Gujarat

સરકાર પાંચ કરોડના ખર્ચે ચોટીલામાં ઝવેરચંદ મેઘાણી સ્માકર મ્યુઝિયમ બનાવાશે: રૂપાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણી આજે કરવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, મેઘાણીના જન્મ સ્થળ ચોટિલામાં મેઘાણી સ્મારક – મ્યૂઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.

આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારંભમાં તેમણે કહયું હતું કે , મેઘાણી રચિત લોકસાહિત્ય, શૌર્ય રચના, ગદ્ય-પદ્ય, સાહિત્ય અને સ્વતંત્રતાના સંગ્રામમાં જન જુવાળ જગાવવાના મેઘાણીના પ્રદાનને આ મ્યુઝિયમના માધ્યમથી યુવાપેઢી આવનારી પેઢીમાં સદાકાળ જીવંત પ્રેરણારૂપ રાખવાનો આ પ્રયાસ મેઘાણીને યથોચિત ભાવાંજલી છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે દેશ આખો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના માર્ગદર્શન અને પ્રેરણા થી આઝાદીના ૭૫મા વર્ષની આઝાદીના અમૃત મહોત્સવ તરીકે જન ઉમંગથી ઉજવણી કરી રહ્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીનો અવસર બંનેનો સુભગ સમન્વય જન-જનમાં નવી રાષ્ટ્રીય ચેતના, સ્ફુરણા પ્રેરિત કરશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આઝાદી મેળવવા જે શહીદો જે બલિદાન આપ્યા તેમના માં ભારતી ને વિશ્વ ગુરુ બનાવવાના સપના સાકાર થાય, આવા વીરોની છલોછલ રાષ્ટ્રભક્તિ અને મેઘાણીની સાહિત્ય શૌર્ય રચનાઓ આજની પેઢીને દેશ માટે સમર્પિત થવાની પ્રેરણા આપે તે માટે આખું વર્ષ “કસુંબલ રંગે”ના અનેક કાર્યક્રમો યોજાશે. આઝાદીના સો વર્ષ ઉજવીએ ત્યારે, મા ભારતી મહાસત્તા હોય, શક્તિશાળી, આત્મનિર્ભર હોય, વિશ્વ ગુરૂ હોય એ સંકલ્પોને સિદ્ધ કરવાની ચેતના ઉજાગર કરવામાં આ અમૃત મહોત્સવ અને મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી બંને આપણા માટે નવી દિશા ચિંધનારા બન્યા છે.

ઝવેરચંદ મેઘાણીને પત્રકાર, લોક સાહિત્યકાર, નેસડા, ગામડા ખૂંદી વળીને ઇતિહાસ બહાર લાવનાર સાહિત્ય સર્જક ગણાવતા તેમણે કહયું હતું કે તેમના સાહિત્ય સહિત ગુજરાતી સાહિત્યને દેશ ના સીમાડા ઓળંગી વિશ્વમાં જન જન સુધી પહોંચાડવાની આપણી પ્રતિબદ્ધતા જ એમને સાચી શ્રદ્ધાંજલિ લેખાશે. રૂપાણીએ ગાંધીનગરમાં નિર્માણ થનારા ગુજરાત સાહિત્ય અકાદમીના ભવન મેઘાણી સાહિત્ય ભવનનું ઇ- ખાત મુહુર્ત કરવા સાથે મેઘાણી જીવન-કવન ની વેબસાઈટ લોન્ચ કર્યા હતા.

સાહિત્ય એવોર્ડસ એનાયત થયા

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં મધુરાય (મધુસૂદન ઠાકર), હિન્દી સાહિત્ય અકાદમીમાં ઉજમભાઇ પટેલ અને ડૉ. અંજના સંધીર, સિંધી સાહિત્ય અકાદમીમાં છતો થધોમલ જ્ઞાન ચંદાણી અને મનોહર નિહાલાણી અને કચ્છી સાહિત્ય અકાદમીમાં કાનજી મહેશ્વરી રીખિયો અને રમેશ ભટ્ટ રશ્મિને એનાયત કરવામાં આવ્યો છે.

યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રશાંત પટેલ અને રિન્કુ રાઠોડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં રાજવી ઓઝા અને સિંધી સાહિત્ય અકાદમીમાં નયના સુરેશકુમાર રાવલાણી તથા નિશા ચાવલાને એનાયત કરવામાં આવ્યો છે. તેમજ વેદ- શાસ્ત્ર પંડિત સન્માન સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં ગોવિંદભાઇ એન ત્રિવેદી (ઋગ્વેદ) અને જયદેવ અરુણોદય જાની (શુક્લ યજર્વેદ) માટે અર્પણ કરવામાં આવ્યો છે

Most Popular

To Top