રાજ્યમાં સરકારી ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓના ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવાની યોજના છે, તેમ છતાં રાજ્ય સરકાર હજુ સુધી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં નિષ્ફળ રહી છે, તેવો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારની શિક્ષણ નીતિ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિરીતિને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યાં છે.
સમયસર પાઠ્યપુસ્તકો નહીં મળવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર થઇ રહી છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે કાગળો મંગાવવામાં આવે છે, તેમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવતી હોય છે. કાગળ ખરીદી, પ્રિન્ટિંગના ઓર્ડર તેમજ ટ્રાન્સપોર્ટેશનના કોન્ટ્રાક્ટમાં સરકાર વધુ પડતો રસ દાખવી રહી છે. છેલ્લા દસ વર્ષમાં પાઠ્યપુસ્તકો બારોબાર સગેવગે કરવાના, પસ્તીમાં વેચી મારવાના કામો જ થઇ રહ્યાં છે અને ૪ થી ૬ મહિના સુધી પાઠ્યપુસ્તકો બાળકો સુધી પહોંચાડવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું સૌથી ખરાબ પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થયું હતું. માસ પ્રમોશનના કારણે પરિણામ 100 ટકા જાહેર થયું, પરંતુ માત્ર 691 વિદ્યાર્થીઓ જ એ- વન ગ્રેડ મેળવી શક્યા છે. આમ બોર્ડનું સૌથી ખરાબ પરિણામ નોંધાયું છે. ઉચ્ચ ગુણવત્તા અને સતત મહેનત કરનારા વિદ્યાર્થીઓને સરકારની પરિણામ બનાવવાની નીતિનો ભોગ બનવું પડ્યું છે.