Dakshin Gujarat

ગોવાલીમાં રેતીમાફિયાઓ બેફામ: 7 ટ્રક, મશીન, નાવડી અને એન્જિન સીઝ કરાયું

ઝઘડિયાના ગોવાલીના નર્મદા કિનારે કેટલાક સમયથી કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ખનન માફિયા છડેચોક મોટાપાયે રેતી કાઢી રહ્યા છે. બુધવારે ઝઘડિયાના પ્રાંત અધિકારી, ભૂસ્તર વિભાગ, મામલતદાર તેમજ પોલીસની ટીમે આકસ્મિક ચેકિંગ કરતાં 7 ઓવરલોડ વાહનો નાવડી, હિટાચી મશીન જપ્ત કરતાં રેતીમાફિયાઓમાં ભારે સળવળાટ મચી ગયો છે. ઝઘડિયાના ગોવાલીમાં ઝઘડિયા નાયબ કલેક્ટર પ્રણવ વિઠાણી તથા ઝઘડીયા મામલતદાર, જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ અને પોલીસ ખાતાની ટીમ સાથે આકસ્મિક ચેકિંગ કર્યું હતું. ગોવાલી ગામના કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી નર્મદા નદીના વહેતા પાણીમાં નાવડી મૂકી એન્જિન તથા હીટાચી મશીન દ્વારા રેતીખનનની ગેરકાયદે પ્રવૃત્તિ નાયબ કલેક્ટરના ધ્યાને આવતાં નાવડી, એન્જિન, હીટાચી મશીન જપ્ત કર્યું હતું.

આ બાબતે ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઠાકોરભાઈ દ્વારા ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ગોવાલીના દેવાંગ ઈશ્વર પાટણવાડિયા તથા અંકલેશ્વરના રાજુ ભરવાડ નામના ઈસમો ગેરકાયદે રેતીખનન કરતા હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત નાયબ કલેક્ટર દ્વારા ઝઘડિયા ભરૂચ હાઈવે પરથી સાત જેટલી રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ રેતીવહન કરતી સાત ટ્રક જપ્ત કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. ગોવાલીમાં દરોડાથી રેતીખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Most Popular

To Top