Business

ચરોતરમાં 224મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી

આણંદ: આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગુરૂવારના રોજ જલારામ જ્યંતિની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જ્યંતિ નિમિત્તે જિલ્લાભરમાં આવેલ તમામ જલારામ મંદિરોને આકર્ષક રોશની તથા ફુલઝારીથી સજાવવામાં આવ્યા હતા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લાના તમામ જલારામ મંદિરોને આકર્ષક રોશની તેમજ ફુલોથી સજાવવામાં આવ્યા હતા. આણંદ શહેરના આઝાદ મેદાન સ્થિત જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપાની 224મી જન્મ જ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આણંદ જલારામ મંદિર ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકભક્તોએ શ્રધ્ધાભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત ધર્મજ ખાતેના જલારામ મંદિરમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે આવેલ જલારામ મંદિરો ખાતે પણ બાપાની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રાંતઃકાળે મંદિરોમાં સ્થાપિત ગણપતિ, રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, રાઘાકૃષ્ણ અને જલારામ બાપાની પ્રતિમાઓને સ્નાનાદી કાર્ય સાથે જળાભિષેક ,વાઘા,મુગટ અને આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા.

કુમકુમ અને ચંદન તિલકસાથે પુષ્પપૂજન કરી પુષ્પમાળા પહેરાવી ધાર્મિક શાસ્ત્રોક્ત પૂજા કરાઇ હતી.મંદિર શિખરે ધ્વજારોહણ અને મહાઆરતી પછી ભાવિક ભક્તો દ્વારા લાવેલ વિવિધ મીઠાઇઓ, ફરસાણ, બુંદીલાડુ, ફળફળાદિ, છાસ અને લસ્સી સહીત ઠંડા પીણા, ખીચડી, કઢીઅને ઘઉં,બાજરીના રોટલા સહિત અનેક ખાધચીજોનો અન્નકૂટદર્શન બપોરે બાર થી સાંજના ચાર વાગ્યા સુધી યોજાયો હતો.આ પ્રસંગે દરેક મંદિરોને આસોપાલવના તોરણ,રોશની અને ફુલોથી શણગારવામાં આવ્યુ હતુ.મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને સાંજે પ્રસાદીનો લાભ લીધો હતો. કારતક સુદ સાતમને નિમિતે જલારામ બાપાની 224મી જન્મ જયંતીની ઉજવણી ધર્મજ, ઉમરેઠના બાધીપુરા , તારાપુર ખાતે આવેલા જલારામ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આણંદ શહેર ના આઝાદ મેદાન ખાતે આવેલ જલારામ મંદિર ખાતે વિશેષ ઉજવણીના ભાગરૂપે સવારે સાત વાગે આરતી,સવાર નવ વાગે પાદુકા પૂજન અને ભજન સત્સંગ ત્યારબાદ મહા પ્રસાદી અને સંદયા કાળે 108 દિવડાઓની આરતી કરવામાં આવી હતી.સાથે આણંદ જિલ્લાના ધર્મજ ખાતે આવેલ જલારામ તીર્થ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંખ્યામાં બાપાના ભક્તો મહાપ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

ખેડામાં વહેલી સવારથી ભક્તો બાપાના દર્શન માટે ઉમટી પડ્યા
ખેડા: ખેડા માતર રોડ પર આવેલા જલારામ મંદિરમાં જલારામ સેવા મંડળ દ્વારા તેમની 224 મી જન્મ જ્યંતિ ભવ્યતિભવ્ય રીતે ઉજવવામાં આવી હતી.બાપાની જન્મ જયંતિ પ્રસંગે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા… જલારામ બાપાની 224 મી જન્મ જ્યંતિ પ્રસંગે સવારે 7 કલાકે ધ્વજા આરોહણ વિધિ અને બાપાને ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યા હતા.બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહુ મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ અને આરતીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. જલારામ સેવા મંડળ ખેડા દ્વારા ભક્તો માટે સાંજે બાપાની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

Most Popular

To Top