Comments

સરકારી શિક્ષણ તંત્ર, સરકારનું મૂલ્યાંકન : પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વ્યાપક વ્યૂહરચનાના ભાગ રૂપે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના શિક્ષણજગતમાં ગુણોત્સવ લાવ્યા હતા. વર્ષોથી સરકારી શિક્ષણવ્યવસ્થા માટે પ્રજાને ફરિયાદ હતી એટલે સરકારે જ્યારે પહેલી વાર જાહેર કર્યું કે સરકારી શાળાઓનું સરકારના પ્રધાનો, અધિકારીઓ મૂલ્યાંકન કરશે ત્યારે પ્રજાને મજા પડી કે”હાશ હવે જુવો મજા.”આ જ ગાળામાં ઉચ્ચ શિક્ષણમાં યુજીસી એ કોલેજો માટે નેક ક્રેડીટેશન શરૂ કર્યું હતું જે એક સ્વતંત્ર સંસ્થા મૂલ્યાંકન કરવાની હતી. જ્યારે અહીં સરકાર પોતે જ પોતાનું મૂલ્યાંકન કરવાની હતી. આમ છતાં ગુજરાતમાં મોદી શાસનમાં જે બાબતો શરૂ થઇ તે પ્રાથમિક તબક્કે સ્વીકૃત થઇ કારણ કે તે નવો પ્રયોગ હતો અને દરેક બાબતમાં મોદીજીની અસર દેખાતી.હવે તેમના વડા પ્રધાન થાય પછી બધું જ જાણે કે કર્મકાંડ માત્ર બની ગયું છે.ક્યાંય મોદીવાળી અસર દેખાતી નથી. પછી એ કાંકરિયા કાર્નિવલ હોય કે શાળાઓનો ગુણોત્સવ હોય.

 સમાજવિદ્યાઓમાં કહેવાય છે કે તમારે કોઈ સમાજનું મૂલ્યાંકન કરવું હોય તો તેના જીવન માટેના માપદંડો તપાસો. માપદંડો જોઈને જ ખબર પડી જાય કે આ સમાજ કેવો હશે. એમ મૂલ્યાંકનની વ્યવસ્થા તપાસો ત્યાં જ ખબર પડી જાય કે મૂલ્યાંકન કેવું હશે? સરકાર આજે જ્યારે ગુજરાતમાં સરકારી શિક્ષણ વ્યવસ્થાનો અનુભવ કરીએ છીએ ત્યારે કેટલાક સ્વાભાવિક પ્રશ્નો થાય કે શું સરકારે સુપ્રીમ કોર્ટે આપેલાં સૂચનો અમલમાં મૂક્યાં છે? છેલ્લાં વર્ષોમાં શાળાઓનાં શિક્ષકોને ચૂંટણીની કામગીરી, પોલિયોની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી, સરકારી મેળાવડામાં હાજર રહેવાની કામગીરીમાંથી મુક્તિ આપી છે?

ના, ઉલટાનું અત્યારે તો શિક્ષકોને ગામમાં શૌચાલય છે કે નહિ તે ગણવાની વધારાની કામગીરી પણ આવી ગઈ છે.હમણાં હમણાં ધર્મસ્થાનમાં પીરસવાની જવાબદારીનો હુકમ પણ થયો જે વ્યાપક હોબાળા બાદ રદ થયો. વળી આપણી સમાજવ્યવસ્થાની અસર પણ મોટી છે. હવે ખાનગીકરણના યુગમાં સરકારી શાળાઓમાં કોઈ પોતાનાં બાળકોને મૂકવાં જ નથી માંગતું. મોટા ભાગનાં મધ્યમ વર્ગનાં બાળકો ખાનગી સ્કૂલોમાં ભણે છે. એમાંય ગુજરાતમાં તો ઈંગ્લીશ મીડીયમનું ગાંડપણ જે રીતે વળગ્યું છે તે રીતે જોતાં હાલ ગુજરાતનાં મધ્યમ વર્ગીય પરિવારોનાં મોટા ભાગનાં બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતાં જ નથી તો સરકારના નિયમો કે ગુણોત્સવ કુલ ૨૫% સ્કૂલોને પણ લાગુ પડતો નથી.

સરકારે ખરેખર મૂલ્યાંકન કરવું હોય તો, આખી શિક્ષણવ્યવસ્થાનું કરવું જોઈએ. આપણું શિક્ષણ ખાડે ગયું છે કારણ કે તે સરકારી બાબુઓ દ્વારા ચાલે છે. ભૌતિક રીતે તે સ્કૂલ રિક્ષાવાળા ચલાવે છે અને શિક્ષણની રીતે તે ગાઈડવાળા ચલાવે છે. જે ખોટ બાકી છે તે ટ્યુશન ક્લાસીસવાળા ચલાવે છે. સરકાર તો માત્ર ઉત્સવનું આશ્વાસન જ લે છે. સરકારે તો ખરેખર આ ખાનગી શાળાઓનું, કોલેજોનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. કોની પાસે રમતનાં મેદાન છે? કોની પાસે પ્રયોગશાળા છે? લાયબ્રેરી કેવી છે? શિક્ષકો યોગ્યતાવાળાં છે કે કેમ? અને તેમને પૂરતો પગાર આપવામાં આવે છે કે કેમ? આપણે ત્યાં હમણાંથી શાળા કોલેજો જ્યારે મંજૂરી માંગે ત્યારે તપાસ કરવાની પ્રથા છે પણ એક વાર મંજૂરી મળે પછી આ શાળા કોલેજોની સામે પણ જોવામાં આવતું નથી.

માત્ર સરકાર જ શા માટે, આપણે પ્રજા તરીકે પણ જોતાં નથી કે આ શાળામાં મારું બાળક ભણે છે તો આ શાળા બરાબર કામ કરે છે કે નહિ? એ હું પણ તપાસ રાખું. ગુજરાત સરકાર એક કર્મકાંડની જેમ શાળાઓમાં સરકારી અધિકારીઓ દ્વારા ગુણોત્સવ કરતા હોય છે ત્યારે આ મૂલ્યાંકન કરનારાઓએ પણ આત્મચિંતન કરવા જેવું છે. શું કાયમ આદર્શોના બધા ઘંટ શિક્ષકોના ગળે જ બાંધવાના? મૂલ્યાંકન માત્ર શિક્ષકોનું જ, પરીક્ષાઓ માત્ર શિક્ષકોએ જ આપવાની? ક્યારેય આપણા વહીવટનું મૂલ્યાંકન કરવાનું કે નહિ? આ અધિકારીઓ જે નિર્ણયો લે છે તેનું મૂલ્યાંકન કરવાનું કે નહિ?

સરકારનું મૂલ્યાંકન ક્યારે? માત્ર પાંચ વર્ષે ચૂંટણી આવે ત્યારે? ના, લોકશાહીમાં આ પ્રક્રિયા સતત ચાલવી જોઈએ અને આ માટે પ્રજાએ પણ જાગૃતિ બતાવવી પડશે. આજે જ્યારે સોશ્યલ મિડિયાનો વ્યાપક ઉપયોગ થાય છે ત્યારે આપણે આપણી આજુબાજુની ઓફિસો અને સ્કૂલોમાં થતી કામગીરીનું નિરીક્ષણ કરી તેના પુરાવા રેકોર્ડ કરી શકીએ છીએ. આ હવે જરૂરી છે. બાકી સરકારી કોઈ મૂલ્યાંકન વિશ્વાસપાત્ર ના બને. શિક્ષણ ખાસ તો સરકારી શિક્ષણ એ મૂળભૂત પ્રશ્નોમાં અટવાયેલું છે. આ એક ક્ષેત્ર એવું છે જ્યાં સત્તા પક્ષ, વિપક્ષ, પ્રજા બધા જ જવાબદાર છે. શું ભણાવાય છે? કેવું ભણાવાય છે? કોણ ભણાવે છે? આ પાયાના પ્રશ્નો તરફ કોઈનું ધ્યાન નથી, માટે અત્યારે તો એટલું જ કે માર્કશીટમાંથી નથી મળતા સમજદારીના પુરાવાઓ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top