Business

Google ભારતમાં 1.35 લાખ કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરશે, અમેરિકા સુધી દરિયાઈમાં કેબલ નંખાશે

ગુગલે ભારતમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. અમેરિકન ટેક કંપની આગામી પાંચ વર્ષમાં ભારતમાં US$15 બિલિયન (આશરે ₹1.35 લાખ કરોડ)નું રોકાણ કરી રહી છે. ગુગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ ભારતમાં યોજાઈ રહેલા AI ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમણે 18 ફેબ્રુઆરી બુધવારે સવારે PM મોદી સાથે પણ મુલાકાત કરી હતી અને ભારતમાં AIમાં મોટા રોકાણોની ચર્ચા કરી હતી.

ગુગલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં CEO સુંદર પિચાઈ અને ગુગલ ડીપમાઇન્ડના CEO અને સહ-સ્થાપક ડેમિસ હાસાબિસે મોટા રોકાણની જાહેરાત કરી. કંપની સુપરફાસ્ટ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે ભારત અને અમેરિકા વચ્ચે સમુદ્રની અંદર કેબલ નાખશે. આ ગુગલની US-India Connect પહેલ યોજનાનો એક ભાગ છે.

આ કાર્યક્રમમાં બોલતા સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે કંપની ઈન્ડિયા-યુએસ કનેક્ટ ઈનિશિએટિવ શરૂ કરી રહી છે જેના અંતર્ગત ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે AI કનેક્ટિવિટીને વેગ આપવા માટે એક નવો સબ-સી કેબલ રૂટ બનાવવામાં આવશે. પિચાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ નવો સબ-સી કેબલ રૂટ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા સ્થળોએ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ નવી પહેલ માટે તકો ઉભી કરશે. સુંદર પિચાઈએ એમ પણ જણાવ્યું હતું કે ભારતમાં એક નવો AI પ્રોફેશનલ સર્ટિફિકેટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે જે વ્યક્તિઓને AI માં નિપુણતા મેળવવા માટે તાલીમ આપશે.

ભારત-યુએસ કનેક્ટ ઈનિશિએટિવનો એક ભાગ
ભારતમાં ગુગલ દ્વારા આ મોટું રોકાણ ઈન્ડિયા-યુએસ કનેક્ટ ઈનિશિએટિવનો એક ભાગ છે. આ પહેલ હેઠળ ગુગલ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક નવું આંતરરાષ્ટ્રીય સબ-સી લેન્ડિંગ સ્ટેશન બનાવી રહ્યું છે. આ ગુગલના વૈશ્વિક નેટવર્ક માટે પ્રવેશ બિંદુ તરીકે સેવા આપશે. અહીંથી સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ભારત સાથે જોડાયેલા રહેશે. વધુમાં કંપની ભારતમાં કનેક્ટિવિટી સુધારવા માટે ચાર વધારાના ફાઇબર રૂટ ઉમેરી રહી છે.

ગુગલ દ્વારા આ નોંધપાત્ર રોકાણ નેટવર્ક ક્ષમતામાં સુધારો કરશે અને આઉટેજને રોકવામાં મદદ કરશે. ભારતમાં AI સેવાઓ અને ક્લાઉડ કમ્પ્યુટિંગની માંગ ઝડપથી વધી છે. ગૂગલનો ઉદ્દેશ્ય ભારતને આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડવાનો છે. દરિયાઈ કેબલ ઉપરાંત કંપની ભારતમાં ભૌતિક અને ડિજિટલ સિસ્ટમ્સ પણ વિકસાવશે જેથી AI સેવાઓના સ્કેલ અને ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારી શકાય. આ કંપનીના $15 બિલિયનના રોકાણનો એક ભાગ છે.

ગૂગલ દ્વારા આ રોકાણ ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરશે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર AI મોડેલ્સને તાલીમ આપવામાં મદદ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે આ રોકાણનો હેતુ ભારતમાં લાંબા ગાળાના મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનો છે. પીએમ મોદી સાથે વાત કરતા ગૂગલના CEO એ સમજાવ્યું કે કંપની AI વિજ્ઞાન મોડેલો અને રાષ્ટ્રીય સંશોધનને ટેકો આપવા માટે સરકારી સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરશે.

Most Popular

To Top