ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1, 2 તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2ની પ્રથમ કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષાની નવી સુચિત તારીખ 7મી જાન્યુઆરી 2024 નક્કી કરાઈ છે.
જીપીએસસીના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1, 2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રથમ કસોટી તારીખ 03 ડિસેમ્બર 2023ના રોજ લેવાનાર હતી, પરંતુ 27મી નવેમ્બર થી 3જી ડિસેમ્બર 2023 દરમિયાન સંઘ લોકસેવા આયોગ દ્વારા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. જેને કારણે આયોગ દ્વારા લેવાનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1, 2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરીને, હવે આ પરીક્ષાની નવી સૂચિત તારીખ 7મી જાન્યુઆરી 2024 રાખવામા આવી છે.
રાજ્યના સસ્તા અનાજની દુકાનના સંચાલકોને લઘુત્તમ 20,000 કમિશન મળશે
ગાંધીનગર: એક તરફ દિવાળી નજીક આવી રહી છે, ત્યારે સસ્તા અનાજની દુકાનધારકોએ કમિશનના મામલે હડતાળ પાડી હતી. જો કે હવે તેમાં સરકારે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. રાજ્યનાં વ્યાજબી ભાવનાં દુકાનદારોને પોષણક્ષમ કમિશન મળી રહે તે માટે ₹20,000થી ઓછું કમિશન મેળવતા દુકાનદારોને ખૂટતી રકમ ઉમેરીને લઘુતમ કમિશન ₹20,000 જળવાઈ રહે તેવી સૈધ્ધાતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અપાઈ છે.
સસ્તા અનાજની દુકાન ધારકોના એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદીએ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બંને પક્ષે સમાધાનકારી નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી હતી. સસ્તા અનાજની દુકાન ધરાવતા તમામ લોકોને રૂ. 20 હજાર મહિને કમિશન મળે તે મુદ્દે એસો. અને અધિકારીઓ સહમત થયા હોવાની વાત સામે આવી હતી. જો કે, એઓ. ના હોદ્દેદારોનો લેખિતમાં ઓર્ડર કરવાનો આગ્રહ હતો. બીજી તરફ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂં આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.