Charchapatra

ગ્રે ડિવોર્સ

તાજેતરમાં એ. આર. રહેમાન અને સાયરા બાનોએ ડિવોર્સ લીધાના સમાચાર વાંચીને ચર્ચાપત્ર લખવા પ્રેરાયો છું. એમ કહેવાય છે કે ઘણા વર્ષો સુધી પતિ પત્ની તરીકે સાથે રહેતા હોય પછી  છૂટાછેડા લે તેને ગ્રે ડિવોર્સ કહેવામાં આવે છે. તેને સિલ્વર સિપ્લ્ટર્સ અથવા ડાયમંડ ડિવોર્સ પણ કહેવામાં આવે છે. ગ્રે ડિવોર્સ એ પશ્ચિમની સંસ્કૃતિનું ભારતીય અનુકરણ છે. ગ્રે ડિવોર્સને આપણી ગુજરાતી ભાષામાં “આધેડ ઉંમરે છુટાછેડા” એમ પણ કહી શકાય. આપણા સમાજમાં નવપરણિત યુગલો મેરેજ થયા ના બે પાંચ વર્ષોમાં જ છૂટાછેડા લે એવા બનાવો તો વધતા જ જાય છે. આજે એની કદાચ ઘણા લોકોને નવાઈ પણ નથી રહી. કેટલીક વખત તો એવું બને છે કે જેટલા ઝડપથી નવયુવાનો પ્રેમમાં પડીને પરણી જાય છે તેનાથી વધુ ઝડપથી ડિવોર્સ  લઈ લે છે. તાજેતરમાં  ગ્રે ડિવોર્સના બનાવની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

પતિ પત્ની તરીકે 15-20-25 વર્ષ સુધી સાથે રહે છે અને પછી પરિપક્વતાની ઉંમરે છુટાછેડા લે છે. કહેવાય છે કે મોટી ઉંમરે ગ્રે ડિવોર્સ લેનારા દંપત્તિ સૌથી પહેલા માનસિક રીતે ડિવોર્સ લઈ ચૂક્યા હોય છે. મોટી ઉંમરે કોમ્યુનિકેશન ગેપને કારણે કે પછી સંતાનો અલગ સેટલ થયા હોવાથી પતિપત્ની એકલતા અનુભવે છે. પતિપત્ની વચ્ચે તણાવપૂર્ણ સંબંધો બનતા જાય છે . ગ્રે ડિવોર્સના કારણો અનેક હોઈ શકે પરંતુ પશ્ચિમી દેશોમાં ગ્રે ડિવોર્સ જે રીતે સામાન્ય બાબત ગણાય છે તે જ રીતે ભારતમાં પણ આધેડ ઉંમરે છુટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. જે સમાજ માટે સારી નિશાની નથી. સેલિબ્રિટીઓ સુધી મર્યાદિત ગ્રે ડિવોર્સની વાત આજે મધ્યમ વર્ગ સુધી પહોંચી ગઈ છે.
નવસારી  – ડો.જે. એમ. નાયક        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top