વી.ન.દ.ગુ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આચાર્ય દેવવ્રતજીએ પારસી સમુદાય માટે ખૂબ જ અણઘટતી ટીકા કરતાં કહ્યું કે પારસીઓ દેશ લૂંટવા આવ્યા હતા. હું અંગત રીતે માનું છું કે તેઓ દેશ લૂંટવા નહિ પણ દેશને કંઇ આપવા આવ્યા હતા. ભૂતકાળમાં અને હાલમાં પણ પારસીઓનું આપણા દેશનાં વિવિધ ક્ષેત્રોમાં અનન્ય પ્રદાન રહ્યું છે. દાદાભાઇ નવરોજી (1825-1917) આઝાદીની લડતમાં અગ્રણી કાર્યકર હતા. ઇન્ડિ. નેશનલ કોંગ્રેસના તેઓ ફાઉન્ડર મેમ્બર હતા. જમશેદજી ટાટાએ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રનો પાયો નાખ્યો હતો. ફિરોઝશાહ મહેતા અગ્રગણ્ય વકીલ અને પૂ. બાપુના માર્ગદર્શક હતા. હોમી ભાભા ભારતના ન્યુકલીયર સાયન્સના પ્રણેતા હતા. ફ.મા. સામ માણેકશાએ બીજા વિશ્વયુદ્ધથી માંડીને ભારત તરફથી પાંચ યુદ્ધો લડયા હતા અને 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં તેમનો કી રોલ (મુખ્ય ભૂમિકા) હતો. પ્રખ્યાત વકીલ સોલી સોરાબજી ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ હતા.
નાની પાલખીવાલા પણ તેમના સમયના શ્રેષ્ઠ વકીલ હતા અને આપણા બંધારણના નિષ્ણાત હતા. ક્રિકેટમાં ભારતની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન નરી કોન્ટ્રાકટર દેશના સૌથી યુવાન વયે (26 વર્ષે) કેપ્ટન બન્યા હતા. આ ઉપરાંત ફારુખ એન્જિનિયર, ઋષિ મોદી, ઋષિ સુરતી, પોલી ઉમરીગર વગેરે ભારતની ટીમ માટે રમ્યા હતા. આમ ભારતની વસતિનાં પારસીઓ માત્ર 0.0005 ટકા હોવા છતાં દેશ માટે કંઇ કેટકેટલા ક્ષેત્રે તેમની સેવા આપી છે. તમારા આ નિવેદન માટે જો પસ્તાવો થયો હોય અને નૈતિક હિંમત હોય તો પારસી સમાજની હિમ્મતપૂર્વક માફી માંગી લ્યો!
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
