ન્યૂયોર્ક: ગૂગલના (Google) સીઇઓ (CEO) સુંદર પિચાઇએ કબૂલ્યું છે કે તેમની કંપનીના (Company) એઆઇ પ્રોગ્રામ બાર્ડના બધા પાસા તેમને પોતાને સમજાયા નથી. કૃત્રિમ બુદ્ધિમતા અથવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(એઆઇ)ને લગતા ગૂગલના પ્રોગ્રામને બાર્ડ નામ આપવામાં આવ્યું છે. આ બાર્ડ હાલમાં એક એવી ભાષા જાતે શીખી ગયો છે જે ભાષા શીખવાનું તેને કહેવામાં આવ્યું ન હતું. બાર્ડને બાંગ્લાદેશી ભાષાનો સહેજ પરિચય થયા બાદ આ ભાષા તે પ્રોગ્રામે જાતે જ શીખી લીધી હતી.
આ ઉપરાંત એક આર્થિક સમસ્યાના ઉકેલ અંગેના નિબંધમાં તેણે પાંચ પુસ્તકોનો સંદર્ભ આપ્યો હતો જે બનાવટી હતા! સીબીએસ ન્યૂઝ દ્વારા હાલમાં હેવાલ આપવામાં આવ્યો હતો કે બાર્ડ સિસ્ટમ દ્વારા ફુગાવા અંગેનો એક નિબંધ હાલમાં લખવામાં આવ્યો હતો અને આ અહેવાલમાં તેણે પાંચ પુસ્તકોના નામ ટાંક્યા હતા અને વાસ્તવમાં આ પાંચેયમાંથી એક પણ પુસ્તકનું અસ્તિત્વ જ નથી! આઇટી ઉદ્યોગમાં આવી ભૂલને મતિ ભ્રમ કહેવામાં આવે છે. આ ઘટનાઓ પછી સુંદર પિચાઇ એ કહેવા પ્રેરાયા છે કે આ સિસ્ટમ કઇ રીતે કાર્ય કરે છે તે પોતાને સમજાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે એલન મસ્ક અને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના તથા આઇટી ઉદ્યોગના નિષ્ણાતોએ હાલમાં હાકલ કરી છે કે ઓપનએઆઇના જીપીટી-૪ કરતા વધુ શક્તિશાળી એઆઇ વિકસાવવાનું હાલ કેટલાક સમય માટે અટકાવી દેવું જોઇએ અને તેમાં સમાજ સામેના તેના જોખમોને ટાંકવામાં આવ્યા હતા.