Gujarat

વડતાલ મંદિર પરિસરમાં 21 કુંડી હરિયાગનો ભવ્ય પ્રારંભ

નડિયાદ તા.29
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ ગોમતી તીરે યોજાનાર ગુરૂમંત્ર મહોત્સવ અંતર્ગત વડતાલ મંદિર પરિસરમાં 21 કુંડી હરિયાગનો શુક્રવારે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજએ મંગલ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સુરત રામપુરા મંદિરના કોઠારી પી.પી.સ્વામી, કેશવસ્વામી, ધર્મપ્રકાશસ્વામી, (મુંબઇ-ભુલેશ્વર) ભક્તિચરણસ્વામી, શ્યામવલ્લભસાવામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી વિગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.
પૂ.મહારાજએ યજ્ઞ પૂજનબા યજ્ઞનારાયણ દેવની આરતી ઉતારી સંતો સાથે યજ્ઞનારાયણ દેવની પ્રદક્ષિણા કરી હતી. આ પ્રસંગે મહારાજએ 3100 જેટલી મહાપૂજામાં બેઠેલ પૂજાર્થી બહેનોને આર્શીવાદ પાઠવી ગુરૂમંત્રનો મહિમા સમજાવ્યો હતો. અને ઉત્સવીયા સંત શ્યામવલ્લભસ્વામીની સેવાઓને બિરદાવી હતી. આ ત્રિદિવસીય યજ્ઞના 21 કુંડ છે. મંદિરના પુરોહિત ધીરેનભાઇ ભટ્ટ સહિત 108 ભુદેવો મંત્ર આહુતિ અર્પણ કરી રહ્યા છે. અને દિવસને અંતે એક કરોડ મંત્ર આહુતિ અર્પણ થશે. પૂ.ગાદીવાળા માતૃશ્રીના નેજા હેઠળ યોજાયેલ નારી શક્તિ નારી ભક્તિ સાથેનો આ ગુરૂમંત્ર મહોત્સવ પ્રથમ છે.
યજ્ઞ પ્રારંભ સમયે 60 ઉપરાંત સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મૂળ સંપ્રદાયના સત્સંગી બહેનોને ગુરૂમંત્ર પ્રાપ્ત થાય અને સાથે સાથે વડતાલ ધામનો મહિમા દ્રઢ થાય એવા શુભ આશયથી ગુરૂમંત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂમંત્ર મહોત્સવમાં તમામ સંચાલન ફક્ત સાંખ્યયોગી માતાઓ તથા સત્સંગી બહેનો ગકરી રહી છે. સમગ્ર કાર્યક્રમ બહેનો માટેનો છે. ગુરૂમંત્ર સાથે નારી ઉત્કર્ષને પણ વિશેષ સ્થાન અપાયું છે. એટલે તો નારી શક્તિ નારી ભક્તિને પૂ.ગાદીવાળા માતૃશ્રીએ મહોત્સવમાં પ્રાધાન્યતા આપી છે. અને નારીનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર મહોત્સવમાં ઉતારા સહિતની તમામ વ્યવસ્થા સાંખ્યયોગી પુરીબા, કમુબેન તથા હેતલબેન સંભાળી રહ્યા છે.

Most Popular

To Top