National

હનુમાન જયંતિને લઈને સરકાર એલર્ટ, ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હી: રામ નવમીના (Ram Navami) અવસર પર અનેક રાજ્યોમાં હિંસા (Violence) બાદ કેન્દ્ર સરકાર (Central Government) એલર્ટ (Alert) મોડમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે હનુમાન જયંતિને (Hanuman Jayanti) લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને હનુમાન જયંતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા જણાવ્યું છે. જણાવી દઈએ કે આવતીકાલે 6 એપ્રિલે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયના કાર્યાલયે ટ્વિટ કર્યું
ગૃહ મંત્રાલયના કાર્યાલયે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે “ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા જાળવવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા અને સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ પર તકેદારી રાખવા જણાવ્યું છે.” તો બીજી તરફ કોલકાતા હાઈકોર્ટે પણ મંગળવારે બંગાળ સરકારને આ અંગે સૂચનાઓ આપી હતી. હાઈકોર્ટે કહ્યું જો તમારી પાસે પોલીસબળ ઓછું છે તો તમારે કેન્દ્ર પાસેથી ફોર્સ મગાવવી જોઈએ. તેમજ કેન્દ્ર સરકારે પણ તમારી અપીલ પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ, આપણે લોકોની રક્ષા કરવાની છે.

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી
રામ નવમીના પર્વ પર દેશના કેટલાક ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે હવે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સતર્ક રહેવાની સલાહ આપી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હનુમાન જયંતિને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે. દિલ્હી પોલીસના જવાનોએ હનુમાન જયંતિના એક દિવસ પહેલા બુધવારે જહાંગીરપુરી વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. દિલ્હી પોલીસ ઉપરાંત પેરા મિલિટરી ફોર્સના જવાનો પણ જહાંગીરપુરીમાં હાજર છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જહાગીરપુરી વિસ્તારના જી બ્લોકમાં હનુમાન જયંતિ શોભા યાત્રા પર પથ્થરમારો બાદ હિંસા ભડકી હતી.

રામ નવમીના દિવસે આ રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી
ઉલ્લેખનીય છે કે રામ નવમીના અવસર પર પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. બિહાર અને બંગાળમાં આગચંપી અને પથ્થરમારાની સાથે બોમ્બ બ્લાસ્ટ પણ થયા હતા. સ્થિતિ એ છે કે હવે પશ્ચિમ બંગાળ અને બિહારના વિસ્તારોમાં હજી પણ હિંસાની આગ વારંવાર ભડકી રહી છે. આ જોતાં કેન્દ્ર સરકાર હનુમાન જયંતિને લઈને પહેલેથી જ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

હનુમાન જયંતિ અંગે કલકત્તા હાઈકોર્ટની સૂચનાઓ
આ સાથે જ આજે કલકત્તા હાઈકોર્ટે પણ પશ્ચિમ બંગાળ સરકારને હનુમાન જયંતિને લઈને નિર્દેશ આપ્યા છે. કલકત્તા હાઈકોર્ટે બંગાળ સરકારને રાજ્યમાં સુરક્ષા જાળવવા અને કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જે વિસ્તારોમાં હિંસા બાદ ધારા 144 લાગુ કરવામાં આવી છે ત્યાં હનુમાન જયંતિના દિવસે કોઈ વરઘોડો કાઢવામાં ન આવે.

Most Popular

To Top