Gujarat

રાજ્ય સરકારની 1650 કરોડની નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજના હેઠળ દિકરીઓને સહાયનો આરંભ

ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકાર (Government) દ્વારા બે મહત્વની યોજનાઓનું અમલીકરણ શરૂ કરી દેવાયું છે. જેમાં ૧૬૫૦ કરોડની બે યોજનાઓમાં નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજનાનો સમાવેશ થાય છે. આ બંને યોજનાઓ દીકરીઓના શિક્ષણ સાથે સંબંધિત છે અને તેમને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે.

નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવાને લઈ નોટિફિકેશન જારી કરી દેવાયું છે. તેમાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનીઓના માતાના એકાઉન્ટમાં સ્કોલરશિપ જમા થશે. સ્કોલરશીપ પોર્ટલ શરૂ થાય તે પહેલા 10 દિવસની અંદર વિદ્યાર્થીનીઓના ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા શાળાઓને સૂચના અપાઈ છે. બંને યોજનાઓની જાણ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. યોજના માટેનું પોર્ટલ શરુ થાય ત્યારે આપી દેવાઈ છે.

ધો-૯થી ૧૨ની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત રૂા.50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે. આ યોજનાથી ધોરણ 9 થી 12માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે. નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ 2024-25માં અંદાજિત રૂા.૧250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25 માં અંદાજિત રૂા.400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સીધી બેન્ક એકાઉન્ટમાં આ સહાય ટ્રાન્સફર કરાશે
નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના કારણે દર વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને સીધા DBT (Direct Beneficiary Transfer)થી નાણાકીય સહાયનો લાભ મળશે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના શુભારંભની સાથે-સાથે જ્ઞાનસેતુ મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનસાધના મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સ હેઠળ 60,000થી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત ₹61 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવશે.

Most Popular

To Top