વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીમાં જેસીબીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની મિલીભગતને કારણે આડેધડ નાણાં ચૂકવાઈ જતા હોવાનું ધ્યાને આવતા મોડે મોડે સફાળા જાગી ઉઠી તેને અટકાવવા મ્યુનિ. કમિશનરે પાલિકાના ઈતિહાસમાં સર્વપ્રથમ વખત જીપીએસ ડિવાઇસ લગાડેલા હોય તેવા જ જેસીબી મશીન ભાડે લેવાનો નિર્ણય કર્યો છે. પાલિકા તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સાંઠગાંઠ ચાલતી હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. જે બાબતે અગાઉ સામાજીક કાર્યકર અને વિપક્ષ દ્વારા વિરોધ પણ કરાયો હતો. શહેરમાં વરસાદી કાંસ, વરસાદી ગટર હોય કે પછી પ્રિમોન્સુન કામગીરી દરમિયાન તાત્કાલિક જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
આ કામગીરી દરમિયાન જેસીબી મશીન પ્રતિ કલાક પ્રમાણે તેનો ભાવ ચૂકવવામાં આવતો હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં જીસીબી મશીન ચાલતું જ ના હોય તેમ છતાં વધારાના કલાક નાણાં ચુકવાઇ જવાના કિસ્સાઓ બન્યા હતા આ બાબત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના ધ્યાન પર આવતાં તેમણે સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર સાથે ચર્ચા કરી જીસીબી મશીન પર જીપીએસ ડિવાઇસ લગાડવામાં આવે તે જરૂરી છે. જીસીબી ભાડે લેવાના કામમાં થતા ગોટાળા અટકાવવા સિટી એન્જિનિયરે આ અંગે તાજેતરમાં ટેન્ડર પ્રક્રિયા કરી હતી. જેમાં ત્રણ વખત પ્રયત્ન કર્યા બાદ પ્રતિ કલાકના રૂ.750ના સ્થાને ઇજારદાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રતિ કલાકના રૂપિયા 550નો ભાવ નક્કી કર્યો છે. તેમાં ખાસ શરત મુકવામાં આવી છે કે જીપીએસ ડિવાઇસ લગાડવામાં આવ્યા હોય તેવા જ જેસીબી સપ્લાય કરવાના રહેશે અને જીપીએસ મુજબ થયેલી કામગીરીનો રિપોર્ટ રજુ કરી તે રકમની ચુકવણી કરાશે.