ગાંધીનગર: રાજ્યના પોલીસ (Police) દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના ગ્રેડ પે (Grade Pay) ઓછા હોવાના મામલે તે વધારવાની પોલીસ કર્મીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં (Social Media) આંદોલન પણ ચાલ્યું હતું. ત્યારે આજે વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે. આગામી દિવસોમાં એટલે કે 15 ઓગસ્ટ પહેલા સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પોલીસ ગ્રેડ પે બાબતે મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે.
- વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ
- 15 ઓગસ્ટ પહેલા સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે
- પોલીસ ગ્રેડ પે બાબતે મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રેડ પેને લઈને અલગ અલગ બેઠકો પર અધિકારીઓ સાથે કરવામાં આવી
અગાઉ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પોલીસ ગ્રેડ પે અંગે નિર્ણય આવી શકે છે. આ બાબતે વિચારણા ચાલુ છે. ત્યારે આજે ગુરુવારના રોજ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાલમાં પોલીસ ખાતામાં ગ્રેડ-પેને લઈને જ ચર્ચા વિચારણા ચાલી રહી છે. તેના માટે નજીકના સમયમાં સારા સમાચાર આવી શકે તેમ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રેડ પેને લઈને અલગ અલગ બેઠકો પર અધિકારીઓ સાથે કરવામાં આવી છે અને ગણતરીના દિવસોની અંદર મુખ્યમંત્રી દ્વારા આ બાબતે કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવું ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા જણાવ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવશે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. અગાઉ હર્ષ સંઘવીએ ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવા માટે રાજ્ય સરકાર કમિટીની રચના કરશે તેવી જાહેરાત કરી હતી.