ભારત સરકારે આજે તા. 21 નવેમ્બર શુક્રવારે એક ઐતિહાસિક જાહેરનામું બહાર પાડીને ચાર નવો લેબર કોડ તાત્કાલિક અસરથી અમલમાં મુક્યો છે. આ નવા નિયમો વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને કામદારોની સલામતી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લે છે. આ સાથે જ જૂના 29 નિયમોને તાકીદની અસરથી રદ્દ કરાયા છે અને તેની જગ્યાએ ચાર સરળ અને આધુનિક કોડ લાગુ કરાયા છે.
દેશના શ્રમ ક્ષેત્રમાં મોટી સુધારણા તરફ આગળ વધતાં ભારત સરકારે 29 જૂના અને જટિલ શ્રમ કાયદાઓના સ્થાને ચાર નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કર્યા છે. સરકારનું માનવું છે કે આ સુધારો કામદારો અને ઉદ્યોગો બંને માટે લાભદાયક સાબિત થશે.
નવા કોડ આ મુજબ છે
- વેતન સંહિતા 2019
- ઔદ્યોગિક સંબંધો સંહિતા 2020
- સામાજિક સુરક્ષા સંહિતા 2020
- વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા 2020.
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ચારેય કોડ હવે દેશના મજૂર વર્ગ માટે નવા કાયદા રહેશે. તેમણે જણાવ્યું કે 1930થી 1950ની વચ્ચે બનેલા મોટા ભાગનાં જૂના કાયદા આજના યુગ માટે વધુ યોગ્ય નહોતા. ઉદ્યોગો અને કામદારો બંનેને નિયમો સમજવામાં મુશ્કેલી પડતી હતી. તેથી કેન્દ્ર સરકારે 29 અલગ-અલગ કાયદાઓના સ્થાને ચાર કોડ બનાવીને આખી પ્રણાલી સરળ અને પારદર્શક કરી છે.
શ્રમ મંત્રાલયે કહ્યું કે આ સુધારો ભારતના શ્રમ માળખાને નવી ટેકનોલોજી, આધુનિક ઉદ્યોગ અને બદલાતી અર્થવ્યવસ્થાની જરૂરિયાતો સાથે સંરેખિત કરે છે. નવા કોડ હેઠળ વેતન સંબંધિત નિયમો વધુ સરળ બનશે, સામાજિક સુરક્ષાના લાભો સ્પષ્ટ થશે અને ઔદ્યોગિક સંબંધોમાં વિવાદો ઓછા થશે. કામદારોના આરોગ્ય, સલામતી અને કાર્યસ્થળની પરિસ્થિતિઓ માટે પણ વધુ કડક અને સ્પષ્ટ નિયમો ઘડાયા છે.
સરકારનું કહેવું છે કે આ સુધારા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂત બનાવશે. આ નવી માળખું ઉદ્યોગોને વધુ અનુકૂળ વાતાવરણ આપશે અને કામદારોને વધુ સુરક્ષા અને સુવિધા મળશે.