ગાંધીનગર: (Gandhinagar) દેશમાં 19 એપ્રિલથી લોકસભા ચૂંટણી (Election) યોજાવા જઈ રહી છે. કુલ 7 તબક્કામાં ચૂંટણી યોજાશે જેમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન (Voting) થશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટી વિભાગે 7 મે એટલે કે મતદાનનાં દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરી છે.
- લોકસભાની ચૂંટણીને લઈ સરકારની મહત્વની જાહેરાત
- સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
- મતદાનના દિવસ 7 મેના રોજ ગુજરાતમાં રહેશે જાહેર રજા
દેશમાં વિવિધ 7 તબક્કાઓમાં સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં કામગીરી કરનાર સ્ટાફની ટ્રેનિંગ અને મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. 7 મે ના રોજ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવામાં લોકો મતદાન મથક સુધી પહોંચી શકે અને મતદાન કરી શકે તે માટે લોકસભાની ચૂંટણીનાં દિવસે ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે ચુંટણીનો પહેલો તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે. કુલ 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા વૃદ્ધો અને વિકલાંગો માટે તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકો આ લોકશાહીના પર્વમાં જોડાય અને વધુમાં વધુ મતદાન કરે તે માટે રજાની જાહેરાત કરવામાં આવી છે.