Editorial

સરકારી તબીબો શારીરિક શ્રમ સહન કરી શકે પરંતુ માનસિક નહીં

જ્યારથી કોરોનાકાળ શરૂ થયો છે ત્યારથી જો કોઇની સૌથી વધારે જવાબદારી વધી હોય તો તે છે તબીબ. તબીબની વાત કરીએ તેમાં પણ ખાનગી કરતાં સરકારી તબીબોની હાલત છેલ્લા દોઢ વર્ષથી સૌથી કપરી થઇ પડી  છે. રાજ્યની અનેક સરકારી હોસ્પિટલના તબીબોના એવા દાખલા જોવા મળ્યાં છે કે, કોરોનાકાળમાં તેઓ દિવસો સુધી તેમના સ્વજનના મોંઢા પણ જોઇ શક્યા સુદ્ધા નથી. નાના ગામથી માંડીને મહાનગરો સુધી સરકારી  દવાખાના કે હોસ્પિટલમાં કામ કરતાં તબીબોનો એક જ ધ્યેય હતો કે, કોરોનાના દર્દીને કોઇ પણ રીતે હસતો રમતો પાછો ઘરે મોકલવો.

પરંતુ કોરોનાકાળમાં ગુજરાતની સરકારી હોસ્પિટલ્સમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું  એ સ્વિકારવું પડે તેમ જ છે. ગુજરાતના આરોગ્ય વિભાગમાં હંમેશા હસતો રહેતો આઇએએસ અધિકારીનો ચહેરો અચાનક જ મુરઝાઇ ગયો હતો અને આ ચહેરો હતો ડો. જયંતિ રવિનો. ગુજરાતના મુખ્ય આરોગ્ય સચિવ  ડો. જયંતિ રવિની અચાકન જ તામિલનાડુમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી તે સમયે જ પ્રજાએ સમજી જવું હતું કે, જો બધુ જ બરાબર હોત તો તેમને ખસેડવામાં આવ્યા નહીં હોત. આખું ગુજરાત જાણે છે કે, કોરોનાની  પહેલી લહેરમાં ડો. જયંતિ રવિ સતત 17 થી 18 કલાક કામ કરતાં હતાં અને અન્ય શહેરોમાં જઇને પણ તેમણે કામગીરી કરી હતી. પરંતુ તેમની બદલી થઇ ત્યારે જ કેટલાક નિષ્ઠાવાન તબીબો સમસમી ગયા હતાં.

પરંતુ  હવે જ્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલ્સમાં એક પછી એક સીનિયર તબીબોના રાજીનામા પડી રહ્યાં છે તેના કારણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ અઠવાડિયામાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેડન્ટ ડો. જે.વી.મોદી, બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો. બિપીન અમીન અને એનેસ્થેસિયા વિભાગના હેડ ડો. શૈલેષ શાહે રાજીનામા આપી દીધા છે. જો હજી ડો. શૈલેષ શાહનું રાજીનામુ મંજૂર થયું નથી. જાણકારો તો એવું પણ જણાવે છે કે, હજી વધારે તબીબોના રાજીનામા પડી શકે છે.

રાજીનામા આપનાર તબીબો ભલે અંગત કારણ આપતાં હોય પરંતુ એક સાથે ઊંચી પોસ્ટ ધરાવતા સરકારી તબીબોને એક સાથે કૌટુંબિક કારણસર રાજીનામા આપવા પડે તે વાત કોઇ જ માનવા તૈયાર નથી.બીજી તરફ રાજીનામુ આપ્યા ડૉ. જે. વી. મોદી મીડિયા સમક્ષ ખુલીને સામે આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અમારી રજુઆતો સાંભળવામાં આવતી ન હતી એટલે મારૂં મન ઊઠી ગયું હતું. પાનના ગલ્લાવાળો  અમારી ફરિયાદો કરે તો સાંભળી લેવામાં આવતી હતી. પાનના ગલ્લાવાળાનું સંભાળવામાં આવતું હતું પરંતુ અમારૂં કોઈ સાંભળવા માટે તૈયાર હતું નહી. જેથી મારૂં મન ઊઠી ગયું હતું. ડો.રજનીશ પટેલે જણાવ્યું હતું કે, તબીબો શારીરિક શ્રમ ઝીલી શકે પરંતુ માનસિક ત્રાસ કોઈનો ના ઝીલી શકે.

કોરોના મહામારીમાં અનેકના જીવ બચાવનાર તબીબો શારીરિક રીતે નહી માનસિક રીતે થાક્યા છે. જે  રાજીનામા પડયા છે તે કોઇ સામાન્ય તબીબ નથી પરંતુ તમામ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. આટલા બધા વિભાગના વડાઓ રાજીનામાએ દુ:ખદ છે તે દરેકે સમજવાની જરૂર છે. કોરોનામાં હજારો લોકોને બચાવનારને  રાજીનામા આપવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. તો સિવિલને વર્ષો સુધી ચલાવનાર પૂર્વ સુપ્રીટેન્ડન્ટ ડો. એમ. એમ. પ્રભાકર આ મુદ્દે ખૂલીને બહાર આવ્યા છે. પ્રભાકરે જણાવ્યું કે, રાજીનામા આપનાર ડોકટર ભલે કહેતા હોય કે અંગત કારણોસર રાજીનામા આપ્યા પરંતુ  એવું ના હોય શકે. 

તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ રાજીનામા પડયા છે. કેટલાક ડોકટરોને કામનું ભારણ હતું અને બિનટેકનિકલ માણસોના પ્રેશરથી હેરાન હતા. કોરોનામાં આ જ ડોક્ટરોએ સેવાઓ આપી  છે, તેવા ડોકટરો ઉપર પ્રેશર વધુ હતું. ટેકનિકલ માણસો ડોક્ટરોને સ્વતંત્ર રીતે કામ ન કરવા દે તેને લઈ દુ:ખી છે. ડોક્ટરોને પોતાની રીતે કામ કરવા મળતું નથી. ગુજરાતના આરોગ્ય વિભાગમાં આવું ત્યારે થઇ રહ્યું છે જ્યારે ત્રીજી લહેર આપણા ઉંબરા પર આવીને ઉભી રહી ગઇ છે. ચાર ટોચના સરકારી તબીબોએ રાજીનામા આપી દીધા છે અને સરકાર ભલે આ બાબતે ગંભીર નથી પરંતુ, એક વાત ખાસ જાણી લેવી જોઇએ કે, આ તબીબોને કોરોનાની પહેલી અને બીજી બંને લહેરનો અનુભવ છે.

કોરોનામાં દવા, ઇન્જેક્શન, વેન્ટિલેટર, ઓક્સિજન, બાયપેપ સહિતની ચીજ વસ્તુઓની ક્યારે અને કેટલી જરૂર પડશે તેની તેમની પાસે જાણકારી છે. કોરોનામાં ગંભીર દર્દીઓથી ઉભરાતી સરકારી હોસ્પિટલનું સંચાલન કેવી રીતે કરવું તેની સૂઝબૂઝ આ રાજીનામા આપનારા તમામ તબીબો પાસે છે. અને જો ત્રીજી લહેર આવશે તો અનુભવ વગરના ટીમ લિડરના કારણે ગુજરાતના દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ તબીબોએ હાલની સ્થિતિમાં વધુ પડતાં શ્રમને કારણે નહીં પરંતુ અપમાનના ઘૂંટડાઓને કારણે રાજીનામા આપ્યા છે. કોરોનાકાળમાં 24 કલાક ફરજ બજાવનારા આ તબીબોને ભલે સન્માન નહીં મળે. તેઓ સન્માન માટે નહીં પરંતુ તેમની ફરજ સમજીને કામ કરી રહ્યાં હતાં પરંતુ અપમાન થાય તે તો કોઇકાળે ચલાવી શકાય નહીં એટલે સરકારે આ તમામના રાજીનામાને ગંભીરતાથી લઇને દખલગીરી કરવી જોઇએ.

Most Popular

To Top