ગૂગલ ( google) સામે કર્ણાટકમાં ખુબ રોષ ફાટી નીકળ્યો છે. વાત જાણે એમ છે કે ગૂગલના સર્ચ એન્જિને મોટો ભાંગરો વાટી નાખ્યો. લોકો સોશિયલ મીડિયામાં ( social media) આ અંગે ચર્ચા કરવા લાગ્યા. વાત એટલી વધી ગઈ કે રાજ્ય સરકારે ગૂગલને કાનૂની નોટિસ મોકલવાની વાત સુદ્ધા કરી નાખી.
આ બાજુ તમામ રાજકીય પક્ષોના નેતાઓ પણ આ મામલે ગૂગલની પાછળ પડી ગયા અને ટીકા કરવા લાગ્યા. વાત જાણે એમ છે કે ભારતની સૌથી ભદ્દી (ugliest) ભાષા સર્ચ એન્જિનમાં સવાલ પૂછવામાં આવતા તેનો જવાબમાં કન્નડ ( kannada) ભાષાનું નામ આવતા જ કર્ણાટકના લોકો કાળઝાળ થઈ ગયા. જો કે ખુબ આક્રોશ બાદ ગૂગલે સર્ચ એન્જિન પર આવતા આ જવાબને હટાવી દીધો છે. કંપનીએ લોકોને આ મામલે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે સર્ચના પરિણામમાં તેમનો મત હોતો નથી.
‘સદીઓથી કન્નડિગા લોકોનું ગૌરવ રહી છે ભાષા’
કર્ણાટકના કન્નડ, સંસ્કૃતિ અને વનમંત્રી અરવિંદ લિંબાવલીએ પત્રકારોને કહ્યું કે ગૂગલે આ સવાલના જવાબ માટે કાનૂની નોટિસ મોકલવામાં આવશે. જો કે ત્યારબાદ મંત્રીએ ટ્વિટર પર પોતાની નારાજગી પ્રગટ કરી અને ગૂગલને કન્નડિગા લોકોની માફી માંગવાનું કહ્યું. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે કન્નડ ભાષાનો પોતાનો એક ઈતિહાસ છે અને તે લગભગ 2500 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હતી. મંત્રીએ કહ્યું કે આ ભાષા સદીઓથી કન્નડિગા લોકો માટે ગૌરવ રહી છે.
લિંબાવલીએ ટ્વિટ કરીને કહ્યું કે કન્નડને ખરાબ રીતે દેખાડવું માત્ર કન્નડિગા લોકોના ગૌરવને અપમાનિત કરવાનો ગૂગલનો પ્રયત્ન છે. હું ગૂગલને કન્નડ અને કન્નડિગા પાસે તત્કાળ માફી માંગવા માટે કહું છું. અમારી ખુબસુરત ભાષાની છબી બગાડવા બદલ ગૂગલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાશે.
પૂર્વ મુખ્યમંત્રી સહિત ઘણા રાજકારણીઓએ નિંદા કરી
બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પણ ટ્વીટ કરીને ગુગલની નિંદા કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ગૂગલ ભાષાની બાબતમાં “બેજવાબદારીથી” વર્તે છે. બેંગ્લોરના ભાજપના સાંસદ પીસી મોહન સહિત અન્ય નેતાઓએ પણ ગૂગલની નિંદા કરી હતી અને માફી માંગવાનું કહ્યું હતું. ગૂગલ સર્ચનો સ્ક્રીનશોટ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા, મોહને કહ્યું કે કર્ણાટકમાં મહાન વિજયનગર સામ્રાજ્ય અને કન્નડ ભાષાની સમૃદ્ધ ઇતિહાસ અને અનન્ય સંસ્કૃતિ છે. વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક, કન્નડ પાસે મહાન વિદ્વાનો છે, જેમણે 14 મી સદીમાં જોફરી ચોસરના જન્મ પહેલાં મહાકાવ્યો લખ્યા હતા. ગૂગલ ઈન્ડિયાની માફી માંગે.