રાજયમાં બાળકી ઉપર થતા દુષ્કર્મ સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આવા કેસો સામે કેન્દ્ર અને રાજય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અસરકારક કામગીરી કરી છે. જેના પરિણામે ગુજરાતમાં માત્ર એક જ માસના ટુંકા ગાળામાં પોકસોના ત્રણ કેસો ઉકેલી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવીને દેશને રાહ ચિંધ્યો છે. તેમ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
સુરતના પાંડેસરા ખાતે અઢી વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મ અને હત્યા સંદર્ભે ન્યાયતંત્ર દ્વારા જે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે તેને આવકારતાં સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન આપતાં કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પોકસો કેસ સંદર્ભે ઝીરો ટોલરન્સની નીતિથી કામગીરી કરવા વિવિધ રાજયોની ડી.જી.પી. કોન્ફરન્સ અને અન્ય બેઠકોમાં કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે. તે સંદર્ભે ગુજરાત સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી દેશમાં સરાહનીય કામ કર્યુ છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજયની મહિલાઓને વધુને વધુ સુરક્ષિત કરવા રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે આ સફળતા મળી છે. તેમણે મહિલાઓને વિશ્વાસ અપાવતા કહ્યું કે, ભવિષ્યમાં પણ આવા બનાવ ન બને તે માટે રાજય સરકાર હર હંમેશ ચિંતિત છે.
સંઘવીએ જણાવ્યું હતું કે સુરતના પાંડેસરા ખાતે અઢી વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ અને હત્યા કેસ ગુજરાત પોલીસ તેમજ તેની સાથે સંકળાયેલ એજન્સીઓ મેડિકલ ટીમ અને એફ.એસ.એલ.ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આવા જધન્ય ગુનાઓમાં ન્યાયતંત્ર દ્વારા પણ ખૂબ ત્વરીત ન્યાય આપીને ભારતના ન્યાયતંત્રમાં ખૂબ સારૂ ઉદાહરણ પુરૂ પાડયું છે. 4થી નવેમ્બરના રોજ અજાણ્યા વ્યક્તિ દ્વારા અઢી વર્ષની બાળકીનું અપહરણ થયાની ફરીયાદ નોંધાઇ હતી. બાળકી ગુમ થયાની ગંભીરતાને ધ્યાને લઇને સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનેથી મદદ મેળવી ૨૦૦ થી ૨૫૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ બનાવીને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગુનાની તપાસ દરમિયાન ગુનાવાળી જગ્યાની નજીકના સી.સી.ટી.વી. કેમેરાના આધારે પોલીસ ટીમ દ્વારા આ કેસના આરોપી ગુરૂકુમાર મધેશ યાદવની ધરપકડ કરી દિન -૩ ની કસ્ટડી રીમાન્ડ મેળવ્યા હતા. અને માત્ર પાંચ જ દિવસમાં એફ.એસ.એલ.નો રીપોર્ટ મેળવીને સાત દિવસની અંદર ૨૪૬ પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરાઇ હતી. ચાર્જશીટ થયાના માત્ર ૨૧ દિવસમાં કોર્ટ દ્વારા ટ્રાયલ પુર્ણ કરી કેસના આરોપીને દોષિત ઠેરવી, આરોપીને ફાસીની સજા તેમજ રૂા. ૨૦ લાખનો દંડ ફરમાવ્યો છે.
પોર્નોગ્રાફી ડાઉનલોડ કરી આપતી દુકાનો સામે પણ કડક પગલા લેવાશે
બાળકીઓ પર દુષ્ક્રર્મ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલા અંગે સંઘવીએ કહયું હતું કે આગામી સમયમાં આવા બનાવો ન બને તે માટે રાજય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને મહત્વનો એકશન પ્લાન અમલમાં મૂકવા જઈ રહી છે. રાજયમાં સુરત સહિત વિવિધ શહેરોમાં મોબાઇલની દુકાનો ઉપર મોબાઇલમાં પોર્નોગ્રાફી ડાઉનલોડ કરી આપવામાં આવતી હોય છે. તેવી દુકાનો ઉપર પોલીસ ચાપતી નજર રાખી અસરકારક કામગીરી કરશે. સાથે સાથે જનજાગૃતિ માટે હોડિગ્સ દ્વારા આવા કેસોમાં થયેલ સજા સંદર્ભે પણ પ્રચાર-પ્રસાર કરાશે જેનાથી આવા કૃત્યો કરનારા પણ ચેતી જશે.
ગેંગરેપના બનાવોમાં પણ સરકાર કડક હાથે કામ લેશે
વડોદરા રેપ કેસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહયું હતું કે ગેગરેપ કે રેપ જેવા બનાવો સામે રાજય સરકાર કડકમાં કડક હાથે કામગીરી કરી રહી છે અને કરશે જ આવા તત્વોને સાખી લેશું નહી. વડોદરા કેસની તપાસ માટે પણ ગુજરાત પોલીસના ચુંનદા અધિકારીઓની ટીમ બનાવી SIT ની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા વિવિધ સ્થળો સહિત CCTV ના ફુટેજ તેમજ અન્ય પુરાવાઓની તપાસ હાલ ચાલી રહી છે અને ટુંક સમયમાં જ આ કેસનો ઉકેલ આવી જશે એવો અમને વિશ્વાસ છે. અને ગુનેગારોને આપણે કડકમાં કડક સજા અપાવી શકીશું તેવો મને વિશ્વાસ છે