નવી દિલ્હી: ગૂગલ (Google) ભારતી એરટેલમાં (Indian Airtel) ૧ અબજ ડોલર જેટલું રોકાણ (Invest) કરીને ૧.૨૮ ટકા હિસ્સો ઉપાડી લેશે અને ભારતના બીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ ફોન (Mobile Phone) ઓપરેટર દ્વારા અપાતી સેવાઓનો વ્યાપ વિસ્તારશે એ મુજબ આ ટેલિકોમ (Telicom) મેજર કંપનીએ જણાવ્યું હતું.
આલ્ફાબેટ આઇએનસીની ગૂગલ કંપની ભારતી એરટેલમાં ૧.૨૮ ટકા હિસ્સો લેવા માટે ૭૦ કરોડ ડોલર(શેર દીઠ રૂ. ૭૩૪) ચુકવશે અને બાકીની રકમ બહુવર્ષીય યોજનાઓમાં આપશે જેમાં ડિવાઇસીસનો પણ સમાવેશ થાય છે. આ ગૂગલ દ્વારા સૌથી મોટું રોકાણ હશે જેણે બે વર્ષ પહેલા ભારતમાં તેના ડિજિટાઇઝેશન ફંડ મારફતે પથી ૭ વર્ષની અંદર ઇક્વિટી ડીલ્સ અને ટાઇ-અપ વડે ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જુલાઇ ૨૦૨૦માં તેણે અબજપતિ મુકેશ અંબાણીના જીઓ પ્લેટફોર્મ્સમાં ૪.પ અબજ ડોલરનું રોકાણ કરીને ૭.૭૩ ટકા હિસ્સો ખરીદ્યો હતો. અમેરિકાની આ ટેકનોલોજી મહાકાય કંપનીએ જીઓના બોર્ડમાં એક બેઠક મેળવી છે અને તેની સાથે સહિયારી રીતે જીઓફોન નેકસ્ટ વિકસાવ્યો છે જે વિશ્વનો સૌથી વાજબી ભાવોનો ટચસ્ક્રીન સ્માર્ટફોન છે જે પ્રગતિ ઓએસ પર ચાલે છે જે એન્ડ્રોઇડ ઓએસનું ઓપ્ટીમાઇઝ્ડ વર્ઝન છે.
ગૂગલ તરફથી ભંડોળ આવતા અબજપતિ સુનીલ મિત્તલના વડપણ હેઠળની ભારતી એરટેલ કંપનીને તેની ફાઇવજી યોજનાઓ વિકસાવવામાં વધુ તાકાત મળશે અને બજારના આગેવાન જીઓને ટક્કર આપવામાં મદદ મળશે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ જુલાઇ ૨૦૨૦માં ૧૦ અબજ ડોલરનું રોકાણ ભારતમાં ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડ તરીકે ભારતના ડિજિટલ અર્થતંત્રને વેગ આપવામાં મદદ કરવા માટે કરવાની જાહેરાત કરી હતી.