‘હું ગોવિંદ રબારી, તમારે આ સોસાયટીમાં ખાતા ચલાવવા હોય તો મારો ચાર્જ 10 હજાર રૂપિયા થશે’, સુરતના મોટા વરાછામાં લુખ્ખાંઓ બેફામ

સુરત: (Surat) પૂણા વિસ્તારમાં ગીતાનગર સોસાયટીમાં ખાતુ ધરાવતા કારખાનેદારને (Weavers) પાણીની બોટલ આપવા આવતા ગોવિંદ રબારીએ (Govind Rabari) જાનથી મારવાની ધમકી (Threaten) આપી 50 હજારની માંગણી કરી હતી. તથા કારખાનેદારના ખિસ્સામાંથી બળજબરી પાંચ હજાર રૂપિયા કાઢી લેતા કારખાનેદારે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • પૂણામાં ‘તું મને કાલ સાંજ સુધીમાં પચાસ હજાર નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી કારખાનેદારના ખિસ્સામાંથી 5 હજાર કાઢી લીધા
  • ગોવિંદે જો તમે પૈસા નહીં આપશો તો કોઈને અહીંયાથી જવા દઈશ નહીં તેમ કહીને નરેન્દ્રભાઈને જાનથી મારવાની ધમકી આપી હતી
  • નરેન્દ્રભાઈએ પૂણા પોલીસ સ્ટેશનમાં ગોવિંદ રબારીની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે

મોટા વરાછા ખાતે રાજહંસ ટાવરમાં રહેતા 42 વર્ષીય નરેન્દ્ર વિનુભાઈ લહેરી ગીતાનગર સોસાયટી વિભાગ-1 ખાતે લેઝ કાર્ટીંગ મશીનમાં ડાઈ બનાવવાનું કામ કરે છે. ગત 3 જાન્યુઆરીએ સાંજે સાતેક વાગે તેમના બનેવી નરેશભાઈ સાવજ તથા અંતિકભાઈ તેમના ખાતા પર હાજર હતા. તે વખતે ગીતાનગરમાં પાણીના બાટલા આપતો ગોવિંદ રબારી નરેન્દ્રભાઈના ખાતા ઉપર આવ્યો હતો. અને હું ગોવિંદ રબારી તમારે આ સોસાયટીમાં ખાતા ચલાવવા હોય તો મારો ચાર્જ 10 હજાર રૂપિયા થશે તેમ કહ્યું હતું.

નરેન્દ્રભાઈએ પૈસા આપવાની ના પાડતા ગોવિંદે માથાકુટ કરતા નરેશભાઈ તથા અંકિતભાઈએ ગોવિંદ રબારીને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જેથી ગોવિંદે તેમને ગાળો આપી માર માર્યો હતો. અને જો તારી પાસે પૈસા ના હોય તો મને ચેક લખી આપ તેવું કહ્યું હતું. દરમિયાન નરેન્દ્રના ઓળખીતા ભાવેશભાઈ સાઘાણી ડાઈ બનાવવા માટે ત્યાં આવી પહોંચતા ગોવિંદે તું અહીયા શું કામ આવ્યો તેમ કહીને ભાવેશને પણ ગાળો આપી માર માર્યો હતો. ભાવેશભાઈને આંખ પાસે ઇજા થતા લોહી નીકળતું હતું. ગોવિંદે જો તમે પૈસા નહીં આપશો તો કોઈને અહીંયાથી જવા દઈશ નહીં તેમ કહીને નરેન્દ્રભાઈને જાનથી મારવાની ધમકી આપી હતી. અને તેમના ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયા બળજબરી કાઢી લીધા હતા. અને તું મને પચાસ હજાર કાલ સાંજ સુધીમાં નહીં આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગયો હતો. નરેન્દ્રભાઈએ પૂણા પોલીસ સ્ટેશનમાં ગોવિંદ રબારીની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top