સુરત: આતુરતાથી ભક્તો જેની રાહ જોઈ રહ્યા છે, તે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આજે 7 સપ્ટેમ્બર એટલે કે શનિવારથી શરૂ થયો છે. શહેરમાં શ્રીજી આગમનયાત્રાની શુક્રવારે આખો દિવસ અને મોડી રાત સુધી ધૂમ રહી હતી. ઘણા મંડળોએ તો વહેલી સવાર સુધી શ્રીજીયાત્રાની ધૂમ મચાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે શનિવારે શ્રીજીની રંગે ચંગે સ્થાપના બાદ 10 દિવસ સુધી બાપ્પાના પુજન-અર્ચન રાત્રે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગણેશ ઉત્સવની ધૂમ રહેશે. જ્યારે 10માં દિવસે 17 સપ્ટેમ્બરના રોજ ભકતો ભારે હૈયે ડુંડાળા દેવને વિદાય આપશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોંઘેરા મહેમાન ગણપતિ બાપ્પાની સેવા માટે ભક્તોએ સુરતી સ્ટાઈલમાં તૈયારીઓ કરી છે. વિશાળ ભવ્ય મંડપોમાં બાપ્પાના આતિથ્યની તૈયારીઓ કરવામાં આવી છે. ભટારમાં સાંઈ રામ યુવક મંડળના ભક્તોએ બાપ્પા માટે જયપુરનો શિશ મહેલ બનાવડાવ્યો છે તો ભાગળની ખાંડવાળી શેરીમાં બાપ્પાને 70 કિલો ચાંદીના આભૂષણો પહેરાવાયા છે. ચાલો જાણીએ કયાં કેવી તૈયારી કરવામાં આવી છે..
ભાગળ ખાંડવાળી શેરીમાં ખજાનાની થીમ, બાપ્પાને 70 કિલો ચાંદીના આભૂષણો પહેરાવાશે
શહેરમાં ગણેશ સ્થાપનાનાં મોટાપાયે આયોજનો કરવામાં આવે છે ત્યારે કોટ વિસ્તાર સહિત અલગ અલગ જગ્યાએ થીમ બેઝ ઉપર ગણેશ પંડાલો સજાવવામાં આવ્યા છે. શહેરનાં ભાગળ વિસ્તારની ખાંડવાલી શેરીમાં 70 વર્ષ જુના શ્રી અમર જ્યોત યુવક મંડળના આગેવાન અતુલ મેવાવાળાએ જણાવ્યું હતું કે, મન્નતો કે રાજા તરીકે પ્રસિધ્ધ એવા બાપ્પાના પંડાલને આ વર્ષે તેઓ એકદમ ક્લાસિકલ થીમ ઉપર સજાવશે. બાપ્પાના સિંહાસન સહિત આખા દરબારને ખજાનાની થીમ આપવામાં આવી છે. ચાંદીના ઘડાઓને જુના એન્ટિક તથા ચાંદીના સિક્કાઓથી ભરી દેવાશે. વધુમાં બાપ્પાને 70 કિલો ચાંદીના આભૂષણો પહેરાવાશે.
ભટાર રોડ સાંઈ રામ યુવક મંડળે જયપુરનો શિશ મહેલ તૈયાર કર્યો
અલથાણ ભટાર રોડ ખાતેના સાંઈ રામ યુવક મંડળના પ્રમુખ આયોજક કમલભાઈ મેવાવાળાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પંડાલને જયપુરના શીશ મહેલની થીમ ઉપર બનાવવામાં આવ્યો છે. ભટાર રોડ કોમ્યુનિટી હોલ પરિસરમાં આખો પંડાલ 60 બાય 125 સ્કવેર ફૂટમાં તૈયાર કરાશે. તે માટે જયપુરના મહેલનું ખૂબ જ ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગમનયાત્રામાં બાપ્પાના આગમન સમયે સાઉથની કાંતારા મુવીની થીમ, અઘોરી બાવાઓ, નાસિક ઢોલ, લાઈવ બેન્ડે ભારે આકર્ષણ જમાવ્યું હતું.
ભટાર ઠાકોરજી સેવા સમિતિમાં પંડાલમાં આદિયોગી મહાદેવની થીમ
ભટાર રોડ આશીર્વાદ પેલેસની સામે ઠાકોરજી સેવા સમિતિ આ વર્ષે આદિયોગીની થીમનું નજરાણું લઈને આવી રહી છે. બેગ્લોરના આદિયોગી મહાદેવની આબેહુબ મૂર્તિને મુખ્ય દ્વાર ઉપર બનાવવામાં આવી છે, જે લોકોનું ધ્યાન ખેંચશે. પંડાલમાં લાલબાગ ચા રાજાની થીમ ઉપર બાપ્પાની પ્રતિમા મુકવામાં આવી છે.
ઠાકોરજી સેવા સમિતિના આયોજક રવી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દસે દસ દિવસ લેઝર શો કરવામાં આવશે. પંડાલમાં બાબા અમરનાથની ગુફા બનાવાઈ છે, જેમાં બરફના 8 ફુટ ઊંચા શિવલિંગના દર્શન કરવાનો લહાવો ભક્તોને રોજે રોજ મળશે. ઉપરાંત જંગલની થીમ, ખાટુ નરેશના દરબારની સાથે સાથે 11-ડી એલઈડીનો શો લોકોને થ્રિલર અને રોમાંચનો અનુભવ કરાવશે. સાંજ પડતા જ બાપ્પાનો આખો પંડાલ રોશનીથી જગમગી ઉઠશે.
ડબગરવાડ રેણુકા યુવક મંડળ આ વર્ષે ઈન્ડોનેશિયાની થીમ પર ગણેશસ્થાપન કરશે
ભાગળના ડબગરવાડ ખાતે રેણુકા યુવક મંડળ છેલ્લા ઘણાં વર્ષોથી અલગ-અલગ દેશોની થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરે છે. આ વર્ષે ઈન્ડોનેશીયા દેશની થીમ ઉપર આધારીત પ્રતિમાને પંડાલમાં મુકવામાં આવશે તથા પાછલા વર્ષોમાં સ્થાપિત કરાયેલી મંગલમૂર્તિની પ્રતિમાઓ પણ ડિસપ્લે કરવામાં આવતી હોય છે.
શહેરભરમાં 80 હજાર જેટલી નાની મોટી ગણેશ પ્રતિમાઓનું સ્થાપન
મુંબઈ બાદ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામપુર્વક ઉજવાય છે. તેની માહિતી આપતા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના કાર્યકારી પ્રમુખ અનિલ બિસ્કીટવાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં આ વર્ષે નાની મોટી અંદાજીત 80 હજાર જેટલી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે અને અત્યાર સુધી 3 હજાર કરતાં વધુ આયોજકોને પરમિટ આપી દેવાઈ છે. ગણેશ સ્થાપન પહેલા વધુ 6થી 7 હજાર જેટલી પરમીટ જારી કરી દેવાશે. 17 સ્પટેમબરે વિવિધ ઓવારાઓ ઉપર વિર્સજનની પ્રક્રિયા મનપા તથા પોલીસ પ્રસાસનના સંકલનને સાથે રાખીને કરવામાં આવશે.