અસ્તિત્વનું મહા જોખમ!

દુનિયામાં વર્ષોથી મહામારીઓ તો આવ્યા જ કરે છે. નાના નાના વારયસો તો ચાલ્યા જ કરે છે. અમુક રોગો એવા હોય છે કે તે સંપર્કમાં આવનાર લોકોને વળગે છે અને એને ચેપી રોગ કહેવામાં આવે છે. મેડીકલ સાયન્સના વિકાસ સાથે ઘણા બધા નાના ચેપી રોગો ઘણાં વરસથી અસ્તિત્વમાં નથી. પરંતુ ૨૦૧૯ માં મોટી મહામારી કોવિદ-૧૯ ચીનથી આયાત થઇ અને આજે પણ દુનિયાને ભરખી રહી છે. પહેલાં કોરોના નામ આવ્યું, હાલમાં ઓમિક્રોનની બોલબાલા વધી ગઇ છે. કોરોનાની રસીઓ પણ મોડે મોડે શોધાઇ, પરંતુ ઓછી પડી. ભારતમાં કોરોના-૧૯ શરૂ થયો ત્યારે ભારતના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્વરિત સૂઝસમજથી માસ્ક પહેરવાં, લોકોએ એકબીજાથી અંતર જાળવવું, દેશ-આખામાં લોકડાઉનની સ્થિતિથી ભારતનાં ઘણાં લોકો કોરોનાથી બચી ગયાં. ભારતમાં  આનાથી દેશને ઘણું નુકસાન થયું. ગરીબી વધી, બેરોજગારી વધી, ખેતીની પેદાશ ઓછી થઇ, ધંધા – ઉદ્યોગો મંદીથી સપડાયાં. આજે દુનિયામાં આ મહામારીને લીધે મરણનું પ્રમાણ ઘણું ઓછું છે. પરંતુ દુ:ખ સાથે જણાવવું પડે છે કે મહામારીના  એકાદ વર્ષ પછી ભારતની પ્રજાનું મરણનું પ્રમાણ ઓછું છતાં પાછી રહેણીકરણી, ખાવાપીવા, પર્યટન વગેરેમાં એકદમ ઉછાળો લાવી રચીપચી રહેવા લાગી તો વર્તમાનપત્રોમાં ફરીથી મરણના આંકડા છપાવા માંડયાં.

વાયરસો આવવાનાં કારણમાં કહેવાય છે કે વિકાસનાં નામે ઘણાં બધાં પગલાંઓ એવાં છે કે તે વાયરસને નોંતરે છે. ખાવા પીવાની અને રહેણીકરણી એમાં મુખ્ય ભાગ ભજવે છે. આજે ભારતમાં ખેતી અને જંગલોનું અસ્તિત્વ જોખમાયું છે. વિકાસના ખોટા આડંબરને લીધે ગામડાંઓનું અસ્તિત્વ જોખમાયું છે. વિકાસના નામે શહેરમાં જોડી બહુમાળી મકાનો બનવા લાગ્યાં અને ગામડામાંથી શહેરમાં આવેલાં લોકોએ સ્વાસ્થ્યવર્ધક ખોરાક ગુમાવ્યો. તેને સ્થાને રેસ્ટોરન્ટ અને હોટલોના રોગો લાવનારા જંકફુડ શરૂ થયાં. બહુમાળી મકાનોને લીધે શહેરોમાંથી ઓકસીજનનું પ્રમાણ ઘટવા લાગ્યું. શહેરોમાં હોસ્પિટલોની જગ્યા વધી ગઇ. આજે એને લીધે યુવાનો બીજી વિદ્યાશાખામાંથી હટીને મેડીકલ સાયન્સને જ મહત્ત્વ આપતાં થયાં. કારણ કે શહેરનાં અનેક રોગોને લીધે ડોકટરોની કમાણી વધી ગઇ. આજે સમસ્ત દુનિયાનાં વિજ્ઞાનીઓ, ટેકનિશ્યનો વગેરે અસ્તિત્વના જોખમને ટાળવાના ઉપાયો શોધી રહ્યા છે. પરંતુ અસ્તિત્વ એ કુદરતની વસ્તુ છે અને કુદરત રૂઠે છે. માનવી કુદરતને વિજ્ઞાન દ્વારા નાથવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આવી મહામારીઓ ઊભી થાય છે. એટલે જયાં સુધી કુદરતના મૂળ અસ્તિત્વને રીઝવવામાં ન આવે ત્યાં સુધી અસ્તિત્વનું જોખમ ઘટવાને બદલે વધ્યા જ કરશે!
સુરત       – ડો. કે.ટી. સોની  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top