નવી દિલ્હી: ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સના સીઈઓ (CEO) અને ટ્વિટરના (Twitter) માલિક એલોન મસ્કએ (Elon Musk) બુધવારે બ્રહ્માંડની વાસ્તવિક પ્રકૃતિને સમજવાના હેતૂ સાથે એક નવી AI કંપની શરૂ કરી. આ કંપનીનું (Company) નામ xAI છે. મસ્ક અને તેમની ટીમ શુક્રવારે લાઇવ ટ્વિટર સ્પેસ ચેટમાં આને લગતી વધુ માહિતી શેર કરશે.
xAIની ટીમમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે DeepMind, Open AI, Google Research, Microsoft Research અને Tesla પર કામ કર્યું છે. આ ટીમના સભ્યોએ ડીપમાઇન્ડના આલ્ફાકોડ અને ઓપનએઆઈના GPT-3.5 અને GPT-4 ચેટબોટ્સ જેવા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. મસ્ક આ ટીમનું નેતૃત્વ કરશે. નવી કંપની મસ્કની તમામ કોર્પોરેટ કંપનીથી અલગ છે પરંતુ તે ટ્વિટર, ટેસ્લા અને અન્ય કંપનીઓ સાથે મળીને કામ કરશે.
મસ્ક AIથી સંસ્કૃતિના વિનાશ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે
મસ્કે વારંવાર “સંસ્કૃતિ વિનાશ” વિશે ચિંતા વ્યક્ત કરી છે જે AI ટેક્નોલોજીની અનિયંત્રિત પ્રગતિને કારણે થઈ શકે છે. આ માટે મસ્કની કંપની xAI તેની AI સિસ્ટમની સલામતીની ખાતરી કરવા માટે એક અનોખો અભિગમ અપનાવશે તેવી પણ જાણકારી સામે આવી છે.
AI 5 વર્ષમાં માનવ બુદ્ધિમત્તાથી આગળ નીકળી જશે
ટ્વિટર સ્પેસ ઇવેન્ટમાં મસ્કએ સુરક્ષિત AI બનાવવાની તેમની યોજનાની રૂપરેખા આપી છે. મસ્કે એમ પણ કહ્યું કે આગામી પાંચથી છ વર્ષમાં સુપર ઈન્ટેલિજન્સ આવશે એટલે કે AI માનવ બુદ્ધિને પાછળ છોડી દેશે. મસ્કે કહ્યું જો AIએ બ્રહ્માંડની વાસ્તવિક પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરશે તો તે ખરેખર AI સુરક્ષાના દૃષ્ટિકોણથી શ્રેષ્ઠ વસ્તુ હશે.
એલોન મસ્કે 9 માર્ચ 2023ના રોજ કંપનીની રચના કરી હતી
પહેલીવાર xAI વિશે એપ્રિલમાં માહિતી સામે આવી હતી. ત્યારબાદ જાણકારી સામે આવી હતી કે એલોન મસ્કએ 9 માર્ચ, 2023ના રોજ xAI નામની નવી કંપનીની રચના કરી હતી. કંપનીનું મુખ્ય મથક નેવાડા, ટેક્સાસ, યુએસએમાં છે જ્યારે મસ્ક તેના એકમાત્ર લિસ્ટેડ ડિરેક્ટર છે. જેરેડ બિર્ચેલને કંપની સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મસ્કે સંકેત આપ્યો કે તેણે xAIના લોન્ચની જાહેરાત કરવા માટે 12 જુલાઈ, 2023ની તારીખ પસંદ કરી હતી કારણકે તારીખ 7-12-23નો સરવાળો કરીએ તો 42 થાય. તેમણે કહ્યું 42 નંબરને જીવન, બ્રહ્માંડ અને દરેક વસ્તુના જવાબ તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેથી આ તારીખ xAIનાં લોન્ચ માટે પસંદ કરવામાં આવી હતી.