કન્યાઓનાં અધૂરાં અરમાનો તેમ જ તેમના ભવિષ્યની મંગળ કામનાથી કરવામાં આવતાં અલૂણાં અને ગૌરીવ્રત વાજતેગાજતે આવી પહોંચ્યાં છે. નાની બાળાઓ હરખથી ઘેલી બની અલૂણાં કરતી હોય છે જયારે યુવતીઓ પોતાના સપનાના રાજકુમારને પામવા વ્રત કરવાની સમજ કેળવી ચૂકી હોય છે. સારો ભાવિ પતિ મેળવવાની આશાએ બાલિકાઓ અને યુવતીઓ પાંચ દિવસ એક ટાઈમ મીઠા વગરનું ભોજન કરે છે. અલૂણાં અને જયાપાર્વતી વ્રત ધર્મની પરંપરા માટે તો કરાય જ છે પણ ઘણી બાલિકાઓનો આ વ્રત કરવા પાછળનો આશય હવે બદલાયો છે. હવે ફકત સારો અને સંસ્કારી ભાવિ વર મેળવવા માટે જ વ્રત યુવતીઓ નથી કરતી. આજની મોડર્ન યુવતીઓને પોતાનો ડ્રીમબૉય તો મેળવવો જ છે પણ સાથે સાથે આ વ્રત તેઓ જસ્ટ ફન માટે પણ કરે છે. કોઇને ફીગર મેન્ટેનનું રાખવું છે તો કોઈને પાંચ દિવસ મળતી સરભરાનો ફાયદો ઉઠાવવો છે.
તો વળી કોઇને વ્રત કરી બૉયફ્રેન્ડને રીઝવવો છે. બધું જ મોડર્ન સ્ટાઈલમાં. મંદિર જવું છે પણ જાણે ફેશન પરેડમાં જતાં હોય તેમ મીની પહેરીને, હાથમાં મહેંદી પણ રચવી છે. લંચબોકસમાં ડ્રાયફ્રૂટ્સ લઇ જઇને બોયફ્રેન્ડને ધરી તેની કંપનીની વધુ ચાહત મેળવવી છે. ઉપવાસ છે, વ્રત છે એમ બહાનાં કાઢી લેકચર બંક કરીને મુવી જોવા ઉપડવું છે. આ બધો ભલે તેઓનો વેસ્ટર્ન લુક છે પણ ઘણી વાર તેના વિચારોમાં ઓરિજીનલ કલ્ચર કયાંક કયાંક નજરે ચઢે છે. ગમે તેમ પણ વ્રત તો કરવાં જ છે અને સવારે વહેલા ઊઠીને પૂજા પણ કરવી છે કારણ તેમને તો જોઈએ છે પોતાના સપનાનો રાજકુમાર.
મારી સખીની દીકરી પ્રિષા ખાવાની બહુ શોખીન. વ્રત કરવું એને ગમે છે. તે આગલી રાતે પાણી-પૂરી, ચાઈનીઝ વગેરે વાનગીઓ લારી પર ધરાઈને ખાઇ લે છે. મેં પૂછયું- ‘તારાથી ભૂખા રહેવાતું નથી તો પછી વ્રત શું કામ કરે છે?’ તો બોલી -’’હું આ વ્રત કોઇ શ્રદ્ધાથી કે માન્યતાથી નથી કરતી પણ આ પાંચ દિવસ દરમિયાન ફરવાની તથા જાગરણમાં બધી સખીઓ જોડે ધીંગામસ્તી કરવાની ખૂબ મજા આવે છે.’’ મારી પાડોશમાં રહેતી તન્વી મમ્મીના કહેવાથી જબરદસ્તીથી વ્રત રાખે છે. તો બીજી એની ફ્રેન્ડ, ફ્રેન્ડને કંપની આપવા વ્રત રાખે છે.
તો વળી કોલેજમાં અભ્યાસ કરતી પાહીને પૂછયું તો એ વ્રત એટલા માટે રાખે છે કે તેને મોડલિંગનો ખૂબ શોખ છે. એ કોઈ માન્યતાથી નહીં પણ પોતાનું ફીગર સાચવવા માટે આ વ્રત કરે છે અને સાથે સાથે આ દિવસોમાં ફ્રેન્ડસ જોડે ફરવા જવાની ઘરમાંથી કોઈ ના પાડતું નથી એટલે વ્રતનું વ્રત અને સાથે ફરવાની પણ મજા. જયારે ક્રિનાને પૂછયું તો કહે છે- ‘વ્રત કરું છું પણ એનો મતલબ એ નથી કે મને સારો વર જોઇએ છે. નસીબમાં જે હશે તે તો મળવાનું જ છે. શું સારો વર મળે એટલે સ્ત્રીનું જીવન સફળ અને સાર્થક જ થઇ જાય એવું કોણે કહ્યું?’
જયારે કોલેજમાં ભણતી યાશીને પૂછયું તો કહેવા લાગી કે’એક ખૂણામાં ધરબાયેલી ઈચ્છાઓને મા ગૌરી સમક્ષ ધરી નવાં નવાં કપડાં પહેરીને કોઇ કુંવરી જેવાં માનપાન સાથે લટક મટક મ્હાલવાનો અવસર એટલે ‘ગૌરીવ્રત’ મહેંદી મુકાવવાની, પૂજાપાની ખરીદી માટે જવાનું, સાંજે બગીચામાં મસ્તી કરવાની અને સવારે વહેલા ઊઠીને સરસ મજાના શણગાર સજી-ધજીને શિવજીની પૂજા કરવાની, આ બધું બહુ ગમે છે તેથી આ પર્વની રાહ જોઇને બેઠી હોઉં છું.’
આ બધી વાત થઇ મોટી બાળાઓની જે વ્રત રાખે છે પણ આપણી નાની ઢીંગલીઓ પણ અલૂણાં કરી ગોરમાને રીઝવે છે. ‘ગોરમાનો વર કેસરિયો ને …’ ગાતી સુંદર ચણિયાચોળી પહેરી લટકમટક ચાલતી જાણે વરસાદી માહોલમાં રંગબેરંગી પતંગિયાં અહીંતહીં ઊડતાં હોય તેમ મહેંદી રંગેલા હાથ અને દરરોજ નવાં નવાં વસ્ત્રો પહેરી પૂજાપો હાથમાં લઇ મંદિરે દોડતી પરીઓનાં મુખ પર અલૂણાં કર્યાનો અનેરો ઉત્સાહ ડોકાય છે.
આમ તો આ નાનો થોડા દિવસનો તહેવાર પણ તેમાંથી નાનપણથી જ સંસ્કાર મળે. અનશનની ટેવ પડે. પૂજા – અર્ચનનું મહત્ત્વ સમજાય, સારા વર માટે શિવ-પાર્વતીને પૂજતા ધાર્મિકતાનું પણ સિંચન થાય. ઉપવાસ રાખવાથી જીભ પરનો સંયમ કેળવાય. આ ઇન્દ્રિયો પરનો સંયમ જીવનમાં કેટલો જરૂરી છે. ખાવા-પીવામાં સંયમ, બોલવામાં સંયમ. સંયમ અને ત્યાગવૃત્તિના પાઠ આ વ્રતમાંથી મળે છે. બીજું માટીના કોડિયામાં કે નાની ટોપલીમાં ભાત-માટીમાં રોપાય, તેમાંથી જવારા ઊગે તેની પણ તાલીમ મળે. આપણાં ખેતીપ્રધાન દેશમાં રોપણી, અનાજ કેમ ઊગે તે પણ શીખવું યોગ્ય જ છેને! આમ આ વ્રત ધર્મ-વૈજ્ઞાનિક, આરોગ્યવર્ધક, અને ખેતી અંગેની તાલીમ આપે છે. અલૂણાંના છેલ્લા દિવસે-જાગરણ-ગીતો ગવાય-રમતો રમાય સાથે ખાયણાં ગવાય. ખાયણાં વિના અલૂણાં અધૂરાં કહેવાય. તો ચાલો બાલિકાઓ ગાઈએ ખાયણાં…!
- -શંકર પૂજીને નિત્ય લાગું પાયે,
- કોડીલો વર માંગું કે કૃષ્ણ સરીખડો.
- -પાર્વતીને પૂજીને ચઢાવું હું ફૂલ,
- મારા તે બાપનું કુળ કે સૂર્યથી સોહામણું.
- -દુંદાળો દુ:ખભંજનો ગણપતિ દેવ,
- કરું નિત્ય તારી સેવા કે પામું રિદ્ધિસિદ્ધને.
- -ખાયણાં ગાવું નેે હીંચકે રે ઝૂલું
- રમત સઘળી ભૂલું કે રૂડો ખાયણાં.
તો-બાલિકાઓ... યુવતીઓ સન્નારીઓ…! આ પર્વમાં જેમ તમે મીઠા વગરનું બેસ્વાદભર્યું ખાવ છો છતાં એને એક તપ સમજી આનંદમાં રહો છો, તેમ તમારું જીવન પણ કયારેક દુ:ખને કારણે, નિષ્ફળતાઓને કારણે, આવી મળતાં અપમાનો અને અપયશોને કારણ કે પછી પ્રેમીજનોના વિયોગને કારણે સ્વાદ વગરનું એટલે કે હતાશાભર્યું લાગે ત્યારે એવા સમયને પણ તપ સમજી મનની શુદ્ધિ કાજે આનંદથી જીવી જજો.
બીજી એક વાત અગર આજની સ્ત્રીઓને ભગવાનનું વ્રત કરીને કશુંક માંગવાનું હોય તો શું માંગે? ફકત સારો પતિ? ના-ના, એમની યાદી લાંબી છે. સારો વર કદાચ અગ્રસ્થાને નહીં પણ આવે. સ્વતંત્ર વ્યક્તિત્વ, સ્વમાનભર્યું જીવન, સારું શિક્ષણ અને આત્મનિર્ભરતા, સ્લીમ અને ટ્રીમ ફીગર, મનગમતું કામ કરવાની તક અને જીવનમાં નામ-દામ મેળવવાની શક્તિ. ટૂંકમાં આત્મસન્માન અને આત્મસંતોષભર્યું એક એવું જીવન કે જેમાં સ્ત્રી હોવાની પીડા અને સંઘર્ષ નહીં પરંતુ સ્ત્રીત્વના આનંદનો ઉત્સવ હોય. આપણાં 80 કરોડ દેવીદેવતાઓ સ્ત્રીઓને આવું જીવન આપવા માટે સમર્થ છે ખરાં? મિત્રો, આ તો સ્ત્રીઓના મનને વાચા આપતી વાત છે. બાકી આજે ય સ્ત્રી ધર્મ-કર્મ, શ્રદ્ધા-અંધશ્રદ્ધા, સમર્પણ-સ્વતંત્રતા જેવાં વિરોધી પરિબળો વચ્ચે ઝોલાં ખાય છે. બસ તો અલૂણાં પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા…! આનંદો – મોજ-મસ્તી અને ધમાકા!