આખરે જેનો ડર હતું તે જ થયું. સરકારી તંત્રોની લાંચીયા નીતિને કારણે સુરતના સચિનમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાલી થયું અને છ શ્રમજીવીઓએ તેમના જીવ ગુમાવ્યા. જેમ જેમ ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે તેમ તેમ તેના જમાની સાથે ઉધાર પાસા પણ બહાર આવી રહ્યાં છે. અનેક એકમો એવા છે કે જેના માલિકોએ કમાવવું તો છે પરંતુ સામે ખર્ચો કરવો નથી. છેક દ.ગુ.ના વાપીથી શરૂ કરીને અંકલેશ્વર, પાનોલીથી માંડીને ગુજરાતના અનેક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને કેમિકલ એકમો, ફાર્મા એકમોનો તો રાફડો ફાટ્યો છે. આ કેમિકલ એકમોમાં ઉત્પાદન થયા બાદ તેમાં કેમિકલ વેસ્ટ નીકળે છે. નિયમ પ્રમાણે કેમિકલ એકમોમાં કેમિકલ વેસ્ટને પ્રોસેસ કરવાનું હોય છે.
તેની ઝેરી અસર દૂર કરવામાં માટે તેને ઈફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવાનું હોય છે અને બાદમાં શુદ્ધ થયેલા પાણીનો નિકાલ કરવાનો હોય છે. વેસ્ટનો નિકાલ કરવા માટે પણ મોટો ખર્ચ કરવાનો હોય છે. જેને કારણે આ મોટો ખર્ચ બચાવવા માટે જે તે કેમિકલ એકમો દ્વારા પોતાના કેમિકલ વેસ્ટને ઓછા નાણાં ચૂકવીને તેનો નિકાલ કરવા માટે આપી દેવામાં આવે છે. અહીંથી કૌભાંડની શરૂઆત થાય છે. કેમિકલ વેસ્ટ લઈ લેનાર તેને ગમે ત્યાં જગ્યા મળે ત્યાં તેનો નિકાલ કરી દે છે. સરવાળે વન્યજીવનનું નિકંદન નીકળી જાય છે અને પ્રદૂષણનો વ્યાપ વધે છે.
સુરત અને તેના ફરતેના વિસ્તારોની સાથે અનેક ઔદ્યોગિક વિસ્તારોમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે એક રીતસરનું કૌભાંડ જ ચાલી રહ્યું છે. કેમિકલ વેસ્ટ માફિયા પ્રોસેસ કરવાના નામે કેમિકલ વેસ્ટ ખરીદી લે છે અને તેનો બારોબાર નિકાલ કરી દે છે. સુરતની ફરતેના સચીન આસપાસના વિસ્તારોમાં ભૂતકાળમાં આવા અનેક એકમો કાર્યરત હતા. જેનો ભોપાળા બહાર આવી ગયા બાદ આ એકમોને તાળા પણ મારી દેવામાં આવ્યા છે. પરંતુ આ કૌભાંડ અટક્યું નથી. એક માફિયા બંધ થઈ જાય છે તો અનેક પોતાના કારોબાર શરૂ કરી દે છે. એવું નથી કે આ રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ થઈ રહ્યો છે તેની કોઈને ખબર નથી. તમામને ખબર છે પરંતુ તેઓ નાણાંની કોથળીઓ મળી જતાં આંખ આડા કાન કરે છે. ભ્રષ્ટાચારની એક મોટી ચેઈન આમાં ચાલે છે અને કેમિકલ વેસ્ટના માફિયાઓ બિન્ધાસ્ત રીતે પોતાના કેમિકલનો નિકાલ કરે છે. ભૂતકાળમાં આ રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ કરવાને કારણે સુરતમાં ગાયોના મોત થયાની ઘટનાઓ પણ બહાર આવી છે.
અનેક કેમિકલ એકમો એવા છે કે જેઓ જે તે ખાડી કે નદીની પાસે જ જમીન ખરીદી ત્યાં જ પોતાનો પ્લાન્ટ સ્થાપે છે અને બારોબાર કેમિકલ વેસ્ટનો ખાડી કે નદીમાં નિકાલ કરી દે છે. આને કારણે નદી કે ખાડીઓમાં માછલાઓના મોત થવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. જે તે સમયે વિવાદ થાય છે, તંત્ર દોડે છે અને નામ માત્રના ગુનાઓ નોંધીને કાર્યવાહી કરવાનો સંતોષ માની લે છે. પરંતુ આ વખતે મોટી ઘટના બની છે. બારોબાર કેમિકલ વેસ્ટમાં છ મજૂરોનો જીવ લેવાઈ ગયો છે. ઘટનાને સમજવામાં આવે તો તેમાં કરૂણતા વધારે છે અને આ મજૂરોના મોત પર જાણે કેમિકલ વેસ્ટના માફિયા નાણાંના જોરે અટ્ટહાસ્ય કરતાં હોય તેવી સ્થિતિ છે.
છ-છ મજૂરોના મોત બાદ પણ સરકારની સંવેદનશીલતા જાગી નથી. સરકારે જવાબદારોને પકડવાના પ્રયાસો કરી ધરપકડો જરૂર કરી છે પરંતુ આ ઘટના ફરી નહીં બને તે માટેના ચોક્કસ અને નક્કર પગલાઓ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. તંત્રને આ અટકાવવામાં સ્હેજેય રસ નથી. આ લાંબો સમય નહીં ચાલે. વિદેશોમાં આ રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ કરનારને દેહાંતદંડ સુધીની સજા પણ કરવામાં આવે છે. સરકારે હવે સમજવું પડશે અને આ રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ નહીં થાય તે માટે જડબેસલાક પ્લાન બનાવવો પડશે અને હા, સાથે એ એટલું જરૂરી છે કે આ પ્લાનનો અમલ કરવા માટે પ્રમાણિક અધિકારીઓ મુકવા પડશે તો જ મોતના આ તાંડવો અટકશે તે નક્કી છે.