National

મધ્યપ્રદેશમાં મંત્રીઓનો ઈન્કમટેક્સ નહીં ભરે સરકાર, 52 વર્ષ પછી મોહન યાદવે લીધો મોટો નિર્ણય

હવે મધ્યપ્રદેશમાં (MP) મંત્રીઓ (Ministers) પોતાનો ઈન્કમ ટેક્સ જાતે જ ભરશે. રાજધાની ભોપાલમાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે આ નિર્ણય લીધો હતો. અત્યાર સુધી રાજ્ય સરકાર મંત્રીઓનો આવકવેરો જમા કરતી હતી, પરંતુ સીએમ મોહન યાદવના આ નિર્ણય બાદ હવે મંત્રીઓ પોતે જ આવકવેરો ભરશે. સરકારે આ માટે 1972નો નિર્ણય બદલ્યો છે.

કેબિનેટની બેઠક બાદ બોલતા ડૉ.મોહન યાદવે કહ્યું હતું કે હવે તમામ મંત્રીઓ પોતાનો આવકવેરો વહન કરશે અને સરકાર પર તેનો કોઈ બોજ રહેશે નહીં. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 1972ના નિયમો અનુસાર મંત્રીઓ અને સંસદીય સચિવોનો પણ આવકવેરો ભરવાનો બોજ સરકાર પર હતો, પરંતુ હવે તમામ મંત્રીઓ જાતે જ આવકવેરો ભરશે.

સરકારના કરોડો રૂપિયાની બચત થશે
દર વર્ષે સરકાર દ્વારા મુખ્યમંત્રી અને મંત્રીઓના આવકવેરા ભરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. હવે આ નિર્ણય બાદ સરકારી ખાતામાં રકમ બચશે. નિર્ણય વિશે માહિતી આપતાં સીએમ મોહન યાદવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની પ્રગતિને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મોહન યાદવે કહ્યું કે હવે અમારા તમામ મંત્રીઓ પોતાનો આવકવેરો જાતે જ ભરશે.

એક અહેવાલ મુજબ રાજ્ય સરકારે વર્ષ 2023 થી 2024 માટે મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ સહિત 35 જનપ્રતિનિધિઓનો 79 લાખ રૂપિયાથી વધુનો આવકવેરો જમા કરાવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે મંત્રીઓના આવકવેરા પેટે લગભગ 3.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

Most Popular

To Top