદની ચંદ્રવિલાસ હોટલના ફાફડા-જલેબી ઉડાવતા અને ગરમાગરમ ચા પીતા. ‘ચંદ્રવિલાસ હોટલ કોઇ નવી જ દુનિયા હતી. ‘પા શેર આવે’, ‘ગુલાબી આવે’ એવા રાગડા તાણી થતા ઓર્ડરોથી આખી હોટલ ગાજતી હતી. એ બધા શબ્દો ચાના માપની ગુણવત્તાના સૂચક હતા. જો કે પાછળથી ચા પીવી બંધ કરી હતી પણ જીવનના અંત સુધી કવિ ખાવાપીવાના તો શોખીન જ હતા.
એમાં કશું જ ખોટું નહોતું. આમ કરતા કરતા ઝીણાભાઇ 1921માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનિત પરીક્ષા પાસ થયા અને ત્યાર બાદ 1926માં રાજયશાસ્ત્રના વિષય સાથે વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. 1926 થી 1928 સુધી બે વર્ષ વિદ્યાપીઠમાં જ રાજયશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી. તેઓ વિદ્યાપીઠના આચાર્ય ગીદ્વાણી ઉપરાંત ગિજુભાઇ બધેકા, રામનારાયણ વિશ્વનાથ પાઠક, કાકાસાહેબ કાલેલકર, અંબુભાઇ પુરાણી, કિશોરલાલ મશરૂવાલા, નરહરિ પરીખ, મહાદેવ દેસાઇ, ઇન્દુલાલ યાજ્ઞિક, ખંડુભાઇ દેસાઇ, ડાહ્યાભાઇ નાયક, ગોરધનદાસ ચોખાવાળા, દયાળજી દેસાઇ, ઉમાશંકર જોશી અને દિનકર મહેતા જેવા દિગ્ગજોના ગાઢ સંપર્કમાં આવ્યા. તેઓ 1961માં સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે વરાયા હતા. તેઓ સાચા રાષ્ટ્રભકત હતા અને સ્નેહરશ્મિએ તેમની આત્મકથા ‘સાફલ્યટાણું’માં લખ્યું છે.
‘વિદ્યાપીઠમાં મુકત વાતાવરણ હતું પણ તે સાથે શિસ્તની પણ બહુ કાળજીથી જાળવણી થતી. વલ્લભભાઇના નેતૃત્વ હેઠળ ‘ઝંડા સત્યાગ્રહ’ની લડત ઉપાડવામાં આવી હતી. વિદ્યાપીઠમાં પણ એની ઉત્તેજના વ્યાપી હતી. હું તેમાં જોડાયેલો. એ વખતે યુવક પ્રવૃત્તિ પૂરા ઉત્સાહ સાથે થતી. પણ આજે ગાંધીજીના શિસ્ત અંગેના આ ખ્યાલ કયાંય ફંગોળાઇ ગયા છે અને શિક્ષણ સંસ્થાઓમાં ગેરશિસ્ત પ્રવર્તે છે. અસહકારની લડત દરમિયાન કોઇ પણ શાળા, પાઠશાળા કે યુનિવર્સિટીમાં કોઇ ભાંગફોડ અને અંધાધૂંધી થયાનું બન્યું ન હતું. તે આજના આપણા શિક્ષણ જગતની ભયંકર અનવસ્થા જોતાં નવાઇ પમાડે તેવું નથી?’
બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ
બારડોલીની લડત (૧૯૨૮) ભારતના સ્વાતંત્રયના ઇતિહાસનું એક ભવ્ય સીમાચિહ્ન છે અને તેમાં દક્ષિણ ગુજરાતની પ્રજાએ મોખરાનો ભાગ ભજવ્યો છે. પચ્ચીસ વર્ષના ઝીણાભાઇ દેસાઇએ તેમાં સ્વયંસેવક તરીકે ભાગ ભજવ્યો હતો અને તેઓ અનેક ગામડાંઓ ખૂંદી વળ્યા હતા. તે સમયે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં રાજયશાસ્ત્રના અધ્યાપક હતા. તે સમયે તેમણે રચેલા ‘વન્ય જોગ’ નામના કાવ્યની કેટલીક પંકિતઓ નીચે મુજબ છે:
‘ભૈરવ હવે બારડોલી આજ માગે મોંઘો ભોગ
ઊઠ રે ભારત! ઊઠ રે યુવક! કયાંથી આવો વન્ય જોગ!
સૈકા વીત્યા, જુગો વીત્યા, વીતી ના હજી કાળી રાત
કયાં સુધી વ્હીલે મુખે રે’વુ ને કયાં સુધી કે’વી દાન વાત
ઊઠ રે ભારત! ઊઠ રે યુવક! બારડોલી આજ ત્હારે દ્વાર
દે ને દેહ કુસુમ અર્ધ્ય – દે ને મોંઘી સધિર વાર.’
ઝીણાભાઇએ ત્યાર બાદ ગાંધીજીએ ઉપાડેલી સવિનય કાનૂન ભંગની ચળવળમાં (૧૯૩૦-૧૯૩૨) ભાગ લીધો. તેઓ અમદાવાદથી સુરત ગયા અને ‘સત્યાગ્રહપત્રિકા’નું સંચાલન સંભાળ્યું. ઝીણાભાઇના શબ્દોમાં: ‘મારે માથે ગાંધીજીની દાંડી યાત્રાના રોજબરોજના હેવાલ તૈયાર કરવાનું આવ્યું. એ નિમિત્તે ગાંધીજીની ટુકડી જયાં મુકામ કરે ત્યાં પહોંચી જઇ ત્યાંથી જરૂરી માહિતી ભેગી કરી પત્રિકાની ઓફિસે પાછા આવી હેવાલ તૈયાર કરી હું છાપવા આપતો. પત્રિકાએ ઘણું આકર્ષણ જમાવ્યું. પરિણામે રોજની 36000 જેટલી નકલો લોકો પાસે જતી હતી. આથી ગાંધીજીને પણ અવારનવાર મળવાનું થતું.’ ગાંધીજીએ છઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ ના રોજ દાંડી પહોંચીને મીઠાના કાયદાનો ભંગ કર્યો ત્યારે ઝીણાભાઇએ નીચેનું કાવ્ય રચ્યું:
‘સાગરની છોળોમાં આજે,
ધોમ ધખેલી ધરતી આરે,
વનવગડાને ડુંગર – ધારે,
ગાજે ગેબી એક અવાજ –
પૂર્ણ સ્વરાજ! પૂર્ણ સ્વરાજ!
આવે! આવે! મરદો આવે!
ખેતર છોડી ખેડૂત આવે.
સાળો છોડી વણકર આવે,
આવે આખો વીર સમાજ,
પૂર્ણ સ્વરાજ! પૂર્ણ સ્વરાજ!’
દાંડી કૂચ અંગે ‘સત્યાગૃહ પત્રિકા’ના તંત્રી તરીકે રચેલી વિપુલ સામગ્રી ઇતિહાસ, સમાજ અને સાહિત્યને જોડે છે. આજે તેને સજીવન કરવાની જરૂર છે. દાંડીકૂચ વિશ્વભરમાં સ્વાતંત્રય સંગ્રામોનું સીમાચિહ્ન છે.
૧૯૪૨ ની ‘હિંદ છોડો’ની લડત વખતે ઝીણાભાઇ દેસાઇ અમદાવાદની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ‘સી.એન. વિદ્યાવિહાર’નાં આચાર્ય હતા. સરકારને ગંધ ના આવે તે રીતે તેઓ કેટલાક ચુનંદા વિદ્યાર્થીઓ સાથે મળીને ‘અહિંસક ભૂગર્ભ પ્રવૃત્તિ’ કરતા. પણ સરકારી જાસૂસોને બાતમી મળતાં ઝીણાભાઇને પકડયા અને જેલમાં પૂર્યા. ઝીણાભાઇ ઋજુ હૃદયના કવિ હતા. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર તેમના પ્રેરણાસ્ત્રોતો હતા. સી.એન. વિદ્યાવિહાર માટે તેમણે ‘સત્યમ, શિવમ, સુંદરમ’ નો મંત્ર અપનાવ્યો હતો. મહાત્મા ગાંધીનું જયારે તા. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ રીવોલ્વરની ગોળીથી ખૂન થયું ત્યારે ઝીણાભાઇએ બીજે દિવસે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ વ્યાખ્યાન આપતાં કહ્યું હતું: ‘મહાત્મા ગાંધીનું ખૂન કોઇ એક વ્યકિતનું ખૂન નથી, તે એક હતભાગી રાષ્ટ્રનું ખૂન છે.’ ત્યાર બાદ એમણે જે કવિતા સંભળાવી તેની કેટલીક પંકિતઓ રજૂ કરીને આ લેખ સમાપ્ત કરીશું:
‘મોટા ઘરનો મોભ તૂટયો આ?
કે વહાણનો કૂવાથંભ?
ફાટ્યો પ્હાડનો પ્હાડ હિમાલય?
કે આ કો ઘોર ભૂકંપ?
બની ભોમ ગાંધી વિનાની,
તૂટી હાય દાંડી ધરાની!’