Gujarat

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર: 3738 જગ્યા માટે 10.45 લાખ ઉમેદવાર મેદાનમાં

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં સરકારી નોકરીની (Government Job) તૈયારી કરી રહેલા યુવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજે ગુજરાત સરકારે રાજ્યમાં બિનસચવાલય (Non-Secretariat) કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી 13 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજાશે. 3738 જગ્યા માટે 10.45 લાખ ઉમેદવાર મેદાનમાં છે.

આ પરીક્ષાની જાહેરાત વર્ષ 2018માં થઈ હતી અને ત્યારબાદ સતત વિવાદોમાં સપડાઈ જતા પરીક્ષા પાછળ ઠેલાઈ રહી હતી. આ પરિક્ષાના ફોર્મ પણ વર્ષ 2018માં જ ભરાઈ ગયા હતા. આથી આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ જાહેરાત સીધી પરીક્ષા અંગેની જ છે. જેમાં કોઇ નવો વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહી. જે વ્યક્તિએ અગાઉ રદ્દ થયેલી પરીક્ષા સમયે ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.

બિનસચિવાલયની આ સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખોની જાહેરાત આજે 22મી નવેમ્બરે થઈ છે. આજથી ગણીને 13મી ફેબ્રુઆરી સુધીમાં તૈયારી કરી અને પરીક્ષા આપવા માટે કુલ 83 દિવસનો સમય છે. આ અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2020 ની 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષાને 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે પેપર લીક થયુ હોવાની બાબતે રદ કરી હતી. જો કે ત્યાર બાદ આ મામલે સંડોવાયેલા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પેપર લીક થયા બાદ અટવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ લાંબી લડત લડી હતી. પેપર લીક થયાની જાણ થયા બાદ રાજ્યભરમાં પરીક્ષા રદ કરવા વિરોધ ઉઠ્યો હતો. આ માટે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ સરકાર સામે મોર્ચો માંડ્યો હતો. આ આંદોલનમાં અનેક નેતાઓએ પણ સહકાર આપ્યો હતો.  ગયા વર્ષે પરીક્ષાનું પેપર લીક થયા બાદ રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં હતા જેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં હતા.

જણાવી દઈએ કે આ પહેલા ઓક્ટોબર 2021માં કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top