ગુજરાત: છેલ્લા છ મહિનાથી રાજ્યમાં પોલીસના (Police) ગ્રે પેડ (Grade Pay) મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. કેટલાક પોલીસ કર્મચારીઓએ આ મુદ્દે આંદોલનનો માર્ગ પણ અખત્યાર કર્યો હતો અને જે તે સમયે સરકારે ઘટતું કરવાની ખાતરી આપી હતી. દરમિયાન થોડા દિવસ પહેલાં જ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રક્ષા બંધનની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે હાલમાં પોલીસ ગ્રેડ-પેને મામલે ટૂંક જ સમયગાળામાં સુખદ અંત આવે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે.
નજીકના દિવસમાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવશે. તે સમયે હર્ષ સંઘવીના નિવેદન ઉપર જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો કે આ સરકાર વાટાઘાટોથી પ્રશ્નો ઉકેલવાવાળી નથી. સરકાર લાભ ખાટવાની ઈચ્છા ધરાવે છે. પોલીસ ગ્રેડ પેનો પ્રશ્ન ઉકેલ્યાનો રાજકીય લાભ પોતાને એકલાને જ થાય તો જ પ્રશ્ન ઉકેલવા માગે છે તેવી લાભ ખાટવાની સરકારની માનસિક્તા છે. આ સાથે જગદીશ ઠાકોરે સરકારને રજૂઆત કરી કે તમે પણ મોટા થાઓ અને અવાજ ઉઠાવવા વાળાને પણ મોટા કરો એ જ લોકશાહીનું ઘરેણુ છે.
આઝાદી પર્વના એક દિવસ પહેલા જ ખુશીના સમાચાર
જો કે આ આક્ષેપ અને પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે સાંજે આઝાદીપર્વના એક દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વની જાહેરાત કરી હતી. જે મુબજ પોલીસ ગ્રેડ પે મામલે 550 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. તેમની આ જાહેરાતની સાથે જ પોલીસ બેડામાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલનો બેઝિક પગાર 1800 રૂપિયા હતો જે અન્ય રાજ્યની સરખામણીમાં ખૂબ જ ઓછો હતો અને અન્યાયી હતો. જેના કારણે વર્ષોથી પોલીસ પરિવાર તેમાં ફેરફાર કરવાની માગ કરી રહ્યાં હતાં.
છ મહિનાથી ઉગ્ર બન્યું હતું આંદોલન
પરંતુ છ મહિનાથી આ માંગ ઉગ્ર બની હતી. કેટલાક કોન્સ્ટેબલે આ મામલે આંદોલનનું વલણ અખત્યાર કર્યું હતું અને તેઓ ઉપવાસ ઉપર પણ બેઠા હતાં. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ તેને હવા મળતાં આંદોલનમાં એક્ટિવ પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની પણ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક વખત પોલીસના પરિવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતાં. જો કે, હવે જ્યારે આ મામલે મુખ્યમંત્રીએ નાણા જોગવાઇની જાહેરાત કરતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે પરંતુ, હજી પોલીસને ગ્રે પેડ બાબતે આ જાહેરાતથી કેટલો ફાયદો થશે તેવી કોઇ વિગત બહાર આવી નથી.