ગૂગલે તેનું ઇન્ટરનેટ બ્રાઉઝર ગૂગલ ક્રોમ વેચવું પડી શકે છે. હકીકતમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJ તેના ક્રોમ ઇન્ટરનેટ બ્રાઉઝરને વેચવા માટે Google પર દબાણ લાવી શકે છે. આ મામલે કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૂગલ સર્ચ પર અન્યાયી રીતે માર્કેટને કબજે કરવાનો આરોપ છે. યુએસ સરકાર ગૂગલ ક્રોમનો એકાધિકાર ઘટાડવા માંગે છે. આ માટે આ પગલું ભરી શકાય છે.
ઓગસ્ટમાં એક નિર્ણયમાં યુએસ કોર્ટે ગુગલને એન્ટિ-ટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દોષી ઠેરવ્યું હતું. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ગૂગલે સર્ચ અને એડવર્ટાઇઝિંગ માર્કેટમાં પોતાના એકાધિકારનો દુરુપયોગ કર્યો છે. આનાથી સાબિત થાય છે કે કંપનીએ પોતાનો એકાધિકાર જાળવી રાખવા માટે કામ કર્યું છે.
ગૂગલ ક્રોમ સૌથી લોકપ્રિય બ્રાઉઝર
હાલમાં એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ સિવાય ગૂગલ પાસે ગૂગલ ક્રોમ બ્રાઉઝર અને એઆઈ જેમિની જેવી સેવાઓ છે. કંપની તેના Google સર્ચ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓને લક્ષિત જાહેરાતો બતાવે છે. વિશ્વભરમાં કુલ ઇન્ટરનેટ સર્ચમાંથી 65% Google Chrome બ્રાઉઝર દ્વારા કરવામાં આવે છે.
આ પછી Apple Safari પાસે 21% માર્કેટ શેર છે. ફાયરફોક્સ સહિત અન્ય બ્રાઉઝરનો હિસ્સો ઘણો ઓછો છે. ગૂગલ ક્રોમના વધતા શેરનું મુખ્ય કારણ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે. વિશ્વના મોટાભાગના વપરાશકર્તાઓ Android ઓપરેટિંગ સિસ્ટમ સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જેમાં ગૂગલ ક્રોમ ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે રહે છે.
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેર બુધવારે 1.25% વધ્યા હતા. હાલમાં કંપનીનું માર્કેટ કેપ વધીને 2.16 લાખ કરોડ ડોલર (રૂ. 182.40 લાખ કરોડ) થઈ ગયું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ આલ્ફાબેટ વિશ્વની ચોથી સૌથી મોટી કંપની છે.