ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ જાહેરખબરો પ્રકાશિત કરીને અબજો ડોલરની કમાણી કરે છે. ગુગલનું સર્ચ એન્જિન ઇન્ટરનેટ સર્ફિંગ કરનારાને પોતાના તરફ આકર્ષિત કરવા દુનિયાના તમામ મુખ્ય અખબારોના સમાચારોનો ઉપયોગ કરે છે. દુનિયાનું કોઈ પણ અખબાર કે તેમાં છપાતા સમાચારો વાંચવા હોય તો ગુગલના સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો પડે છે. આ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને કરોડો લોકો ગુગલના પ્લેટફોર્મ પર જાય છે અને તેની જાહેરખબરો પણ જુએ છે, જેમાંથી ગુગલ કમાણી કરે છે. ગુગલ દુનિયાભરનાં અખબારોના સમાચારો મફતમાં પ્રકાશિત કરે છે, પણ તેની જાહેરખબરની કમાણીમાંથી અખબારોને ખાસ કાંઇ આપતું નથી. દુનિયાનાં અખબારોના માલિકોમાં આ બાબતમાં હવે જાગ્રતિ આવતી જાય છે.
ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને ૨૦૨૦ માં આશરે ૧૮૩ અબજ ડોલરનો વકરો થયો હતો, જેમાં ૧૪૭ અબજ તો ગુગલની જાહેરખબરો થકી આવ્યા હતા. દુનિયાની કંપનીઓ ડિજિટલ જાહેરખબરોના ધંધામાં જેટલી કમાણી કરે છે, તેના ૨૯ ટકા ગુગલના ફાળે જાય છે અને ૨૪ ટકા ફેસબુક લઈ જાય છે. ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ જાહેરખબરોની કમાણી કરવા સમાચારોનો ઉપયોગ કરે છે. અખબારો સમાચારો ભેગા કરવા કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ ગુગલ તે સમાચારો મફતમાં વાપરે છે. ડિજિટલ જાહેરખબરોના ધંધામાં ગુગલ વિવિધ અખબારો સાથે હરીફાઈમાં ઊતરે છે.
અખબારોને તેમના સમાચારોની તાકાત પર જે જાહેરખબરો મળવી જોઈએ તે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ તાણી જાય છે. ગુગલે ગયા વર્ષે ભારતમાં જ ૮૮૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ભારતનાં અખબારો પણ ગુગલ પાસે જાહેરખબરોની કમાણીમાં હિસ્સો માગી રહ્યો છે. ભારતના અખબારોના મંડળે કોમ્પિટિશન કમિશન સમક્ષ માગણી કરી છે કે તેમને ગુગલની ડિજિટલ જાહેરખબરોની કમાણીમાં ૮૫ ટકા જેટલો હિસ્સો મળવો જોઈએ.
ગુગલની ડિજિટલ જાહેરખબરોની કમાણીમાં હિસ્સો માગવાની બાબતમાં સૌથી પહેલાં ફ્રેન્ચ અખબારો જાગ્રત થયાં હતાં. ફ્રાન્સનાં અખબારો દ્વારા ફ્રેન્ચ એન્ટિ ટ્રસ્ટ એજન્સી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી કે ગુગલ તેમના સમાચારો મફતમાં વાપરે છે, પણ જાહેરખબરોની કમાણીમાં ભાગ આપતું નથી. ફ્રેન્ચ સરકારે ગુગલને અખબારો સાથે જાહેરખબરોની કમાણી બાબતમાં સમાધાન કરવાનું જણાવ્યું હતું. ગુગલે તેવું કોઈ સમાધાન કર્યા વગર સમાચારોનો મફતમાં ઉપયોગ કરવાનું અને કમાણી કરવાનું ચાલુ રાખ્યું ત્યારે સરકારે ગુગલને ૫૦ કરોડ યુરોનો દંડ ફટકાર્યો હતો. ગુગલને કહેવામાં આવ્યું હતું કે તે જો બે મહિનામાં ફ્રાન્સનાં અખબારો સાથે કમાણીની વહેંચણી બાબતમાં કોઈ સમાધાન નહીં કરે તો તેને રોજના નવ લાખ યુરોનો દંડ કરવામાં આવશે. સરકારની ચેતવણી પછી ગુગલે ફ્રાન્સનાં અખબારો સાથે કમાણી બાબતમાં સમાધાન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં પણ ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ અખબારોના સમાચારો મફતમાં વાપરતી હતી, પણ અખબારોને જાહેરખબરોની કમાણીમાં હિસ્સો આપવા તૈયાર નહોતી. અખબારો દ્વારા સરકારમાં ફરિયાદ કરવામાં આવી તેના પગલે ફેસબુકે તેના ગ્રાહકોને સમાચારો આપવાનું બંધ કર્યું હતું. તેને કારણે ગ્રાહકોની ફરિયાદો વધી ગઈ હતી. આ ફરિયાદોને પગલે ઓસ્ટ્રેલિયાની સરકારે કાયદો બનાવ્યો હતો કે કોઈ પણ વેબસાઇટ અખબારોને કિંમત ચૂકવ્યા વગર તેના સમાચારોનો ઉપયોગ કરી શકશે નહીં. આ કાયદાને કારણે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓને ઓસ્ટ્રેલિયાના અખબારી માલિકો સાથે સમાધાન કરવાની ફરજ પડી હતી.
ઓસ્ટ્રેલિયાની કંપનીઓ ડિજિટલ જાહેરખબરો દ્વારા જેટલી કમાણી કરે છે, તેની ત્રીજા ભાગની કમાણી ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ લઈ જાય છે. કોરોનાને કારણે અખબારોના ફેલાવામાં ઘટાડો થયો હોવાથી તેમની જાહેરખબરોની કમાણીમાં પણ ઘટાડો થયો છે. તેની સામે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓની ડિજિટલ જાહેરખબરોની કમાણી વધી છે. ઓસ્ટ્રેલિયાના કાયદાને પગલે ગુગલ કંપનીએ બે ટી.વી. ચેનલોને વાર્ષિક ૪.૭ કરોડ ડોલર આપવાની ફરજ પડી હતી. ગુગલનું યુ ટ્યૂબ પ્લેટફોર્મ આ ટી.વી. ચેનલોના સમાચારોનો મફતમાં ઉપયોગ કરતું હતું. તેવી જ રીતે બીજા અખબારમાલિકો સાથે સમાધાન કરવાની પણ ગુગલને ફરજ પડી છે. જો કે ગુગલ અત્યંત લોકપ્રિય અખબારોને જ સમાચારોની કિંમત ચૂકવવા તૈયાર થાય છે. નાનાં અખબારો કમાણીમાં ભાગ માગે તો ગુગલ પોતાના સર્ચ એન્જિનમાંથી તેમનું નામ જ કાઢી નાખે છે.
ભારતમાં જો કોઈ મોટી કંપની પોતાના પૈસાની તાકાતથી નાની કંપનીઓને સ્પર્ધામાંથી બાકાત કરવા માગતી હોય તો તેનો ન્યાય કરવા સરકાર દ્વારા કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. ભારતના ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન દ્વારા આ કમિશન સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે કે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ તેમની કન્ટેન્ટ મફતમાં વાપરે છે, પણ તેમને કમાણીમાં ભાગ આપતી નથી. આ સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે અખબારોના માલિકો દુનિયાભરમાંથી વિશ્વસનીય સમાચારો પ્રાપ્ત કરવા કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. તે માટે તેઓ ઓફિસો ખોલે છે, રિપોર્ટરોને નોકરીમાં રાખે છે અને તેમને પગાર ઉપરાંત ભથ્થાંઓ પણ ચૂકવે છે.
આ સમાચારોની વિશ્વસનીયતા ચકાસવા તેઓ ફેક્ટ ચેક પાછળ પણ ખર્ચાઓ કરે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલા સમાચારો ગુગલ તેના સર્ચ એન્જિનમાં મૂકે છે. તેને કારણે તેને જાહેરખબરો મળે છે. ગુગલે તો સમાચારો પાછળ ખર્ચ કરવો પડતો નથી; પણ તેને ડિજિટલ જાહેરખબરો દ્વારા કરોડો રૂપિયાની કમાણી થાય છે. ભારતમાં પણ કોરોનાને કારણે લોકો અખબારની પ્રિન્ટ આવૃત્તિને બદલે ડિજિટલ આવૃત્તિ વાંચતાં થયાં છે. મોટા ભાગનાં અખબારોની ડિજિટલ આવૃત્તિ મફતમાં મળતી હોય છે. તેમાં છપાતા સમાચારો પણ મફતમાં વાંચવા મળતા હોય છે. આ કારણે ડિજિટલ ન્યૂઝનો વેપાર કરતાં અખબારો ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓની જાહેરખબરની કમાણીમાં ૮૫ ટકા જેટલો હિસ્સો માગી રહ્યા છે. ભારતના કોમ્પિટિશન કમિશને પણ તેમના પર નોટિસ કાઢીને તેમનો જવાબ નોંધાવવા તાકીદ કરી છે.
ફ્રાન્સનાં અને ઓસ્ટ્રેલિયાનાં અખબારોને ગુગલ અને ફેસબુકની કમાણીમાં હિસ્સો મળવા લાગ્યો તે પછી ભારતનાં ડિજિટલ અખબારોના માલિકો પણ જાગ્રત થયા છે. કેટલાંક મોટાં અખબારોના માલિકો દ્વારા હવે તેમની ડિજિટલ આવૃત્તિ વાંચવા માટે લવાજમ લેવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. આ લવાજમ ભરનારને અખબારની ડિજિટલ આવૃત્તિ ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે છે. જો કે તેવા લવાજમોની આવક બહુ ઓછી છે. અખબારોના માલિકો પણ હવે ગુગલનો ઉપયોગ પોતાનો નફો વધારવા માટે કરી રહ્યા છે. ગુગલના સર્ચ એન્જિનમાં અખબારોની હેડલાઈન આપવામાં આવે છે. આ સમાચાર વાંચવા માટે હેડલાઈન પર ક્લિક કરવામાં આવે ત્યારે કહેવામાં આવે છે કે જો તમારે આ સમાચાર વાંચવા હશે તો લવાજમ ભરવું પડશે. જો કે માત્ર મોટાં અખબારો જ આ રીતે માગણી કરી શકે છે. નાનાં અખબારો તો લવાજમ માગી જ શકતાં નથી.
–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.