Vadodara

ગોરવામાં ડુપ્લીકેટ સર્ટિફિકેટના આધારે જંતુનાશક દવા વેચતા ઝડપાયાં

વડોદરા: શહેરના ગોરવા વિસ્તરામાં ડુબલીકેટ સર્ટીફિકેટના આધારે જંતુનાશક દવાનું વેચાણ કરવા બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે કંપનીના પ્રોપરાઇટર  સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દવાનો જથ્થો સીઝ કર્યો છે. આ ઉપરાંત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી સઁચાલકની  ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરના ખેતીવાડી વિભાગમાં ઇન્સેક્ટીસાઇડ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કોમલ પટેલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ધ્રુવ છબીલભાઈ કોટેચા (રહે -સીટીઝન સોસાયટી, ઇલોરાપાર્ક) ગાંધી ઓઇલમીલ કમ્પાઉન્ડ નજીક ભગવતી નગર ખાતે કુબેર એન્ટરપ્રાઇઝના નામે કંપની ધરાવે છે. તેમણે જંતુનાશક દવાના વેચાણ માટે લાયસન્સ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીમાં શંકા જણાતા તેની પૂર્તતા હેતુ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વડોદરા જિલ્લામાં  નાયબ ખેતી નિયામક કચેરીમાં ઇન્ટ્સેક્ટિસાઈડ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવવાના હકથી અધિકારી કોમલ પટેલે ધ્રુવ કોટેચાનો સંપર્ક સાધ્યો હતો.

આ દરમિયાન ધ્રુવ કોટેચાએ જણાવ્યું હતું કે ,મને જંતુનાશક દવાના વેચાણ માટેનું લાયસન્સ મળી ગયું છે. ત્યારે  તેના ઉપર શંકા જતા તેમણે ઓનલાઈન પ્રક્રિયાની તપાસ કરી હતી. ત્યારે આ પ્રકારનું કોઈ લાયસન્સ ઇસ્યુ ના થયું હોવાનું પર્દાફાશ થયો હતો. જેથી તેઓએ ખેતીવાડી વિભાગના અન્ય અધિકારીઓ સાથે સ્થળ પર ધસી જઇ ચકાસણી કરતા જંતુનાશક દવાના વેચાણનું  ડુપ્લીકેટ (ખોટું) લાયસન્સ મળી આવ્યું હતું. જે ડુપ્લીકેટ લાયસન્સ માં જે.એમ.પરમાર નામે અધિકારીની ડિજિટલ સિગ્નેચર દર્શાવવામાં આવી હતી.

ખરેખર સરકારી નીતિમાં ડિજિટલ સાઇન કરવાની પદ્ધતિ ઉપલબ્ધ માં નથી અને જે.એમ.પરમાર નામે કોઈ અધિકારી પણ નથી. જેથી અધિકારીઓએ જંતુનાશક દવા નિયમોના ભંગ  તેમજ જંતુનાશક દવા અધિનિયમ હેઠળ ધ્રુવ કોટેચાને  નોટિસ ફટકારી ગોડાઉનમાં રહેલ જંતુનાશક દવાનો જથ્થો સીઝ કર્યો હતો. આ ઉપરાંત  બનાવ અંગે તેઓએ ગોરવા પોલીસ મથકમાં ધ્રુવ છબીલદાસ કોટેચા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top