સુરત : સુરત મનપા દ્વારા બનાવાતા શોપીંગ સેન્ટર્સની ફાળવણીમાં વિલંબ થતા શોપીંગની દુકાનોમાં અસામાજિક તત્વો કબજો જમાવી ભોગવટો કરતા હોય છે. તાજેતરમાં કોસાડ આવાસના શોપીંગ સેન્ટરમાં મહામુસીબતે અસામાજિક તત્વોના કબજાને ખાલી કરાવાયા બાદ હવે ભેસ્તાનમાં આવાસના શોપીંગ સેન્ટરમાં પણ અસામાજિક તત્વોનો કબજો હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટીની સ્થાનિક કાર્યકરો દ્વારા કરાઇ હતી. જેના પગલે મનપાના ઉધના ઝોનના વડા અને કાર્યપાલક ઇજનેરે એસઆરપીની ટીમ સાથે ચેકિંગ કરતા ત્રણ દુકાનોમાં ગેરકાયદે કબજો હોવાનું બહાર આવ્યું હતું, વળી આ દુકાનોમાં સસ્તા અનાજની દુકાનવાળાએ બારોબાર વગે કરેલું ગરીબોના હક્કના અનાજનો મોટો જથ્થો પણ મળી આવ્યો હોય પુરવઠા વિભાગને જાણ કરાઇ હતી.
વિસ્તૃત વિગતો મુજબ સુરતના ઉધના ઝોનના અધિકારીઓને આમ આદમી પાર્ટીના કાર્યકરો ની ફરિયાદને પગલે ભેસ્તાન ટી.પી. ૪૭ ખાતે પાંચ વર્ષ પહેલા નિર્માણ કરાયેલા શોપીંગ સેન્ટર ખાતે સિક્યુરિટીના ચૂસ્ત બંદોબસ્ત સાથે તપાસ કરતા મનપા દ્વારા એલોટ નહીં કરવામાં આવેલા શોપીંગ સેન્ટરની દુકાન નંબર ૩૭. ૩૮ અને ૩૯ ઉપર કબજો કરીને ભેસ્તાન વિસ્તારની ઉધના પુરવઠા ઝોનલ કચેરીમાં સમાવિષ્ટ ‘યુ’ ૭૦ના લાયસન્સ ધારક તારાબેન ધનસુખભાઈ પટેલની દુકાનનું સંચાલન કરતા રાજુભાઈ નામના ઇસમે આ શોપીંગ સેન્ટરની ત્રણ દુકાન પર ગેરકાયદે કબજો કરીને તેમાં સરકારી અનાજના જથ્થાનો ગેરકાયદે સંગ્રહ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. મનપા દ્વારા 400થી વધુ કટ્ટા જેટલો ઘઉં, ચોખા અને મીઠુંનો જથ્થો એક ટ્રેક્ટર તેમજ બે ફોર વ્હીલ ટેમ્પો ભરી જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થો સરકારનો રાહતદરના અનાજનો હોવાનું ખૂલતાં ચકચાર મચી જવા પામી હતી. આ મુદ્દે પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા નાયબ પુરવઠા મામલતદાર હંસાબેન દોડી આવ્યા હતા તેમજ વધુ તપાસ હાથ ધરી હતી.