Dakshin Gujarat

સરકાર ધ્યાન આપે, કમોસમી વરસાદના કારણે સુરતમાં 11000 એકર જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન

સુરત: હાલમાં જ થયેલા ભારે વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા સરવે કરવામાં આવતા આશરે ૧૧૦૦૦ એકર જમીનમાં ખેડૂતોના પાકોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજી સુધી સરકાર દ્વારા ખેડૂતોને નુકસાન વળતર ચૂકવવા માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા ડાંગરનો પાક પકવવામાં આવે છે તથા મોટે ભાગે સહકારી મંડળીઓ મારફત ખેડૂતો તૈયાર ડાંગરના પાકનું વેચાણ કરતાં હોય છે. હાલમાં ભારે પવન સાથેના કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક પલળી ગયો હતો.

ખેડૂતો દ્વારા આ ડાંગરનો પાક જે તે સહકારી મંડળીઓમાં આપવામાં આવ્યો છે, તે સહકારી મંડળીઓને આ પલળેલો ડાંગરનો પાક વેચાણ કરવામાં ઘણી તકલીફ થઈ રહી છે. જેથી સહકારી મંડળીઓને ખેડૂતોને તેમના પાકનું મૂલ્ય ચૂકવવામાં તકલીફ થઈ રહી છે. મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતો તેમની પર આશા રાખીને બેઠા છે.

આજે બારડોલીમાં કૃષિ કલ્યાણ અને સહકારી વિભાગના કાર્યક્રમમાં આવી રહેલા મુખ્યમંત્રી સત્વરે નુકસાન વળતરની જાહેરાત કરે: દર્શન નાયકનો મુખ્યમંત્રીને પત્ર
તા.૧૨ /૦૬/૨૦૨૫ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કૃષિ કલ્યાણ અને સહકારી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે ત્યારે સહકારી આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને ઈમેલ કરી સુરત જિલ્લામાં અતિવૃષ્ટિમાં નુકસાન પામેલા ડાંગર અને શાકભાજીના પાકોનું વળતર અને ભાવ આપવા મુખ્યમંત્રીને રજૂઆત મોકલી છે.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતોના હિતમાં અસરગ્રસ્ત ખેડૂતોને માટે નુકસાન વળતરની જાહેરાત મુખ્યમંત્રીએ કરવી જોઈએ. આપ સુરત પધારી રહ્યા છો ત્યારે ખેડૂતોના હિતમાં સહકારી મંડળીઓનું અસ્તિત્વ ટકી રહે એ માટે સહકારી મંડળી માટે ખાસ કિસ્સામાં સહાય ચૂકવવાની જાહેરાત કરતાં જજો કે જેથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ સહકારી મંડળી ચૂકવવા માટે સક્ષમ બની રહે.

કાકરાપાર જમણા-ડાબા કાંઠાની મુખ્ય નહેર રિપેરિંગ પાછળ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગ
દર્શન નાયકે વધુમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં સિંચાઈનું પાણી ખેડૂતોને પહોંચાડવા માટે કાકરાપાર જમણા કાંઠા અને કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેરને સમયની જરૂરિયાતની સાથે સિચાઈની પાણીની માંગ વધતાં તેને પૂરી કરવા માટે સરકાર દ્વારા લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરી સિમેન્ટ કોંક્રેટ વાળી મજબૂત બનાવવા આવી છે. પરંતુ આ કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

મુખ્ય નહેરમાં આશરે ૫૦ જેટલા સ્ટ્રક્ચરનું રિપેરિંગ કરવામાં આવ્યું ન હોવાને કારણે આ સ્ટ્રકચરો ૩૫૦૦ ક્યુસેક પર પાણીના વહેણને વહન કરવાની ક્ષમતા રહી નથી. જેથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આ નહેરો વારંવાર તૂટવાના બનાવો બની રહ્યા છે.

પાવર ગ્રીડ કોર્પોરેશનની વીજલાઇન માટે વળતરની રકમ વધારવા માંગ
પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765kv, 440kv, 400kv જેવી મહાકાઈ લાઈન ટેલિગ્રામ એક્ટ તથા ઇલેક્ટ્રિસિટી એક્ટનો દૂરુપયોગ કરી પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતોના ખેતરમાંથી જબરજસ્તી નાંખવામાં આવી રહી છે, તે બંધ થવું જોઈએ તેમજ આ કામગીરીમાં બિલ્ડિંગ કંટ્રોલલાઈન આશરે 68 મીટર જેટલી જગ્યા છોડવામાં આવી રહેલી છે. જેના કારણે ખેડૂતોની મહામૂલી જમીન વેડફાઈ રહી છે તેમજ ખેડૂતોના ખેતર માંથી જે વીજ રેખાઓ પસાર થાય છે તેના વળતર રૂપે બજાર કિંમત નાં 30% રકમ ચુકવવામાં આવે છે. આ રકમ ઘણી ઓછી છે. જેથી સરકારે ટ્રાન્સમિશન લાઈન નાખવી હોય તો ટેલિગ્રામ એક્ટ, ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ નહીં પરંતુ જમીન સંપાદન કરી લાઈન નાંખવી જોઈએ.

માંડવી સુગરને ફરી સહકારી ધોરણે શરૂ કરો
માંડવી સહકારી સુગર મીલ સાથે હિત ધરાવતા આશરે ૬૧૦૦૦ કરતા વધુ ખેડૂત સભાસદો અને ફરજ બજાવતા કર્મચારીઓની સ્થિત વિકટ બનવા પામી છે. માંડવી સુગરની જમીન / મિલ્કત જૂનાર સુગરને હરાજીથી વેચાણ કરી છે, જેમાં જમીન / મિલ્કતની વેલ્યુએશનને લઇને શરત ચૂક કરેલી છે. કારણ કે માંડવી સુગરને તેની મૂળ વેલ્યૂએશન કિંમત કરતાં ઓછી કિમંતે વેચાણ કરવામાં આવેલૂ છે.

ખાંડ નિયામક દ્વારા પણ જે તે સમયે ફડચાની કાર્યવાહી ન કરી જૂનાર સુગરને માંડવી સુગરની મિલકત /જમીન વેચાણ થાય તેમાં જ રસ દાખવી ખાંડ નિયામક દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવેલી છે તથા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી (સહકારી માડળીઓ) એ પણ તમામ પ્રક્રિયામાં ભૂંડી ભૂમિકા ભજવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે. આ બાબતે તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ વિગત વાર રજૂઆત કરવામાં આવી હતી. માંડવી સુગર ફરી સહકારી ધોરણે શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરશો એવી ખેડૂતો આશા રાખીને બેઠા છીએ.

સુમુલ ડેરીના વર્તમાન ચેરમેને વાઇસ ચેરમેન સામે કરેલી ફરિયાદની ઝડપથી તપાસ પૂર્ણ કરાવવા માંગ
દર્શન નાયકે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન માનસિંહ પટેલે વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક સામે અઢી વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી જે ગેરરીતિના આક્ષેપો કર્યા હતા. એની તપાસ અઢી વર્ષે પણ પૂર્ણ થઈ નથી. પત્ર દ્વારા માનસિંહ પટેલ દ્વારા જણાવવામાં આવેલ હતું કે સુમુલ ડેરીના તત્કાલીન બોર્ડ દ્વારા રૂ. ૧૦૦૦ કરોડની લોન લઈ સંસ્થા ઉપર ભારણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીને આ અંગે તા.૧૩/૦૬/૨૦૨૩ ના રોજ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજે પણ ગુજરાત સરકારના સહકાર વિભાગના જુદા જુદા વિભાગો અને કચેરીઓ દ્વારા અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે તપાસ પૂર્ણ કરવામાં આવી નથી. સુમુલ ડેરીમાં થયેલા ૧૦૦૦ કરોડના કૌભાંડની તપાસ પૂર્ણ કરાવી જવાબદાર સામે તત્કાલ કાર્યવાહી થવી જોઈએ.

Most Popular

To Top